Travel Destination / શિયાળામાં વેકેશન પર જવું છે? ઓછા સમયમાં પણ ફરી શકો છો ઉત્તરાખંડના આ 5 સ્થળો

શિયાળામાં ફરવાની અલગ જ મજા છે. આ સમય દરમિયાન, ઘણા લોકો એવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે જ્યાં તેઓ બરફવર્ષા અને ઠંડીનો આનંદ માણી શકે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે શિયાળામાં ફરવા માટે બેસ્ટ છે. ઉત્તરાખંડ ભારતની આ સુંદર જગ્યાઓમાંથી એક છે. તે ઉત્તર ભારતમાં સ્થિત એક ધાર્મિક અને સુંદર રાજ્ય છે. હિમાચલ પ્રદેશ તેની પશ્ચિમમાં અને ઉત્તર પ્રદેશ તેની દક્ષિણમાં આવેલું છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા ઉત્તરાખંડને વધુ આકર્ષક બનાવે છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટથી સીધા કચ્છ રણોત્સવ, GSRTCની સ્પેશિયલ વોલ્વો
ઉત્તરાખંડમાં માત્ર એક જ નહીં પરંતુ એવા અનેક પર્યટન સ્થળો છે જ્યાં તમે ઓછા સમયમાં પણ મુલાકાત લઈ શકો છો. આધ્યાત્મિક, શારીરિક અને માનસિક શાંતિ માટે ઉત્તરાખંડથી વધુ સારી જગ્યા કોઈ ન હોઈ શકે. જો તમે પણ આવનારા દિવસોમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને ઉત્તરાખંડના મુખ્ય આકર્ષણોથી ભરેલા પ્રવાસન સ્થળો વિશે જણાવીએ.
હરિદ્વાર

હરિદ્વાર ગંગા નદીના કિનારે આવેલું એક ધાર્મિક શહેર છે. આ હિન્દુઓના 7 મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. હરિદ્વાર જાવ તો ત્યાં હર કી પૌડી, મનસા દેવી, માયા દેવી, ભારત માતા મંદિર, ત્રિવેણી ઘાટ, સપ્ત સરોવર, શાંતિ કુંજ જેવા સ્થળોની મુલાકાત લેવી જોઈએ.
નૈનીતાલ

આ ભારતીયોનું પ્રિય હિલ સ્ટેશન છે જ્યાં ઘણા કપલ્સ હનીમૂન માટે પણ આવે છે. સુંદર પર્વતો, તળાવો અને નજારાને કારણે નૈનીતાલ ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. જ્યારે તમે નૈનીતાલ જાવ ત્યારે નૈના દેવી મંદિર, રાજભવન, નૈનીતાલ તળાવ, નૈના પીક, ભીમતાલ જેવા સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
મસૂરી

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું મસૂરી પણ કપલ્સનું ફેવરિટ ડેસ્ટિનેશન છે ત્યાં ઘણા હનીમૂન કપલ્સ જોવા મળે છે. તેને હિલ સ્ટેશનની રાણી પણ કહેવામાં આવે છે. મન્સૂરના છોડ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેનાથી આ સ્થળનું નામ મસૂરી પડ્યું. મસૂરીમાં કેમ્પ્ટી ફોલ, કેમલ્સ બેક રોડ, ધનોલ્ટી જેવા સુંદર પર્યટન સ્થળો પ્રખ્યાત છે. તેને યમુનોત્રી અને ગંગોત્રીનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે.
દેહરાદૂન

દેહરાદૂન પ્રકૃતિ પ્રેમીઓને સ્વર્ગનો અહેસાસ કરાવે છે. અહીં રાષ્ટ્રીય ઉદ્યાનો, તળાવો, મઠો, રિસોર્ટ્સ, બિનોગ હિલ, જ્વાલાજી મંદિર, ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ જેવા સ્થળો ફરવા માટે બેસ્ટ છે. તેને મસૂરી, હરિદ્વાર અને ઋષિકેશનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
રાણીખેત

તેને ક્વીન્સ લેન્ડ પણ કહેવામાં આવે છે. કુમાઉ રેજિમેન્ટલ સેન્ટર મ્યુઝિયમ, નંદા દેવી પીક, ટ્રેકિંગ અને ગોલ્ફ કોર્સ વગેરે જોવા માટે આ સ્થળની મુલાકાત લો.

