શું રવીન્દ્ર જાડેજા જેવા હાલ થશે ઋતુરાજ ગાયકવાડના? CSK કોચે કહી આ વાત

આજથી ક્રિકેટના મહાકુંભ IPLની 2024 સીઝનની શરૂઆત થઈ રહી છે. આઈપીએલની શરૂઆત પૂર્વે જ માહીએ નવા રોલની જાહેરાત કરી દીધી હતી અને સંભવિત હતુ કે ચેન્નાઈ સુપર કિંગને 2024ના એડિશનમાં કોઈ નવો ખેલાડી જ લીડ કરશે અને ગઈકાલે યોજાયેલા કેપ્ટનોના ફોટોશૂટમાં ચેન્નાઈના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આધિકારીક જાહેરાત થઈ છે.
ધોની કોઈપણ નિર્ણય સમજ્યા-વિચાર્યા વગર નથી લેતા તેના અનેક ઉદાહરણો આપણે ભૂતકાળમાં જોયા છે. જોકે CSKના નવા કેપ્ટન અંગે ધોનીએ એક મજબૂત નિર્ણય ભવિષ્યને ધ્યાને રાખીને લીધો છે. 2022માં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન નિયુક્ત કર્યા છતા CSK અન્ય કોઈને કેપ્ટન તરીકે સ્વીકારવા તૈયાર નહોતી. 2022માં ચેન્નાઈનું સુકાનીપદ જાડેજાને સોંપવામાં આવ્યું હતુ પરંતુ ટીમ નિષ્ફળ જતાં ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ફ્લેમિંગે હવે 2024માં ગાયકવાડને કેપ્ટન બનાવવા અંગે કહ્યું કે અમે 2022માં ધોનીની કેપ્ટનશીપ છોડવા તૈયાર નહોતા. ધોનીને ક્રિકેટની સારી સમજ છે પરંતુ અમે યુવા ખેલાડીઓને આ ભૂમિકા માટે તૈયાર કરવા માગતા હતા. અમે આ વખતે તૈયાર છીએ. તેણે કહ્યું કે છેલ્લી વખતે જ્યારે ધોનીએ કેપ્ટનશીપ છોડી ત્યારે અમને આઘાત લાગ્યો હતો કારણકે અમે તેના માટે તૈયાર નહોતા. આ વખતે અમે આ ટ્રાન્સફોર્મેશનથી અવગત હતા અને તૈયાર હતા.
કોચે કહ્યું કે અમે નવા કેપ્ટનને તૈયાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. યુવાનો પર વિશ્વાસ રાખવાથી ઘણો ફાયદો થયો છે. મેં ઋતુરાજ સાથે કેપ્ટન વિશે વાત કરી છે. આ તેના માટે એક શાનદાર તક છે.
ધોની સમગ્ર સીઝન રમશે ?
ફ્લેમિંગે કહ્યું કે ધોની IPL પહેલા પ્રેક્ટિસ મેચોમાં ફિટ દેખાઈ રહ્યો છે અને આ વખતે ફિટનેસનો કોઈ મુદ્દો નહીં હોય. તેમણે કહ્યું કે ધોનીએ પ્રેક્ટિસ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે અને સમગ્ર ટૂર્નામેન્ટ તે રમતો જોવા મળશે.

