'હું બોલીશ તો વિવાદ થઇ જશે', રણજી ટ્રોફીમાં પ્રદર્શન બાદ મોહમ્મદ શમીનો BCCI પર કટાક્ષ!

રણજી ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં શમીએ 15 વિકેટ ઝડપી છે. ગુજરાત વિરૂદ્ધ રમાયેલી મેચમાં મોહમ્મદ શમીએ 8 વિકેટ લીધી હતી. આ પહેલા ઉત્તરાખંડ વિરૂદ્ધ 7 વિકેટ બાદ મોહમ્મદ શમીએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પર પલટવાર કર્યો હતો.
મોહમ્મદ શમી સારૂ પ્રદર્શન કરે છે છતા ટીમની બહાર કેમ?
મોહમ્મદ શમીએ કેટલાક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે તે પુરી રીતે ફિટ છે અને BCCI અથવા પસંદગીકાર તરફથી કોઇ અપડેટ મળ્યું નથી. શમીએ કહ્યું, 'અપડેટ આપવું કે લેવું મારૂ કામ નથી. મારૂ કામ છે NCA જઇને તૈયારી કરવી અને મેચ રમવી. બાકી અપડેટ કોણ આપે છે તે તેમની વાત છે.'
જવાબમાં અગરકરે કહ્યું હતું કે તેમણે શમી સાથે વાતચીત કરી છે અને જરૂર પડી તો ફરી વાત કરશે. મોહમ્મદ શમીએ સ્પષ્ટ કર્યું કે BCCIની મેડિકલ ટીમનું માનવું છે કે શમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પુરી રીતે તૈયાર નથી. અગરકરે કહ્યું હતું કે તેનો ફોન હંમેશા ખેલાડીઓ માટે ઓન છે.
સ્થિતિને કાબુમાં લાવવા માટે BCCIએ પોતાના નવા સેન્ટ્રલ ઝોનના પસંદગીકાર આરપી સિંહને આ મામલે મોકલ્યો હતો. કોલકાતના ઇડન ગાર્ડન્સમાં રમાઇ રહેલા બંગાળ અને ગુજરાત રણજી મેચ દરમિયાન તે શમી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
આરપી સિંહ સાથે વાતચીત બાદ શમીનું વલણ નરમ જોવા મળ્યું હતું. મોહમ્મદ શમીએ કહ્યું, 'હું હંમેશા વિવાદમાં રહું છું. તમે (મીડિયા) મને તેવો બોલર બનાવી દીધો છે. હું બોલીશ તો વિવાદ થઇ જશે. હવે શું કહું. સોશિયલ મીડિયા પર તો કોઇ પણ કંઇ પણ બોલી દે છે.' મહત્ત્વપૂર્ણ છે કે 14 નવેમ્બરે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઇ રહી છે. આ સિરીઝમાં શમીના તાજેતરના ફોર્મને જોતા ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

