Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Proposal presented in the Assembly to cancel the India-Pakistan match

ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાને લઇ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, BCCIના નિર્ણયનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાને લઇ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, BCCIના નિર્ણયનો વિરોધ
સોર્સ : GSTV

યુનાઈટેડ અરબ એમિરેટ્સ (UAE)માં આવતા મહિને એશિયા કપ 2025ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ભારતના પહલગામમાં પાકિસ્તાનની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઈને હિમાચલ પ્રદેશની વિધાનસભામાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને રદ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.  

App Store

ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપતા વિરોધ 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપ્યા બાદ તેનો વિરોધ શરૂ થયો છે. એવામાં બુધવારે વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મલેન્દ્ર રાજને સદનમાં પ્રસ્તાવ લાવીને ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ કરવાની માંગ કરી છે.

આતંકી હુમલામાં જીવ ગુમાવનારા પરિવારો સાથે અન્યાય થશે

કોંગ્રેસના ધારાસભ્ય મલેન્દ્ર રાજને જણાવ્યું કે, 'પાકિસ્તાન સતત આતંકી હુમલા કરી રહ્યું છે અને આપણા જવાનો બલિદાન આપી રહ્યા છે. આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે કોઈ પણ રમત-ગમતના સંબંધો રાખવા એ શહીદોનું અપમાન છે અને દેશની ભાવનાઓ વિરુદ્ધ છે. પાકિસ્તાન નિર્દોષ નાગરિકોને આતંકવાદનો શિકાર બનાવી રહ્યું છે, તેથી તેમની સાથે મેચ રમવી ન જોઈએ અને પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખવા જોઈએ.'

BCCI આ મેચથી કમાણી કરતી રહેશે: પ્રિયંકા ચતુર્વેદી

19 ઓગસ્ટ, 2025ના રોજ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ શિવસેના (UBT)એ BCCI પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાનારી 14 સપ્ટેમ્બર, 2025ના રોજની મેચને લઈને BCCI અને ભાજપની ટીકા કરી છે.

તેમણે કહ્યું કે, 'ભાજપના ચીયરલીડર્સ ભારત-પાકિસ્તાનની મેચ જોવા દુબઈ જશે, BCCI આ મેચથી કમાણી કરતું રહે ત્યાં સુધી ઓપરેશન સિંદૂરને ભૂલી શકાય, જે શરમજનક છે. ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું ન જોઈએ.' તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉદ્દેશીને કહ્યું કે, 'જો તમે ICCના ચેરમેનને કહી દેશો કે ભારત-પાકિસ્તાનનો મેચ નહીં થઈ શકે, તો તે નહીં થાય.'

ક્યારે યોજાશે એશિયા કપ

એશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં T20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-Aમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. 

એશિયા કપમાં ભારતની મેચનું શેડ્યૂલ

એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચમાં કુલ ત્રણ મેચ રમશે, જેમાં પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી 19 સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

 

ટોપિક્સ:Asia CupIndia And Pakistan