Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The tour to Sri Lanka will not be easy for India

VIDEO: ભારત માટે સરળ નહીં હોય શ્રીલંકાનો પ્રવાસ, વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયા સામે હશે આ પડકારો

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટીમ ઈન્ડિયાને આ મહિને શ્રીલંકાના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. સિરીઝની શરૂઆત 15 ઓગસ્ટથી થશે. ટીમ ઈન્ડિયા માટે આ 'કરો યા મરો' વાળી સિરીઝ છે. ટીમ પર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલમાં એન્ટ્રી કરવાનું દબાણ છે. ટીમ ઈન્ડિયા 2023-2025ની સાયકલની ફાઈનલમાં નહોતી પહોંચી. ભારતને જો WTC 2025-2027ની ફાઈનલની રેસમાં ટકી રહેવું હોય તો તેણે શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં હરાવવું પડશે. ત્યારબાદ અન્ય ટીમો સામે પણ જીત મેળવવી પડશે. જોકે, શુભમન ગિલની ટીમ માટે આવું કરવું સરળ નથી. ટીમ સામે ત્રણ મોટા પડકારો છે.

App Store

WTC ફાઈનલની રાહ સરળ નથી

WTC 2025-2027ની સાયકલમાં ભારતની 9 ટેસ્ટ મેચ બાકી છે. મતલબ કે ટીમ ઈન્ડિયાએ હજુ ત્રણ ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારત આ ત્રણ ટેસ્ટ સિરીઝમાંથી બે વિદેશમાં અને એક પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. શ્રીલંકા પ્રવાસ પછી ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા ન્યુઝીલેન્ડ જશે. ત્યારબાદ 2027ની શરૂઆતમાં ભારતે પોતાના ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. WTCની ફાઈનલમાં જવા માટે ભારતે આ 9 ટેસ્ટ મેચમાંથી 7 મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે. જે ટીમ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે.

શ્રીલંકા સામે ક્લીન સ્વીપ જરૂરી

WTCની ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારતે ટેસ્ટ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવવું પડશે. જો ટીમ ઈન્ડિયા આવું નહીં કરે તો ફાઈનલની રાહ મુશ્કેલ બની જશે. આમ પણ શ્રીલંકા પ્રવાસ પર ભારત માટે ટેસ્ટ સિરીઝ આસાન નહીં રહે. તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ગોલમાં થશે ખરી કસોટી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝની શરૂઆત 15 ઓગસ્ટથી થશે. પ્રથમ મેચ ગોલમાં રમાશે. ગોલની પિચ ટર્નિંગ (સ્પિન ફ્રેન્ડલી) હોય છે. અહીં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને સ્પિનર્સ તરફથી કડક પડકાર મળશે.

ટીમના બેટ્સમેનોએ સ્પિનર્સ સામે સ્ટ્રગલ કર્યું છે. છેલ્લી બે ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના સ્પિનર્સ સામે ભારતીય બેટ્સમેનો ટકી નહતા શક્યા. ભારતમાં રમાયેલી આ બંને સિરીઝમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ગોલમાં પણ શ્રીલંકાના સ્પિનર્સ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસ એવા જ સ્પિનર છે, જે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો માટે માથાનો દુ:ખાવો બની શકે છે.

ગોલમાં ભારતનો રેકોર્ડ

ગોલમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ બહુ સારો નથી રહ્યો. ટીમ ઈન્ડિયાએ અહીં અત્યાર સુધીમાં 5 ટેસ્ટ રમી છે, જેમાંથી 2માં જીત મેળવી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ ગ્રાઉન્ડ પર છેલ્લી ટેસ્ટ 2017માં જીતી હતી. ત્યારે ઈન્ડિયાએ શ્રીલંકાને 304 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા 9 વર્ષ બાદ ગોલમાં ટેસ્ટ રમશે.

કોલંબોમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ પર રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ વધુ સારો છે. ભારતે અહીં 9 ટેસ્ટ રમી છે, જેમાંથી 3માં જીત મેળવી છે અને 2માં હાર મળી છે, જ્યારે ચાર ટેસ્ટ ડ્રો રહી છે.

કોલંબોમાં પણ સ્પિન ટ્રેક છે. અહીં પણ ટીમ ઈન્ડિયા સ્પિનર્સ સામે ફસાઈ શકે છે. ટીમ ઈન્ડિયાના એકાદ બેટ્સમેનને બાદ કરતાં બાકીના બેટ્સમેનોને સ્પિન રમવામાં તકલીફ પડે છે.

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત

શ્રીલંકા પ્રવાસ દરમિયાન શુભમન ગિલની ટીમ પર પ્રેશર રહેશે. ટીમના ઘણા રેગ્યુલર ખેલાડીઓ ઈજાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાને 3 ઓગસ્ટના રોજ મોટો ઝટકો લાગ્યો, જ્યારે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો.

બુમરાહના ડાબા ઘૂંટણમાં ઈજા છે, જેનાથી તે હજી સુધી સાજો નથી થયો. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયો હતો, તેના રિપ્લેસમેન્ટ તરીકે આકિબ નબીને ટીમમાં તક મળી છે. આકિબ નબી પર સારું પ્રદર્શન કરવાનું પ્રેશર રહેશે.

બુમરાહ ઉપરાંત વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને નીતીશ કુમાર રેડ્ડી પણ ઈજાગ્રસ્ત છે. સુંદર અને હર્ષિત રાણાને હેમસ્ટ્રિંગની ઈજા છે, જ્યારે નીતીશ કુમાર રેડ્ડીને ક્વાડ્રિસેપ્સ (સાથળ) માં ઈજા છે. આ તમામ ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાના કારણે શ્રીલંકા પ્રવાસ માટે ઉપલબ્ધ નહતા.