Viral Video: રોબોટ થયો બેકાબૂ! ડાન્સ ઇવેન્ટ દરમિયાન હ્યુમનોઇડ રોબોટ વિદ્યાર્થિનીને ભેટી પડ્યો
માનવીય જીવનમાં હ્યુમનોઇડ રોબોટ્સની દખલગીરી ઝડપથી વધી રહી છે. હવે તે માત્ર મશીનો જ નથી રહ્યા, પરંતુ એવા કામો પણ કરવા લાગ્યા છે જે પહેલા માત્ર માણસો જ કરતા હતા. એટલે કે, હ્યુમનોઇડ રોબોટ્સ હવે ડિલિવરી પણ કરી રહ્યા છે, વેઈટરનું કામ પણ સંભાળી રહ્યા છે, કુંગ ફૂ બતાવી રહ્યા છે અને ડાન્સ પણ કરી રહ્યા છે.
પરંતુ મામલો માત્ર આટલો જ નથી. કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે, જ્યાં હ્યુમેનોઇડ રોબોટ્સ એવી હરકતો કરી બેસે છે જે સમાચારોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ વર્તન ઘણીવાર માણસો જેવું લાગે છે.
તાજેતરમાં કંઈક આવો જ કિસ્સો બન્યો. ચીનના શાન્ક્સી પ્રાંતમાં એક યુનિવર્સિટીના ડાન્સ ઈવેન્ટ દરમિયાન ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદર્શન કરી રહેલો એક હ્યુમેનોઇડ રોબોટ અચાનક એક વિદ્યાર્થિની પાસે પહોંચી ગયો અને તેને જોરથી ગળે લગાડી લીધી. આ સંપૂર્ણપણે અનિયોજિત હતું, કારણ કે રોબોટને માત્ર ડાન્સ પર્ફોર્મન્સ માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. સ્ટાફે તરત જ હસ્તક્ષેપ કરીને રોબોટને વિદ્યાર્થિનીથી અલગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સામે આવતાની સાથે જ ચીની સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. લોકો સવાલ ઉઠાવવા લાગ્યા છે કે શું રોબોટે પોતે આ વર્તન કર્યું કે પછી આ કોઈ ટેકનિકલ ખામી કે ઓપરેટરના કંટ્રોલમાં સમસ્યાનું પરિણામ હતું. કેટલાક યુઝર્સે તેને 'ઓટોનોમસ બિહેવિયર' (સ્વાયત્ત વર્તન) નો સંકેત માન્યો, જ્યારે નિષ્ણાતોએ તેને સોફ્ટવેર અથવા કંટ્રોલ સિસ્ટમની ખામી ગણાવી હતી.
ચીનના સરકારી અખબાર અનુસાર, યુનિવર્સિટીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, આ રોબોટ અને સ્ટુડન્ટ ક્લબ વચ્ચે આયોજિત સંયુક્ત સાંસ્કૃતિક પ્રવૃત્તિનો એક ભાગ હતો, જેમાં કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
ત્યારે ઝડપથી વિકસી રહેલી આ ટેકનોલોજી વચ્ચે એ સ્પષ્ટ છે કે હ્યુમનોઇડ રોબોટ્સને સામાન્ય લોકોની વચ્ચે ઉપયોગમાં લેતા પહેલા મજબૂત સેફ્ટી પ્રોટોકોલ અને બહેતર કંટ્રોલ સિસ્ટમની જરૂર છે. નહીંતર ટેકનોલોજીનું આ ભવિષ્ય ક્યારેક ડરનું કારણ પણ બની શકે છે.

