CSK vs DC / જીત બાદ રિષભ પંતને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઈ સામે આ ભૂલને કારણે ફટકારવામાં આવ્યો દંડ

રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2024ની તેની પ્રથમ જીત નોંધાવી હતી. ગઈકાલે વિશાખાપટ્ટનમના ડો.વાય. એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ ચેન્નાઈને 20 રને હરાવીને જીત મેળવી હતી. પરંતુ હવે આ જીત બાદ પંતને મોટો ઝટકો લાગ્યો છે. CSK સામેની મેચમાં દિલ્હીના કેપ્ટને એક મોટી ભૂલ કરી, જેના માટે તેને મોટી સજા મળી.
વાસ્તવમાં દિલ્હીના કેપ્ટનને ચેન્નાઈ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ દિલ્હી કેપિટલ્સનો આ પહેલો કેસ હતો, જેના માટે તેમને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે IPL 2024માં આ દંડનો સામનો કરનાર રિષભ પંત પ્રથમ નહીં પરંતુ બીજા કેપ્ટન બન્યા છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ તેનો શિકાર બની ચૂક્યો છે. ગયા મંગળવારે (26 માર્ચ), ગુજરાત એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમ્યું હતું. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને પણ સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ગિલને રૂ. 12 લાખના દંડનો સામનો કરવો પડ્યો હતો.
પંતે શાનદાર ઈનિંગ રમી
પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 191/5 રન બનાવ્યા હતા. ટીમ માટે ડેવિડ વોર્નરે 52 રન અને કેપ્ટન રિષભ પંતે 159.38ના સ્ટ્રાઈક રેટથી 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. પંતે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી હતી. રિષભ પંત સારા ફોર્મમાં જોવા મળ્યો હતો.
ધોનીએ લાઈમલાઈટ લુંટી
ટાર્ગેટનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે ભલે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની બેટિંગથી લાઈમલાઈટ લુંટી હતી. રહાણેએ ચેન્નાઈ માટે 45 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. 8મા નંબરે આવેલા એમએસ ધોનીએ 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37* રન બનાવ્યા હતા. ધોનીની બેટિંગથી ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

