IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી શાહરૂખ ખાનની ટીમને માથે પડ્યો, 25 કરોડના બોલરને એક વિકેટ લેવાના પણ ફાંફા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનની 10મી મેચ શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. 2024ની સિઝનમાં પ્રથમ વાર હોમ મેચ હારનારી બેંગ્લોર પ્રથમ ટીમ બની છે. જોકે, કોલકાતા ટીમનો સતત બે મેચમાં વિજય થયો છે. તેમ છતાં ટીમ મેનેજમેન્ટને ક્યાંક ને ક્યાંક એક ડર સતાવી રહ્યો છે. આઈપીએલના ઓક્શનમાં કેકેઆરએ મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન બે મેચમાં એકદમ કંગાળ રહ્યું છે.
KKRએ મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL ઓક્શનમાં KKRએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો બોલર બન્યો હતો. પરંતુ તે હાલ એક-એક વિકેટ માટે તરસી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ મેચમાં SRHના બેટરોએ મિચેલ સ્ટાર્કની 4 ઓવરમાં 53 રન બનાવ્યા હતા, પરંતુ તેને એકપણ વિકેટ મળી હતી. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટરોએ સ્ટાર્કની 4 ઓવરમાં 47 રન ઝૂંડી નાખ્યા હતા. આ વખતે પણ મિચેલ સ્ટાર્કને વિકેટ મળી ન હતી. આ સિઝનમાં અત્યાર સુધી મિચેલ સ્ટાર્કે 2 મેચની 8 ઓવરમાં 100 રન ખર્ચ્યા છે, પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નથી.

