આ સ્ટાર ખેલાડી ભારતીય ટીમમાં કરી શકે છે વાપસી, સાજો થયા બાદ મુંબઈમાં કરી રહ્યો છે પ્રેક્ટિસ

ભારતીય વનડે ટીમનો વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાના કારણે મેદાનથી દૂર છે. ઑસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં કેચ પકડવા દરમિયાન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે અહેવાલ છે કે તે રિહેબિલિટેશન માટે BCCIના સેન્ટર ઓફ એક્સિલેન્સમાં પહોંચી રહ્યો છે.
અય્યરે મુંબઈમાં બેટિંગ પ્રેક્ટિસ કરી
શ્રેયસ અય્યરે 24 ડિસેમ્બરે મુંબઈમાં બેટિંગની પ્રેક્ટિસ કરી. BCCIના સૂત્રો અનુસાર શ્રેયસ અય્યરની ઈજા દુર્ભાગ્યપૂર્ણ રહી, જેના કારણે તેણે અમુક મેચો ગુમાવી. જોકે સારી વાત છે કે તેને હવે કોઈ સમસ્યા નથી અને પ્રેક્ટિસ કરી રહ્યો છે.
BCCIની ટીમ કરશે નિરીક્ષણ
બેંગલુરુમાં BCCIની મેડિકલ ટીમ ચારથી છ દિવસ સુધી શ્રેયસ અય્યર પર નજર રાખશે. જે બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો વિજય હજારે ટ્રોફીમાં રમી શકે છે. નોંધનીય છે કે ઈજાના કારણે શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ તથા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પણ મેચ રમી શક્યો નહોતો.
એવામાં હવે શક્યતા છે કે વિજય હજારે ટ્રોફીના અંતિમ તબક્કામાં અથવા તો ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં શ્રેયસ અય્યરની વાપસી થઈ શકે છે.

