IND vs SL 1st Test 2026 : ગૌલ ટેસ્ટમાં વરસાદી સંકટ: જો રમત રોકાશે તો શું ભારત જીતી શકશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ તેના અંતિમ તબક્કામાં છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 372 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, પરંતુ 4 દિવસની રમત પૂરી થયા બાદ શ્રીલંકા જીતથી 288 રન દૂર હતું અને તેની પાસે માત્ર 6 વિકેટ બાકી હતી. ટીમ ઈન્ડિયાને વિજય મેળવવા માટે હવે માત્ર 6 વિકેટ લેવાની જરૂર છે, પરંતુ શુભમન ગિલ એન્ડ કંપનીની જીતમાં વરસાદ વિઘ્ન બની શકે છે.
ટીમ ઈન્ડિયા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જીતની ખૂબ જ નજીક પણ છે. પરંતુ વરસાદ તેની આશાઓ પર પાણી ફેરવી શકે છે. અહીં જાણી લો કે પાંચમા દિવસે હવામાન કેવું રહેશે અને જો વરસાદ રમત બગાડશે તો આ મેચમાં કોને વિજેતા જાહેર કરવામાં આવશે.
પાંચમા દિવસે કેવું રહેશે હવામાન?
પાંચમા દિવસની સવારે આકાશમાં વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે. રમત શરૂ થવાના સમયે ભારે વરસાદની સંભાવના છે. જોકે છેલ્લા 2 સેશન દરમિયાન વરસાદની શક્યતા ઘટી જશે, પરંતુ આકાશ કાળા અને ઘાટા વાદળોથી ઘેરાયેલું રહેશે. એવી પણ સંભાવના છે કે ગૌલ ટેસ્ટનો આખો પાંચમો દિવસ વરસાદમાં ધોવાઈ જાય.
કોને મળશે જીત?
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ અત્યંત રોમાંચક મોડ પર છે. પ્રથમ ઈનિંગ્સમાં 178 રનની સરસાઈના આધારે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 372 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ મેદાન પર 342 રનથી મોટો ટાર્ગેટ ક્યારેય ચેઝ (પાર) થયો નથી. રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ 84 રનના સ્કોર પર જ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી છે.
વાસ્તવમાં, ટેસ્ટ મેચમાં જો વરસાદ કે અન્ય કોઈ કારણસર રમત પૂરી ન થઈ શકે, તો મેચને ડ્રો જાહેર કરવામાં આવે છે, પછી ભલે કોઈ ટીમ જીતની ગમે તેટલી નજીક કેમ ન પહોંચી હોય. તેથી પાંચમા દિવસે જો વરસાદ રમત બગાડશે, તો ગૌલ ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરવામાં આવશે.
ક્યારેય નથી થયો આટલો મોટો રન ચેઝ!
ગૌલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કોઈપણ ટેસ્ટ મેચમાં ક્યારેય 342 રનથી મોટો ટાર્ગેટ ચેઝ (પાર) થયો નથી. આ પરાક્રમ કરનાર ટીમ પાકિસ્તાન છે, જેણે શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી. આ શ્રીલંકાનું હોમ ગ્રાઉન્ડ હોવા છતાં, તે પોતે આ મેદાન પર ક્યારેય 300 રનનો ટાર્ગેટ પણ હાંસલ કરી શક્યા નથી, જ્યારે ભારતે તેમની સામે 372 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે.

