'ટીમની કેપ્ટન્સીથી તમને દરરોજ નવું શીખવા મળે છે, ચેલેન્જ લેવી પસંદ'- શુભમન ગિલ

IPL 2025નો પ્રારંભ 22 માર્ચથી થઇ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ 25 માર્ચે પંજાબ કિંગ્સ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરશે. આ પહેલા ગુજરાત ટાઇટન્સની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) અરવિંદર સિંહ, હેડ કોચ આશીષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ, ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી અને કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારી અંગે વાતચીત કરી હતી.
આ સિઝનમાં સારો દેખાવ કરવા પ્રયાસ કરીશું- શુભમન ગિલ
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે આગામી સિઝનમાં સફળતાની આશા વ્યક્ત કરતા કહ્યું કે, અમે ગત વર્ષની ભૂલો સુધારીને વધુ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશું. ટીમમાં કેટલાક ફેરફારો થયા છે અને અમને આગામી સિઝનમાં શાનદાર દેખાવની સાથે વધુ સારા પરિણામોની અપેક્ષા છે.
કેપ્ટન્સીથી તમને દરરોજ નવું શીખવા મળે છે- ગિલ
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે કેપ્ટન્સીને લઇને કહ્યું કે, કેપ્ટન તરીકેની પ્રથમ સિઝનમાં મને ઘણી નવી બાબતો શીખવા મળી, કેપ્ટન્સી રસપ્રદ અને પડકારજનક હોય છે. તમને દરરોજ પોતાના વિશે અને ખેલાડીઓ વિશે કંઇક નવું જાણવા મળે છે. ગત સિઝનના અનુભવનો ફાયદો મને મળશે.આ સિવાય ગિલે બેટ્સમેન અને કેપ્ટન્સીની ભૂમિકા અંગે જણાવ્યું કે,કેપ્ટન્સી અને બેટિંગને જેટલી સેપરેટ રાખીએ તેટલું સારૂ હોય છે. હું જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતરૂં ત્યારે મારૂ ફોકસ માત્ર બેટિંગ પર જ હોય છે કેપ્ટન્સીનો ભાર રાખતો નથી.
પાવરપ્લેમાં વધુ સારા પ્રદર્શનની આશા- ગિલ
શુભમન ગિલે પાવરપ્લેમાં સારું પ્રદર્શન ના કરવા અંગે કહ્યું કે, સામાન્ય રીતે પાવર પ્લેમાં ઓછી વિકેટ ગુમાવીને વધુ રન ફટકારવાનું પ્લાનિંગ હોય છે. જોકે, ગત સિઝનમાં પ્લે ઓફમાં ક્વોલિફાય ના થઇ શક્યા તે દર્શાવે છે કે અમે જોઇએ તેટલું સારૂ રમી શક્યા નહતા.
બટલરની ટીમમાં કેવી ભૂમિકા રહેશે?
જોસ બટલરની ટીમમાં ભૂમિકાને લઇને શુભમન ગિલે કહ્યું કે, બટલરને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અમારી ટીમ સારો દેખાવ કરવા માટે તૈયાર- આશીષ નેહરા
ગુજરાત ટાઇટન્સના કોચ આશીષ નેહરાએ કહ્યું કે, હરાજી બાદ ટીમમાં પરિવર્તન થયું છે પણ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આ બાબત નવી નથી. ખેલાડીઓ પ્રોફેશનલ છે અને અમે અમારી સ્ટ્રેન્થને જાણીયે છીએ અને સારો દેખાવ કરવા માટે પ્રયાસ કરીશું.
ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ પાર્થિવ પટેલે કહ્યું કે, મને ગુજરાત તરફથી IPLમાં રમવાની તક મળી નહતી પણ ટાઇટન્સ સાથે આ નવી ભૂમિકાને લઇને હું ખુબ જ રોમાંચ અનુભવી રહ્યો છું.
ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ
ગુજરાત ટાઈટન્સની ટીમે આ વખતે પોકીમોન સાથે ટાઇઅપ કર્યું છે એટલે આ વખતે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સના ફેનપાર્કમાં પોકીમોન પણ જોવા મળશે. કાર્ટૂન અને ક્રિકેટ ફેન્સ માટે અહીં જોરદાર ક્રોસઓવર જોવા મળશે.
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, કુમાર કુસાગ્રા, અનુજ રાવત, શેરફાન રૂધરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ,નિશાંત સંધુ, મહિપાલ લોમરોર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ અર્શદ ખાન, સાઇ કિશોર, જયંત યાદવ,કરીમ જન્નત, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, માનવ સુથાર, ગેરાલ્ડ કોએત્ઝી, ગુરનુર સિંઘ બ્રાર,ઇશાંત શર્મા, કુલવંત ખેજરોલિયા, રાહુલ તેવટિયા, રાશીદ ખાન

