Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Neeraj Chopra conferred honorary rank of Lt. Col in Territorial Army

ભારતીય સેનામાં નીરજ ચોપરાને મળ્યું મોટુ પદ, લેફ્ટનન્ટ કર્નલ બન્યો

Timeછેલ્લું અપડેટ : 14 May 2025
લાઇવ ટીવીGoogle News
ભારતીય સેનામાં નીરજ ચોપરાને મળ્યું મોટુ પદ, લેફ્ટનન્ટ કર્નલ બન્યો

ભારતીય સ્ટાર ભાલાફેક નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં મોટુ પદ મળ્યું છે. તે હવે લેફ્ટનન્ટ કર્નલ બની ગયો છે. આ પહેલા તે આર્મીમાં સૂબેદારના પદ પર હતો.

App Store

નીરજ ચોપરા પોતાની રમત જેવલિન થ્રોને કારણે ભારતમાં જાણીતો બન્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે 2020માં ટોકિયો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ભારત માટે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે બાદથી તે લાઇમલાઇટમાં આવ્યો હતો. નીરજ ચોપરા 2024ની પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચુક્યો છે.

ટેરિટોરિયલ આર્મીમાં સચિન-ધોની સહિતના ખેલાડીઓ પણ સામેલ

મહેન્દ્ર સિંહ ધોની (લેફ્ટનન્ટ કર્નલ, માનદ): ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વ વિખ્યાત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને 2011 માં ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ 106 TA બટાલિયન (પેરા), ધ પેરાશૂટ રેજિમેન્ટનો ભાગ છે. ધોનીએ માત્ર ક્રિકેટના મેદાન પર જ પોતાનું નેતૃત્વ કૌશલ્ય દર્શાવ્યું નથી, પરંતુ સેના સાથે તાલીમ અને શિબિરોમાં પણ સક્રિયપણે ભાગ લીધો છે.

શું છે ટેરિટોરિયલ આર્મી?

ટેરિટોરિયલ આર્મીને પાર્ટ-ટાઇમ વોલેન્ટિયર ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના નાગરિક દ્વારા એમાં આર્મીને સેવા આપવામાં આવે છે. નોન-કોમ્બેક્ટ ડ્યુટી માટે આ આર્મીને બોલાવવામાં આવે છે ખાસ કરીને કુદરતી હોનારત દરમ્યાન. જોકે આ આર્મીને પણ ટ્રેઇનિંગ આપવામાં આવી હોય છે અને દેશ પર સંકટ હોય ત્યારે તેમને પણ બોલાવવામાં આવી શકે છે. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંદુલકર, કપિલ દેવ, સચિન પાયલટ અને એક્ટર મોહનલાલ જેવા અનેક દિગ્ગજ આ ટેરિટોરિયલ આર્મીનો સન્માનનિય રેન્ક ધરાવે છે.

સચિન પાયલટ (કેપ્ટન): કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ટેરિટોરિયલ આર્મીમાં નિયમિત કમિશન્ડ ઓફિસર છે. પાયલટને 2012 માં કમિશન મળ્યું હતું, તેઓ ટેરિટોરિયલ આર્મીમાં નિયમિત અધિકારી તરીકે સેવા આપનારા પહેલા કેન્દ્રીય મંત્રી છે. તેમના પિતા સ્વ. રાજેશ પાયલટ અને દાદા પણ લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા, જેના કારણે તેમની સેવા પરિવારના વારસાનો ભાગ બની ગઈ.

સચિન તેંડુલકર: ક્રિકેટ ગોડ તરીકે જાણીતા સચિન તેંડુલકરને 2010માં ભારતીય વાયુસેના દ્વારા માનદ ગ્રુપ કેપ્ટનનું બિરુદ આપવામાં આવ્યું હતું. તે પણ ટેરિટોરિયલ આર્મી સાથે પણ સંકળાયેલ છે. તેંડુલકરે પોતાની પસિદ્ધિનો ઉપયોગ યુવાનોને લશ્કરી સેવા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કર્યો છે.

