VIDEO: 35 મુસાફરોથી ભરેલી બસ પેટ્રોલ પંપમાં પલટી, સીસીટીવી જોઈ રૂવાડાં ઊભાં થઈ જશે
કૂથટ્ટુકુલમ વિસ્તારના કક્કૂરમાં લગ્નમાં જઈ રહેલા લોકોથી ભરેલી એક ટૂરિસ્ટ બસ અચાનક અનકંટ્રોલ થઈને પલટી ગઈ અને સીધી પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ. સદ્નસીબે બસ પંપની મશીનો સાથે ન ટકરાઈ, નહિતર બહુ મોટો વિસ્ફોટ થઈ શક્યો હોત. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત કૂથટ્ટુકુલમ-પિરાવમ વાળા મેઈન રોડ પર થયો. બસમાં આશરે 35 લોકો બેઠા હતા, તમામ એક લગ્નમાં સામેલ થવા જઈ રહ્યા હતા. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બસ પિરાવમથી ઈલાંજી જઈ રહી હતી, તો કેટલાકમાં કલાડીથી ઈલાંજીનો ઉલ્લેખ છે.
રસ્તા પર બસની સામે જ એક સ્કૂટર ચાલી રહ્યું હતું. અચાનક સ્કૂટર વાળાએ ઈન્ડિકેટર આપ્યા વગર, પાછળ જોયા વગર સ્કૂટરને જમણી તરફ વાળી દીધું. બસ ડ્રાઈવર પાસે બિલકુલ સમય નહોતો. સ્કૂટરને બચાવવાના ચક્કરમાં તેણે જોરથી બ્રેક મારી અને સ્ટીયરીંગ જમણી તરફ વાળી દીધું. એ સમયે વરસાદના કારણે રસ્તો તદ્દન ભીનો હતો. બસનું ટાયર લપસ્યું અને ડ્રાઈવરે બસ પરથી કંટ્રોલ ગુમાવી દીધો. બસ પલટી ખાતા ખાતા ઘસડાતી નજીકના પેટ્રોલ પંપની અંદર જતી રહી. પલટી મારવા દરમિયાન બસનો પાછળનો ભાગ એ જ સ્કૂટરને જરાક અડી પણ ગયો.
કેમેરામાં કેદ થઈ ઘટના?
CCTVમાં બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે સ્કૂટર અચાનક વળે છે, બસ વાળો તેને બચાવવાનો પ્રયાસ કરે છે અને પછી આખી બસ પલટી જાય છે. પેટ્રોલ પંપ પર સિમેન્ટ-કોંક્રિટનો એક મજબૂત બેરિયર લાગેલો હતો. બસ તેની સાથે જ ટકરાઈને રોકાઈ ગઈ. જો બેરિયર ન હોત તો બસ સીધી ફ્યુઅલ વાળી મશીનો અને ત્યાં પેટ્રોલ પુરાવી રહેલી એક કાર સાથે ટકરાઈ જાત. એ સમયે પંપ પર એક બીજો સ્કૂટર વાળો પણ ઊભો હતો, તે પણ માંડ માંડ બચી ગયો.
આ અકસ્માતમાં 20 થી 35 લોકો ઘાયલ થયાના સમાચાર છે. બસમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ હતાં. સ્થાનિક લોકોએ મોડું કર્યા વગર તુરંત મદદ શરૂ કરી દીધી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. તમામ ઘાયલોને કૂથટ્ટુકુલમની ત્રણ પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મોટાભાગના લોકોની હાલત હવે ઠીક બતાવવામાં આવી રહી છે, પરંતુ 3 થી 4 લોકોને વધુ ઈજા પહોંચી છે. સારી વાત એ છે કે કોઈનો જીવ નથી ગયો.
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ થઈ રહ્યો ગઈ છે. કેટલાક લોકો બસ ડ્રાઈવરના વખાણ કરી રહ્યા છે કે તેણે સ્કૂટર વાળાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. તો બીજી તરફ ઘણા લોકો સ્કૂટર વાળાની બેદરકારી પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે જોયા વગર વાળવાથી આટલો મોટો અકસ્માત થઈ ગયો.

