'વામન હંમેશા વામન જ રહે...', રોહિત વિરુદ્ધ હાર્દિક અને MIની કેપ્ટનશીપ અંગે સિદ્ધુએ આપેલા નિવેદને મચાવી હલચલ

હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી ત્યારથી ફેન્સ નારાજ છે. એટલું જ નહીં આઈપીએલની પહેલી મેચમાં હાર્દિકે રોહિત શર્માને કેપ્ટન તરીકેની સૂચનાઓ પણ આપી હતી, ફેન્સને આ પસંદ નહોતું આવ્યું. હાર્દિક ભડકતા અંદાજમાં રોહિત શર્માને સૂચના આપી રહ્યો હતો. આ સમયે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ હાર્દિક અને રોહિતને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે.
નવજોત સિંહ સિદ્ધુએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે, "હું એવી ભારતીય ટીમમાં રમ્યો છું જ્યાં એકસાથે પાંચ કેપ્ટનો એક જ ટીમમાં રમતા હતા. કપિલ દેવ, દિલીપ વેંગસરકર, સુનીલ ગાવસ્કર, કૃષ્ણમાચારી શ્રીકાંત અને રવિ શાસ્ત્રી... એક ઈંટ ઉપાડો તો તેની ઉપર અને નીચે બંને જગ્યાએ કેપ્ટન મળશે. તેમાં કોઈ સમસ્યા નહોતી કારણ કે તેઓ દેશ માટે રમી રહ્યા હતા. દેશ માટે રમવાની પ્રેરણા હતી. એટલે રોહિત હાર્દિકની આગેવાનીમાં રમીને નાનો નથી બની જતો."
સિદ્ધુએ કહ્યું કે, હું ખાતરીપૂર્વક કહું છું કે, આનાથી કંઈ રોહિત શર્મા નાનો નથી થઈ જતો, તે એક મોટો ખેલાડી છે. આ એક ફ્રેન્ચાઈઝી છે જેણે એક નવા માણસને લાવ્યા જે વધુ સારો હોય બધાએ તેને સ્વીકાર્યો છે. પરંતુ રોહિત એક મહાન ખેલાડી છે. સિદ્ધુએ પોતાની કાવ્યાત્મક શૈલીમાં કહ્યું હતું કે 'એક વામન ભલે પર્વતની ટોચ પર ઊભો રહે, પછી પણ વામન જ રહે છે. દેવતા ભલે કૂવાની ઊંડાઈએ હોય તો પણ એ દેવતા જ છે.
નવજોત સિદ્ધુએ કહ્યું કે, લોખંડ જ તપે છે, ટીપાય છે ત્યારે જ બેધારી તલવાર બને છે. સોનું સુવર્ણકાર દ્વારા ટિપાઈને જ કોઈના ગળાનો હાર બને છે. 'લાખો મુશ્કેલીઓનો સામનો કર્યા પછી જ કોઈ રોહિત અને ધોની જેવા સરદાર બને છે. કોઈ સાબિતી આપવાની જરૂર નથી. સૂર્ય શું કોઈ પ્રમાણ આપે છે, તેનું તેજ જ એની સાબિતી છે. આટલા લાંબા સમય સુધી સતત રન બનાવવા આ જ પ્રમાણ છે.
તમને જણાવી દઈએ કે રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે. રોહિત 10 વર્ષ બાદ IPLમાં ખેલાડી તરીકે રમી રહ્યો છે. હવે મુંબઈની આગામી મેચ 27મી માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થવાની છે.

