IPL 2024 : ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી જાહેરાત

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL )ની 17મી સિઝન શરૂ થવામાં બે દિવસ બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાત ટાઈટન્સે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. શમીની જગ્યાએ કેરળના સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. તેણે આઈપીએલમાં કુલ 5 મેચ રમી છે. છેલ્લે 2021માં મેચ રમી હતી.
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે ઈજાગ્રસ્ત દિલશાન મદુશંકાના સ્થાને 17 વર્ષીય દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર ક્વેના માફાકાને ટીમમાં સામેલ કર્યો છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મદુશંકાને બાંગ્લાદેશ શ્રેણીમાં ઈજા થઈ હતી.
IPL એ બુધવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "ગુજરાત ટાઈટન્સે શમીના સ્થાને 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. શમીએ તાજેતરમાં ઘૂંટણની સફળ સર્જરી કરાવી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. વોરિયર 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ટીમ સાથે જોડાયો છે. બીજી તરફ મદુશંકાને ઈજાના કારણે આગામી સિઝનમાંથી બહાર કરવામાં આવ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર ક્વેન મફાકા પણ બેઝ પ્રાઈઝ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાશે."
તમને જણાવી દઈએ કે મફાકાને ICC અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેણે બે વખત પાંચ વિકેટ ઝડપી અને એક વખત ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી.
નોંધનીય છે કે મોહમ્મદ શમીએ છેલ્લે 2023માં વન-ડે વર્લ્ડકપમાં રમ્યો હતો. તેણે વર્લ્ડકપમાં ઘાતક બોલિંગ કરી અને સાત મેચમાં 24 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે પેઈન કિલર લઈને ભારત માટે મેચ રમી હતી. શમી સર્જરી કરવા વિદેશ ગયો ગતો. શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી

