ચહલ-ધનશ્રીના ડિવોર્સ કેસથી ચહલ-પહલ : જાણો, રિતીક સહિત દેશના સૌથી મોંઘા છૂટાછેડાના કિસ્સા

ભારતમાં ડિવોર્સના મામલાઓ હંમેશાં ચર્ચામાં રહ્યા છે, પરંતુ જ્યારે વાત પ્રખ્યાત હસ્તીઓની આવે છે, ત્યારે આવા કેસ આખા દેશનું ધ્યાન ખેંચે છે. હાલમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ઘટનાએ ફરી એકવાર ભારતના સૌથી ચર્ચિત અને મોંઘા ડિવોર્સની યાદ અપાવી છે. ચાલો, ભારતના કેટલાક એવા ડિવોર્સ પર નજર કરીએ, જેમણે સમયે-સમયે હેડલાઇન્સ બનાવી અને અબજો રૂપિયાની સમજૂતીઓ સાથે ઇતિહાસ રચ્યો હતો.
હૃતિક રોશન અને સુઝેન ખાન
બોલિવૂડના સૌથી મોંઘા ડિવોર્સમાંથી એક છે હૃતિક રોશન અને સુઝેન ખાનનો. 2000માં લગ્નબંધનમાં બંધાયેલા આ જોડીએ 2014માં છૂટાછેડા લીધા. આ ડિવોર્સ સેટલમેન્ટમાં હૃતિકે સુઝેનને આશરે 380 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું કહેવાય છે, જે તે સમયે ભારતની સૌથી મોટી ડિવોર્સ સેટલમેન્ટ માનવામાં આવી. આ ઘટના માત્ર નાણાકીય રીતે જ નહીં, પણ બંનેની સેલિબ્રિટી સ્ટેટસને કારણે પણ ખૂબ ચર્ચામાં રહી. બંનેના બે બાળકો હોવા છતાં આ નિર્ણયે ચાહકોને આઘાતમાં મૂકી દીધા હતા.
કરિશ્મા કપૂર અને સંજય કપૂર
કપૂર ખાનદાનની દીકરી કરિશ્મા કપૂરના 2016માં ઉદ્યોગપતિ સંજય કપૂર સાથેના છૂટાછેડા પણ ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં. 2003માં લગ્ન થયા બાદ આ દંપતી 13 વર્ષ સાથે રહ્યું, પરંતુ અંગત મતભેદોને કારણે બંને અલગ થયા. સૂત્રો અનુસાર, સંજયે કરિશ્માને 10 કરોડ રૂપિયાની એલિમની ચૂકવી, સાથે જ તેમના બાળકોની કસ્ટડી કરિશ્માને આપવામાં આવી.
અમીર ખાન અને કિરણ રાવ
બોલિવૂડના પરફેક્શનિસ્ટ અમીર ખાનનો તેમની બીજી પત્ની કિરણ રાવ સાથેનો છૂટાછેડાનો કિસ્સો 2021માં ચર્ચામાં આવ્યો. 2005માં લગ્ન કરનાર આ જોડીએ 16 વર્ષ બાદ સંબંધોને વિરામ આપ્યો. જોકે, નાણાકીય સેટલમેન્ટની સ્પષ્ટ વિગતો સામે નથી આવી, પરંતુ અમીરની અબજો રૂપિયાની સંપત્તિને જોતાં આ ડિવોર્સ પણ મોંઘો હોવાનું અનુમાન લગાવાયું. ખાસ વાત એ હતી કે બંનેએ છૂટાછેડા બાદ પણ દોસ્તી જાળવી અને સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું.
પ્રભુ દેવા અને રમલત
કોરિયોગ્રાફર અને ડિરેક્ટર પ્રભુ દેવાનો તેમની પહેલી પત્ની રમલત સાથેનો ડિવોર્સ 2011માં ખૂબ વિવાદાસ્પદ રહ્યો. પ્રભુ દેવાના નયનતારા સાથેના સંબંધોને કારણે આ છૂટાછેડાની ચર્ચા તેજ થઈ. રમલતને સેટલમેન્ટ તરીકે આશરે 20-25 કરોડ રૂપિયા અને મિલકતો આપવામાં આવી હોવાનું કહેવાય છે. આ કેસે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા
હવે વાત કરીએ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની. 2020માં લગ્ન કરનાર આ જોડીના છૂટાછેડાની અફવાઓ 2022થી ચાલી રહી હતી, પરંતુ હવે મુંબઈ કોર્ટમાં આ મામલો નિર્ણયાત્મક તબક્કામાં છે. અગાઉ ધનશ્રીને 60 કરોડ એલિમની મળવાની ચર્ચા થઈ રહી હતી. હવે સાડા ચારથી પાંચ કરોડની વાત ચાલી રહી છે. દરમિયાન ચહલ આરજે મહવશ સાથે દેખાતા પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયો હતો.

