રિઝવીએ રાશિદના પહેલા જ બોલે ફટકારી દીધો હતો છગ્ગો, કહ્યું- માહી ભાઈની સલાહ આવી કામ

Sameer Rizvi On Dhoni: IPL 2024માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સને 63 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે ધમાકેદાર શરૂઆત કરી અને ઇનિંગનો અંત પણ શાનદાર રીતે કર્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગની 19મી ઓવરમાં સમીર રિઝવી બેટિંગ કરવા આવ્યો હતો. આ ખેલાડીની આ ડેબ્યુ ઇનિંગ હતી અને તેની સામે વિશ્વનો સર્વશ્રેષ્ઠ T20 સ્પિનર રાશિદ ખાન હતો. પરંતુ રિઝવીએ જે કર્યું તે જોઇને ખરેખર બધા ચોંકી ગયા હતા. રિઝવીએ રાશિદના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારી દીધો હતો.
ધોનીએ પણ રિઝવી માટે તાળીઓ પાડી
રાશિદ ખાને સમીર રિઝવીના પગ તરફ ગુગલી ફેંકી હતી. જેને રિઝવીએ સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધી. સમીર રિઝવી અહીં ન અટક્યો. તેણે રાશિદની ઓવરનો છેલ્લો બોલ લોંગ ઓફ તરફ ફટકાર્યો અને પછી તેના બેટમાંથી બીજો છગ્ગો નીકળ્યો.
આ મેચમાં રિઝવીએ માત્ર 14 રન બનાવ્યા હતા, પરંતુ જે રીતે તેણે રાશિદ ખાન પર એટેક કર્યો તે જોઈને ચેન્નઈ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો જ નહીં પરંતુ ધોની પણ આશ્ચર્યચકિત થઈ ગયો. ધોનીએ પણ રિઝવી માટે તાળીઓ પાડી હતી.
ધોનીની સલાહ આવી કામ
મેચ બાદ રિઝવીએ આ વિશે વાત કરી અને કહ્યું કે, ‘19મી ઓવરમાં મને મોકલવામાં આવ્યો ત્યારે જે રીતે પરિસ્થિતિ હતી, જો કોઈ બોલ મારા રડાર પર હશે તો હું તેના પર મોટો શોટ જ ફટકારીશ... પહેલો જ બોલ મારા રડાર પર હતો અને મેં છગ્ગો ફટકાર્યો.
આ સિવાય ધોનીની સલાહને યાદ કરતાં રિઝવીએ કહ્યું કે, ‘માહી ભાઈએ મને કહ્યું છે કે હું જે રીતે રમું છું તે રીતે રમું, તેઓએ કહ્યું કે રમત એક જ છે, કુશળતા સમાન છે, પરંતુ માનસિકતા અલગ છે.. તેમણે મને દબાણ ન અનુભવવાની અને પરિસ્થિતિ મુજબ રમવાની સલાહ આપી. તેમણે મને પ્રથમ મેચમાં આટલા બધા દર્શકોની સામે મારી નર્વસનેસનું ધ્યાન રાખવાનું કહ્યું.’

