VIDEO: 'રોહિત ભાઈની વાત પર વિશ્વાસ નહતો...' T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુ સેમસનનો મોટો ખુલાસો
સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ભારત માટે કેટલીક યાદગાર ઈનિંગ્સ રમી હતી. પરંતુ સંજુને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમવાની તક નહતી મળી. જે બાદ રોહિત શર્માએ તેની હિંમત વધારતા એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આખરે સાચી સાબિત થઈ. T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો હતો. હવે ભારત દુનિયાની પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 વાર T20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2024માં રોહિત શર્માએ T20 વર્લ્ડકપ જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તો વર્ષ 2026માં સૂર્યકુમાર યાદવે ટ્રોફી જીતવામાં સફળતા હાંસલ કરી, જેમાં ભારતની આ જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન રહ્યો હતો.
T20 વર્લ્ડકપની શરૂઆતી મેચોમાંથી બહાર હતા સંજુ
T20 વર્લ્ડકપ પહેલા ન્યુઝિલેન્ડ સામે 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. તે સિરીઝમાં વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો. આમ છતાં, તેને T20 વર્લ્ડકપ 2026ની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જોકે, શરૂઆતની મેચોમાં તેને રમવાની તક ન મળી, પરંતુ જ્યારે તેની ટીમમાં વાપસી થઈ, ત્યારે તેણે દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું.
રોહિતની વાત પર સંજુને નહતો વિશ્વાસ
શરૂઆતની મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યા પછી, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંજુને આશ્વાસન આપ્યું હતું કે, તેનો સમય ચોક્કસ આવશે. પરંતુ રોહિત શર્માની આ વાત પર સંજુને બિલકુલ ભરોસો નહતો. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સંજુએ જણાવ્યું કે, "ઈમાનદારીથી કહું તો, તે સમયે મને રોહિત ભાઈની વાત પર વિશ્વાસ નહતો થયો. સોરી… તે કદાચ પોતાના અનુભવ કે, દિલથી બોલી રહ્યા હતા, પરંતુ તે દિવસે હું એ નહતો જોઈ શકતો જે આજે જોઈ રહ્યો છું. મારો ચહેરો જોઈને કોઈ પણ કહી શકતું હતું કે હું નિરાશ હતો."
બ્રેક મળવાનો સંજુને થયો ફાયદો
ન્યુઝિલેન્ડ સિરીઝ પછી ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ સંજુ પર હાવી હતો. તેણે જણાવ્યું કે, કોઈપણ મોટા આઘાતમાંથી બહાર આવવામાં તેને ઓછામાં ઓછો એક સપ્તાહ લાગે છે. વર્લ્ડ કપના શરૂઆતના 4-5 દિવસો સુધી તે માનસિક રીતે ખૂબ સંઘર્ષ કરી રહ્યો હતો. જોકે, આ નિષ્ફળતાએ તેને પોતાની અંદર જોવાની તક આપી હતી.
મેચ વિનિંગ પરફોર્મન્સ પર શું બોલ્યો સંજુ?
T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સંજુ સેમસને ટીમ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું. સામાન્ય રીતે પાવરપ્લે પછી આક્રમક બેટિંગ કરનારા સંજુએ તે દિવસે મેચની સ્થિતિ સમજી. બીજી તરફથી સતત પડતી વિકેટોને જોઈને તેણે પોતાની રણનીતિ બદલી. સંજુએ જણાવ્યું કે, ક્રિકેટ જ તમારો સૌથી મોટો શિક્ષક છે. 50 બોલમાં અણનમ 97 રનની ધમાકેદાર ઈનિંગ પછી સંજુએ કહ્યું કે, "હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. તે પળ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે."

