IPL 2025: ચેન્નાઇ સુપરકિંગ્સ સામે હાર્દિક પંડ્યા નહીં પણ આ ખેલાડી કરશે કેપ્ટન્સી, જાણો શું છે કારણ

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ IPLની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયા ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લો ઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.
મેચમાં આ જવાબદારી નિભાવતો જોવા મળશે
હાર્દિક પંડ્યાએ પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. હાર્દિકે કહ્યું કે સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય T20 ટીમના કેપ્ટન છે અને આવી સ્થિતિમાં, જો હું નહીં રમું તો, સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ માટે સૌથી યોગ્ય છે, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં આ જવાબદારી નિભાવતો જોવા મળશે.
જણાવી દઈએ કે, IPL એ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં બધી ટીમોના કેપ્ટનના ફોટા છે જેમાં મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાનો ચહેરો જોવા મળ્યો. પંડ્યાએ ગત સિઝનમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ ફોટા સાથે, IPL એ મુંબઈની કેપ્ટનશીપનો મોટો સંકેત આપ્યો છે. પંડ્યા આ સિઝનમાં મુંબઈનું નેતૃત્વ કરશે.
ગયા સિઝનમાં મુંબઈનું આવું રહ્યું પ્રદર્શન
ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી. મુંબઈએ કુલ ૧૪ મેચ રમવા દરમિયાન 4 મેચ જીતી અને 10 મેચ હારી ગઈ. મુંબઈને 8 પોઈન્ટ મળ્યા. જો આપણે 2023 ની વાત કરીએ તો મુંબઈ પ્લેઓફ સુધી પહોંચી હતી.
IPLમાં ઘણી વખત જોવા મળ્યો પંડ્યાનો વિસ્ફોટક અંદાજ
હાર્દિકે IPLમાં ઘણી વખત વિસ્ફોટક પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં ૧૩૭ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 2525 રન બનાવ્યા છે. પંડ્યાએ ટુર્નામેન્ટમાં 10 અડધી સદી ફટકારી છે. હાર્દિકે IPLમાં 64 વિકેટ પણ લીધી છે.

