RCB vs PBKS / ચિન્નાસ્વામીમાં જોવા મળ્યો કિંગ કોહલીનો ‘સ્વેગ’, T20માં પૂરી કરી અનોખી સદી

વિરાટ કોહલી પોતાના જૂના અવતારમાં પાછો ફર્યો છે. ચિન્નાસ્વામીના મેદાનમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કિંગ કોહલીના બેટમાંથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો હતો. તોફાની શૈલીમાં બેટિંગ કરતા વિરાટે માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ફિફ્ટી સાથે કોહલીએ T-20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જ્યાં અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન પહોંચી શક્યો નથી.
કોહલીનો ‘વિરાટ’ અવતાર
પંજાબ કિંગ્સ દ્વારા આપવામાં આવેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા વિરાટ કોહલી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે મેદાનમાં આવ્યો હતો. વિરાટ શરૂઆતથી જ લયમાં દેખાતો હતો અને તેણે પહેલી જ ઓવરમાં ચાર ચોગ્ગા ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. કોહલીએ પંજાબના બોલિંગ આક્રમણનો સંપૂર્ણ નાશ કર્યો અને તોફાની શૈલીમાં રમતા પોતાની અડધી સદી પૂરી કરી. વિરાટે 49 બોલમાં 77 રનની ઝડપી ઈનિંગ રમી હતી. કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને 2 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
કોહલીના નામે વધુ એક મોટી સિદ્ધિ
ચિન્નાસ્વામીના મેદાન પર ફટકારેલી અડધી સદી સાથે વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી T-20 ક્રિકેટમાં 100મી વખત 50થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. કોહલી પહેલા કોઈ ભારતીય બેટ્સમેન આ સીમાચિહ્ન સુધી પહોંચી શક્યો નથી.
કાર્તિક-લોમરોરે જીત અપાવી
RCBએ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. 177 રનના લક્ષ્યાંકને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. છેલ્લી ઓવરોમાં દિનેશ કાર્તિક અને મહિપાલ લોમરોરે તોફાની બેટિંગ કરી અને RCBને સિઝનની પ્રથમ જીતનો સ્વાદ ચખાડ્યો. કાર્તિક 10 બોલમાં 28 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે લોમરોરે માત્ર 8 બોલમાં 17 રન બનાવ્યા હતા.

