ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર કરાઈ ભારતીય ટીમ, વૈભવ સૂર્યવંશી સહિત આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યાં ODI સિરીઝ 3-2થી જીતી હતી. આ કારણોસર, ઈંગ્લેન્ડ પ્રવાસ પર અદ્ભુત પ્રદર્શન કરનારા મોટાભાગના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સ્થાન મળ્યું છે. આયુષ મહાત્રેને ફરી કેપ્ટનશિપની જવાબદારી મળી છે અને વિહાન મલ્હોત્રાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કરિશ્માઈ ઓપનર વૈભવ સૂર્યવંશી સહિત ઘણા મુખ્ય ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.
આ પ્રવાસ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે
કેપ્ટન બનેલા આયુષ મહાત્રે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો અને તેણે IPL 2025ની 7 મેચમાં કુલ 240 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેના બેટમાંથી એક અડધી સદી પણ આવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુનિયર સિલેક્શન કમિટીએ સપ્ટેમ્બરમાં આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની પસંદગી કરી છે.
વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું
ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર યુથ વનડે સિરીઝ 3-2થી જીતી હતી, જ્યારે બે યુથ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટોપ ઓર્ડરે ઈંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું હતું. તેમાં વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે અને વિહાન મહોત્રાનો સમાવેશ થાય છે. સૂર્યવંશી અને વિહાનની સદીઓના કારણે, ભારતે વોર્સેસ્ટરમાં ચોથી મેચ જીતીને પ્રથમ બેટિંગ કરતા 363 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI સિરીઝની મેચ 21, 24 અને 26 સપ્ટેમ્બરના રોજ રમાશે. મલ્ટી ડે મેચ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જુનિયર સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનીલ પટેલ, ડી દિપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલન પટેલ અને ઉદ્ધવ ચૌહાણ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યુદ્ધજીત ગુહા, લક્ષ્મણ, બીકે કિશોર, અલંકૃત રાપોલ અને અર્નવ બગ્ગા.

