મેચ પહેલા દાવત! અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે કેમ યોજ્યું ખાસ ડિનર?

T20 સિરીઝના ત્રીજા અને છેલ્લા મુકાબલા પહેલા અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયા માટે ડિનરનું આયોજન કર્યું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આપવામાં આવેલી આ દાવતનો એક ખાસ હેતુ હતો. આ આયોજનમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં પરંતુ BCCIના ટોપ ઓફિશિયલ્સ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ભારત-અફઘાનિસ્તાનના ખેલાડીઓએ એકબીજાના અનુભવો શેર કર્યા, તો સાથે જ T20 સિરીઝની ટ્રોફી સાથે ફોટો પણ પડાવ્યા. અફઘાનિસ્તાન ક્રિકેટે BCCI ઓફિશિયલ્સ અને ભારતીય ખેલાડીઓ સાથે વિતાવેલી ક્ષણને 'કોહ-એ-ઝફર' ઈવેન્ટ નામ આપ્યું, જેનો અર્થ થાય છે સફળતાનું શિખર.
અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયાને જમવા પર કેમ બોલાવી?
ટીમ ઈન્ડિયાને ડિનર માટે બોલાવવા પાછળનો હેતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના મજબૂત ક્રિકેટ સંબંધોની ઉજવણી કરવાનો હતો. આ આયોજન પાછળનું કારણ ભારત અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મિત્રતાની ઉજવણી કરવાનું હતું. 'કોહ-એ-ઝફર' નામે યોજાયેલા આ ઈવેન્ટમાં ખેલાડીઓની સાથે બંને દેશોના ક્રિકેટ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
ટીમ ઈન્ડિયાનું થયું સન્માન
'કોહ-એ-ઝફર' ઈવેન્ટ દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ખેલાડીઓ અને BCCIના અધિકારીઓને મોમેન્ટો આપીને સન્માનિત પણ કર્યા.
IND-AFGના ખેલાડીઓએ શું કહ્યું?
ઈવેન્ટ દરમિયાન ભારત અને અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પોતાની પરસ્પરની ક્રિકેટ જર્નીને લઈને પોતાના અનુભવો શેર કર્યા. ઈશાન કિશને માત્ર અફઘાન ખેલાડીઓના ટેલેન્ટના જ વખાણ ન કર્યા, પરંતુ તેમને સારા માણસ પણ ગણાવ્યા.
બીજી તરફ મોહમ્મદ નબીએ ભારતને ક્રિકેટ રમવા માટે એક શ્રેષ્ઠ જગ્યા ગણાવી. તેમણે કહ્યું કે તેમને હંમેશા ભારતમાં ક્રિકેટ રમવું ગમે છે. નબીએ સ્વીકાર્યું કે IPLમાં રમવાથી તેમની રમતમાં સુધારો આવ્યો છે.
ફ્રેન્ડશિપ ડિનર પછી ફ્રેન્ડશિપ કપમાં ક્લીન સ્વીપનો વારો
અફઘાનિસ્તાન સામેની 3 મેચોની T20 સિરીઝમાં ભારત 2-0થી આગળ છે. હવે ત્રીજો મુકાબલો પણ દિલ્હીમાં જ રમાવાનો છે. આશા છે કે ક્લીન સ્વીપ સાથે ફ્રેન્ડશિપ કપ જીતવાના ટીમ ઈન્ડિયાના ઈરાદાઓ પર આ ફ્રેન્ડશિપ ડિનરની કોઈ ખાસ અસર નહીં પડે.

