VIDEO: વિમ્બલ્ડનમાં વૈભવ સૂર્યવંશીનો જેન્ટલમેન લુક વાયરલ, છેલ્લી મિનિટે અભિષેક શર્માએ કરી હતી ખાસ મદદ
ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની શાનદાર બેટિંગથી તો ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી જ છે, પરંતુ હવે તેણે પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે. તાજેતરમાં જ આ 15 વર્ષનો યુવા ખેલાડી વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ 'વિમ્બલ્ડન'ના મેન્સ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં જોવા મળ્યો હતો. આ મેચ દરમિયાન તે ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા અને પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે જોવા મળ્યો હતો. વૈભવની આ તસવીરો સામે આવ્યા બાદ તેનો નવો અંદાજ ભારે વાયરલ થઈ રહ્યો છે.
કાળા રંગનો શૂટ અને સફેદ રંગના પટ્ટાવાળું શર્ટ પહેરેલા વૈભવે કાળા ચશ્મા પણ લગાવ્યા હતા, જેમાં તે એકદમ જેન્ટલમેન દેખાઈ રહ્યો હતો. તેની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગમાં ચોક્કસપણે મોટો વધારો કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે વૈભવે આ સ્પેશિયલ લુક માટે કેવી તૈયારી કરી હતી?
અભિષેક શર્મા પાસે માંગી મદદ
વૈભવે પોતે ખુલાસો કર્યો છે કે તે આ લુક માટે અગાઉથી તૈયાર નહોતો અને છેલ્લી ઘડીએ તેણે અભિષેક શર્મા પાસે મદદ માંગવી પડી હતી. વૈભવે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "ના, મેં ખાસ કોઈ તૈયારી નહોતી કરી. છેલ્લી ઘડીએ ઉતાવળમાં મને જે મળ્યું, મેં અભિષેક ભાઈને કહીને સેટ કરાવ્યું અને તે પહેરીને હું આવી ગયો."
સેન્ટર કોર્ટ પર રમાયેલા આ રોમાંચક મેન્સ સિંગલ્સ ફાઇનલમાં ઇટાલીના યાનિક સિનરે જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને પોતાનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ અને સતત બીજું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. વૈભવે આ મેચ લાઇવ સ્ટેડિયમમાં નિહાળી હતી, જે તેનો પહેલો અને અદ્ભુત અનુભવ હતો.
વૈભવને ટેનિસ ખૂબ પસંદ છે
આ દરમિયાન વૈભવે જણાવ્યું કે તેને ટેનિસ રમત પ્રત્યે ખૂબ રસ છે અને તે લાંબા સમયથી રાફેલ નડાલ તથા નોવાક જોકોવિચને ફોલો કરી રહ્યો છે. વૈભવે કહ્યું, "હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી ટેનિસ જોઉં છું. મેં રાફેલ નડાલ અને નોવાક જોકોવિચને ઘણા સમય પહેલાથી ફોલો કર્યા છે. આજે પણ જોકોવિચ મારો ફેવરિટ છે."
આ ઉપરાંત વૈભવે એમ પણ જણાવ્યું કે તે સ્પેનના યુવા સ્ટાર કાર્લોસ અલ્કરાજનો પણ મોટો ફેન છે. તેણે કહ્યું, "આજની જનરેશનમાં મને કાર્લોસ અલ્કરાજ ખૂબ જ પસંદ છે, પરંતુ આ વર્ષે તે વિમ્બલ્ડનમાં રમી રહ્યો નથી. મેં આખી ટૂર્નામેન્ટ જોઈ છે અને એ પણ જોયું કે કેવી રીતે સિનરે પોતાનો દબદબો જાળવી રાખ્યો."

