'ટીમને મારા પર વિશ્વાસ...', રવિન્દ્ર જાડેજાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, સંઘર્ષના દિવસોને યાદ કર્યા

રવિન્દ્ર જાડેજા હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સૌથી અગ્રણી ઓલરાઉન્ડર છે. તે બેટ અને બોલ બંનેથી ટીમમાં યોગદાન આપવાનું જાણે છે. શરૂઆતમાં, જાડેજાને બોલિંગ ઓલરાઉન્ડર માનવામાં આવતો હતો અને તેને બેટથી પોતાને સાબિત કરવાની તક નહતી મળી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં જાડેજાએ સાબિત કર્યું છે કે તે બેટથી પણ એટલો જ ઘાતક છે જેટલો તે બોલથી છે. હવે જાડેજાએ ટીમ ઈન્ડિયામાં પોતાના શરૂઆતના દિવસો યાદ કર્યા છે.
રવિન્દ્ર જાડેજાએ પોતાના શરૂઆતના દિવસો યાદ કર્યા
રવિન્દ્ર જાડેજાએ 2009માં ટીમ ઈન્ડિયાની જર્સીમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેને બેટથી પોતાને સાબિત કરવાની તક નહતી મળી. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ દરમિયાન વરસાદ પડ્યો હતો, જેના કારણે બીજા દિવસની રમત શરૂ થવામાં વિલંબ થયો હતો. દરમિયાન, બ્રોડકાસ્ટર સાથે વાત કરતા જાડેજાએ કહ્યું, "જ્યારે મેં શરૂઆત કરી હતી, ત્યારે હું નંબર 4 પર બેટિંગ કરતો હતો. જો તમે મારી રણજી ટ્રોફી કારકિર્દી જુઓ, તો મારી એવરેજ 60થી વધુ હતી. મને મારી પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ હતો. ક્યારેક, જ્યારે તમે ભારતીય ટીમમાં પ્રવેશ કરો છો, ત્યારે તમને તે નંબર નથી મળતો."
જાડેજાએ આગળ કહ્યું, "ઘણી વાર એવી સ્થિતિ પણ આવી છે જ્યારે હું નંબર 8 કે 9 પર બેટિંગ કરતો હતો. જ્યારે તમે ડ્રેસિંગ રૂમમાં તમારા પેડ પહેરીને બેઠા હોવ છો, ત્યારે તમારા સાથી બોલર આગામી ઈનિંગ માટે બોલ પસંદ કરી રહ્યા હોય છે. આ બધી બાબતોથી આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. એવું લાગે છે કે શું ટીમને મારા પર વિશ્વાસ નથી. મેં જોયું કે જ્યારે મેં મારી કારકિર્દી શરૂ કરી હતી, ત્યારે મને તે નંબર નહતો આપવામાં આવ્યો. એવો સમય હતો જ્યારે હું આર. અશ્વિનથી નીચે પણ બેટિંગ કરતો હતો. આ બાબતો મને પરેશાન કરતી હતી."

