VIDEO: વિથ્યા રામરાજે બ્રોન્ઝ મેડલ જીતી પી.ટી. ઉષાનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતની વિથ્યા રામરાજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 400 મીટર વિઘ્ન દોડમાં 54.75 સેકન્ડના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે જ તેને પી.ટી. ઉષાનો ચાર દાયકા જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો. વિથ્યાએ આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી ડાન્સ કરીને કરી હતી. કોયંબતૂરની 28 વર્ષીય વિથ્યાએ UAE ની મરિયમ કરીમ અને કઝાકિસ્તાનની એડેલિના જેમ્સ પછી ત્રીજું સ્થાન મેળવ્યું. મરિયમે 54.31 સેકન્ડના રેકોર્ડ સમય સાથે ગોલ્ડ અને એડેલિનાએ 54.58 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો. વિથ્યાએ પી.ટી. ઉષાના 1984 લોસ એન્જિલસ ઓલિમ્પિકમાં બનાવેલા 55.42 સેકન્ડના રાષ્ટ્રીય રેકોર્ડને પાછળ છોડી દીધો. પી.ટી. ઉષા હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ છે. જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં વિથ્યાનો આ બીજો મેડલ છે. આ પહેલાં તે 4 બાય 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતી. આ જ સ્પર્ધામાં ભારતની અનુ રાઘવન 55.88 સેકન્ડના પોતાના સર્વશ્રેષ્ઠ સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.

