રોહિતના આઉટ થયા બાદ મુંબઈના ફેને CSK સમર્થકનું માથું ફોડ્યું, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

IPL 2024નો ઉત્સાહ ચાલુ છે. ફેન્સમાં તેનો ક્રેઝ જોઈ શકાય છે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે તે કોઈના માટે જીવલેણ સાબિત થશે. IPLના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સના એક ફેને જીવ ગુમાવ્યો. મામલો મહારાષ્ટ્રના કોલ્હાપુરનો છે. અહીં મુંબઈ ઈન્ડિયન્સના ફેને CSKના એક પ્રશંસકનું માથું ફોડી નાખ્યું હતું. વૃદ્ધ ફેનની હાલત એટલી ગંભીર બની ગઈ કે તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ગત બુધવારે IPL 2024ની 8મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 246 રન જ બનાવી શકી હતી. આ ઇનિંગ દરમિયાન રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા પછી, બંદોપંત બાપ્સો ટિબિલે (ઉંમર 63 વર્ષ) નામના વ્યક્તિએ મુંબઈના ફેનને જીત વિશે પ્રશ્ન પૂછ્યો. જે સાંભળીને તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વૃદ્ધાને માથા પર લાકડી મારી હતી. જ્યારે વૃદ્ધ ફેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી
બંદોપંત કોલ્હાપુરના રહેવાસી હતા. કોલ્હાપુરની કરવીર પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. મુંબઈના ફેન બળવંત મહાદેવ 50 વર્ષના છે. બીજા ફેન સાગર સદાશિવની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. આ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ પહેલા પણ બે ટીમોના ફેન્સ વચ્ચે ઘણી વખત વિવાદ થયો છે. પરંતુ આ મામલો ખૂબ જ જીવલેણ સાબિત થયો.
હૈદરાબાદ સામે મુંબઈને હારનો સામનો કરવો પડ્યો
હૈદરાબાદે મુંબઈને 31 રને હરાવ્યું. ટીમે આક્રમક બેટિંગ કરી હતી અને 277 રન બનાવ્યા હતા. જવાબમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ઉતરેલી ટીમ 246 રન જ બનાવી શકી હતી. રોહિતે 12 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. તિલક વર્માએ 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

