IPL 2025: શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સને જીતાડી શકશે પ્રથમ ટ્રોફી, જાણો કેવો છે રેકોર્ડ

IPL 2025નો પ્રારંભ 22 માર્ચથી થઇ રહ્યો છે. IPLની પ્રથમ મેચ ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે કોલકાતાના ઇડનગાર્ડનમાં રમાશે. કોલકાતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવનાર તેમજ અત્યારે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યરે એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે.
IPLની પ્રથમ સિઝનમાં બોલ બોય હતો શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'IPLની પ્રથમ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાયેલી મેચમાં હું બોલ બોય હતો. તે મેચમાં પોતાના ફેવરિટ ખેલાડી રોસ ટેલરને પણ મળ્યો હતો ત્યારે ઘણો શર્મિલો હતો અને જ્યારે તેમની પાસેથી કંઇક માંગવાનો વારો આવ્યો તો હું અચકાયો હતો.'
2015માં શ્રેયસ અય્યરે IPLમાં કર્યું હતું ડેબ્યૂ
એક બોલ બોયથી લઇને IPLમાં કેપ્ટન બનાવા સુધીની અય્યરની સફર આસાન રહી નથી. 2015માં દિલ્હી કેપિટલ્સ તરફથી શ્રેયસ અય્યરને IPLમાં રમવાની તક મળી હતી. આ ટીમ સાથે અય્યર 2021 સુધી રહ્યો. આ દરમિયાન તેને કેપ્ટન્સી પણ કરી હતી. દિલ્હી માટે રમતા અય્યરે ઘણા રન પણ બનાવ્યા હતા.
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં KKR બન્યું ચેમ્પિયન
દિલ્હી કેપિટલ્સ બાદ શ્રેયસ અય્યર કોલકાતા નાઇટ રાઇડર્સમાં જોડાયો હતો. વર્ષ 2022માં શ્રેયસ અય્યરની KKRમાં એન્ટ્રી થઇ હતી. ટીમમાં આવતા જ તેને કેપ્ટન્સી મળી હતી. જોકે, IPL 2023માં અય્યર ઇજાને કારણે રમી શક્યો નહતો પરંતુ 2024માં જ્યારે તે પરત ફર્યો ત્યારે ટીમનું નસીબ બદલાયું હતું. શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ IPLમાં ચેમ્પિયન બન્યું હતું.
IPL 2025માં પંજાબ કિંગ્સની કેપ્ટન્સી કરશે શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર IPL 2025માં પંજાબ કિંગ્સની કેપ્ટન્સી કરતો જોવા મળશે. IPL ઓક્શનમાં શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે 22 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
શ્રેયસ અય્યરના IPL રેકોર્ડ જોઇએ તો 116 મેચમાં 3127 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 21 અડધી સદી ફટકારી છે. શ્રેયસ અય્યરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે.
IPLમાં પંજાબ કિંગ્સનો રેકોર્ડ
IPLમાં પંજાબ કિંગ્સનો રેકોર્ડ (2008-2024 સુધી):
કુલ સીઝન: 17 (2008થી 2024 સુધી)
ખિતાબ: 0 (પંજાબ કિંગ્સે હજુ સુધી IPL ટાઈટલ જીત્યું નથી)
રનર્સ-અપ: 1 વખત (2014માં, જ્યારે તેઓ ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગયા)
પ્લેઓફમાં પહોંચવાની વાર: 2 વખત (2008માં સેમી-ફાઈનલ અને 2014માં ફાઈનલ)
લીગ સ્ટેજમાં ટોપ પોઝિશન: 1 વખત (2014માં)
પંજાબ કિંગ્સનું IPLમાં એકંદર પ્રદર્શન સતત નથી રહ્યું. 2014 સિવાય, ટીમે માત્ર એક જ વખત (2008) પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. તેઓએ 15માંથી 13 સીઝનમાં પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો નથી, જે IPLમાં સૌથી લાંબો પ્લેઓફ ડ્રાઉટ ધરાવતી ટીમોમાંથી એક બનાવે છે. 2015 અને 2016માં તેઓ લીગમાં છેલ્લા સ્થાને રહ્યા હતા, અને 2019થી 2023 સુધી તેઓ સતત નીચલા ક્રમે (6ઠ્ઠા કે તેનાથી નીચે) રહ્યા.
IPL 2025માં પંજાબ કિંગ્સની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વઢેરા, વિષ્ણુ વિનોદ, જોશ ઇંગ્લિસ, હરનુર પન્નુ, પાયલા અવિનાશ, પ્રભસિમરન સિંઘ, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, હરપ્રિત બ્રાર, માર્કો યાનસેન, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, પ્રિયાંશ આર્યા, એરોન હાર્ડી, મુશીર ખાન, શ્રેયાંસ હેડગે, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વ્યશંક વિજય કુમાર, યશ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, કુલદીપ સેન, ઝેવીયર બ્રેટલેટ, પ્રવિણ દુબે