અનુરાગ ઠાકુર: ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટેરિટોરિયલ આર્મીમાં કેપ્ટન તરીકે પણ સેવા આપી છે. તેઓ પ્રાદેશિક સેનામાં સક્રિયપણે સામેલ રહ્યા છે અને રાષ્ટ્રની સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા વારંવાર દર્શાવી છે.
 
અભિનવ બિન્દ્રા (મેજર): ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટર અભિનવ બિન્દ્રા પણ ટેરિટોરિયલ આર્મીમાં મેજરનો હોદ્દો ધરાવે છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ ઉપરાંત  બિન્દ્રાએ સેનામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

કપિલ દેવ (કર્નલ, માનદ): ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવને ટેરિટોરિયલ આર્મીમાં માનદ કર્નલનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમની નેતૃત્વ કુશળતા અને દેશ પ્રત્યેના પ્રેમે તેમને પ્રાદેશિક સેનામાં મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે.

લેફ્ટનન્ટ દીપ્તિ રાણા: ટેરિટોરિયલ આર્મીની મહિલા ઓફિસર લેફ્ટનન્ટ દીપ્તિ રાણાએ ઇતિહાસ રચ્યો છે. પ્રાદેશિક સેનામાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં તેમનું સમર્પણ મહત્વપૂર્ણ છે.
 
ટેરિટોરિયલ આર્મીમાં 32 બટાલિયનનો સમાવેશ થાય છે. એમાંથી 14 ઇન્ફેન્ટ્રી બટાલિયન અથવા તો અંદાજે 14000 સૈનિકોને સાઉથર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, નોર્થન કમાન્ડ, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, અંદામાન એન્ડ નિકોબાર કમાન્ડ અને આર્મી ટ્રેઇનિંગ કમાન્ડ દ્વારા બોલાવી શકાય છે.

ભારતના પહેલાં ગવરનર જનરલ સી. રાજાગોપાલચારી દ્વારા 1949ની 9 ઓક્ટોબરે પહેલી ટેરિટોરિયલ આર્મીની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસને ટેરિટોરિયલ આર્મી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ‘સિટિઝન આર્મી’ના સન્માનમાં આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. પહેલો ટેરિટોરિલ આર્મી વીકને 1952માં આઠ નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું.

ટેરિટોરિયલ આર્મીમાં ઇન્ફેન્ટ્રી બટાલિયન, એર ડિફેન્સ, મેડિકલ રેજિમેન્ટ, એન્જિનીયર્સ ફિલ્ડ પાર્ક કંપની, સિગ્નલ રેજિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. જોકે 1972માં આ તમામ યુનિટનું રૂપાતંર રેગ્યુલર આર્મીમાં કરી નાખવામાં આવ્યું હતું. ફકત ઇન્ફેન્ટ્રી બટાલિયનનો સમાવેશ જ હવે ટેરિટોરિયલ આર્મીમાં થાય છે.

ટેરિટોરિયલ આર્મી યુનિટ દ્વારા 1962, 1965 અને 1971માં ભાગ ભજવવામાં આવ્યો હતો. ટેરિટોરિયલ આર્મીને ‘ટેરિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઓપરેશન પવન હેઠળ શ્રીલંકા તેમ જ ઓપરેશન રક્ષક હેઠળ પંજાબ તેમ જ જમ્મુ એન્ડ કશ્મીર પણ ગયા હતા. ઓપરેશન રાઇનો અને ઓપરેશન બજરંગ દર્યાન ટેરિયર્સને નોર્થ-ઇસ્ટમાં પણ મોકલવામાં આવ્યા હતા. આજે ટેરિયર્સનો સમાવેશ રેગ્યુલર આર્મી તરીકે કરવામાં આવે છે. દેશને જ્યારે પણ ખતરો હોય ત્યારે ટેરિટોરિયલ આર્મી દ્વારા રેગ્યુલર આર્મીને યુનિટ પૂરા પાડવામાં આવે છે.

 

ટોપિક્સ:neeraj chopraterritorial army