Paris Paralympic 2024 / કલોઝિંગ સેરેમનીમાં આ 2 એથ્લેટ્સ બનશે ભારતના ધ્વજવાહક, આજે મોડી રાત્રે લહેરાવશે તિરંગો

પેરિસ પેરાલિમ્પિક્સ 2024 હવે તેના અંત તરફ છે. પેરાલિમ્પિક 2024માં ભારતનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે આ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીના સૌથી વધુ 29 મેડલ જીત્યા છે.
દરમિયાન, પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની કલોઝિંગ સેરેમનીમાં ભારતીય ધ્વજવાહક કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી છે. તીરંદાજ હરવિન્દર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ રવિવારે મોડી રાત્રે યોજાનાર કલોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હશે.
હરવિંદર સિંહે ગોલ્ડ જીત્યો હતો
હરવિંદર સિંહ બુધવારે મેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ફાઈનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવીને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ બન્યો હતો. ત્રણ વર્ષ પહેલા, હરવિંદરે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિકમાં ભારતનો આ પહેલો તીરંદાજી મેડલ હતો.
તે સપનું સાકાર થવા જેવું છે
હરવિન્દરે કહ્યું, "ભારત માટે ગોલ્ડ મેડલ જીતવો એ એક સપનું સાકાર થવા સમાન છે. હવે કલોઝિંગ સેરેમનીમાં ધ્વજવાહક તરીકે મારા દેશનું નેતૃત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે. આ જીત તે બધા માટે છે જેમણે મારામાં વિશ્વાસ કર્યો છે. મને આશા છે કે આ ઘણા લોકોને તેમના સપના સાકાર કરવા પ્રેરણા આપશે."
પ્રીતિએ બે બ્રોન્ઝ મેડલ જીત્યા
પ્રીતિએ પેરિસ 2024માં T35 કેટેગરીમાં વિમેન્સ100 મીટર અને 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પેરાલિમ્પિકમાં ટ્રેક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. પ્રીતિએ સ્ટેડ ડી ફ્રાન્સમાં 100 મીટર ઈવેન્ટમાં 14.21 સેકન્ડ અને 200 મીટર ઈવેન્ટમાં 30.01 સેકન્ડનો વ્યક્તિગત રેકોર્ડ બનાવ્યો હતો.
તે એક મોટું સન્માન છે
પ્રીતિએ કહ્યું, "ધ્વજવાહક તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટા સન્માનની વાત છે. આ ક્ષણ માત્ર મારા માટે જ નથી, તે દરેક પેરા-એથ્લેટ માટે છે જેણે પોતાની મર્યાદા ઓળંગીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે."

