કોહલીની 13 વર્ષ પછી ઘરેલું ક્રિકેટમાં વાપસી, ફેન્સની એન્ટ્રીને લઈને DDCAની મોટી જાહેરાત

ભારતનો પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આવતા અઠવાડિયે અરુણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફીમાં વાપસી કરશે. આ મેચ દિલ્હીની છેલ્લી ગ્રૂપ મેચ રેલ્વે સામે હશે. કોહલી 13 વર્ષ પછી ઘરેલું ક્રિકેટમાં વાપસી કરશે. કોહલીએ છેલ્લે નવેમ્બર 2012માં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ સામે રણજી મેચ રમ્યો હતો. BCCIના નિયમો હેઠળ કોહલી ઘરેલું ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. આ નિયમ અંતર્ગત બધા જ ભારતીય ખેલાડીઓએ ફરજીયાત ઘરેલું ક્રિકેટ રમવાનું કહેવામાં આવ્યું છે.
DDCAએ આ મેચ માટે ટિકિટ ન લેવાનો નિર્ણય લીધો
DDCA (દિલ્હી ક્રિકેટ અને ડિસ્ટ્રિક્ટ એસોસિએશન) એ વિરાટ કોહલીની વાપસી માટે ખાસ વ્યવસ્થા કરી છે. સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને લગભગ 10000 પ્રેક્ષકોને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. નોર્થ એન્ડ અને ઓલ્ડ ક્લબ હાઉસ પ્રેક્ષકો માટે ખોલવામાં આવશે. જો જરૂર પડશે તો ગ્રાઉન્ડ ફ્લોર પર પણ પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય DDCAએ આ મેચ માટે ટિકિટ ન લેવાનો નિર્ણય લીધો છે. જેથી પ્રેક્ષકોને મફતમાં મેચ જોવા મળશે.
BCCI નિયમાનુસાર દરેક ભારતીય ખેલાડીએ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવા માટે ઘરેલું ક્રિકેટ રમવું ફરજીયાત છે. ઓસ્ટ્રેલિયા સામેના ભારતીય ટીમના નિરાશાજનક દેખાવ બાદ BCCIએ ટીમ માટે 10 સુત્રીય આદેશ આપ્યો હતો.
30 જાન્યુઆરીએ રમાશે મેચ
હકીકતમાં વિરાટ કોહલી આ અઠવાડિયાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર સામે રાજકોટમાં રણજી ટ્રોફીમાં વાપસી કરવાનો હતો. પરંતુ તેને ગળાની પાછળ દુખાવા થવાને કારણે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો કે હવે તેણે 30 જાન્યુઆરીએ શરુ થનારી રેલ્વે સામેની મેચમાં પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી દીધી છે. દિલ્હીએ પોતાની છેલ્લી રણજી મેચમાં સૌરાષ્ટ્ર સામે 10 વિકેટે હારની સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી દિલ્હી ગ્રૂપ-Dમાં પાંચમાં સ્થાને છે. જયારે રેલ્વે ચોથા સ્થાન પર છે. દિલ્હીએ છ મેચોમાંથી માત્ર એક મેચમાં જીત હાંસલ કરી હતી.

