IND vs NZ: ત્રીજી ODIમાં વિરાટ કોહલીનો સદી વ્યર્થ ગઈ, કિવી ટીમે ભારતને 41 રને હરાવ્યું

ઈન્દોરમાં વિરાટ કોહલીની સદી વ્યર્થ ગઈ કારણ કે, ભારત ઘરઆંગણે ત્રીજી વનડે હારી ગયું છે. આ સાથે ન્યુઝીલેન્ડે ત્રણ વનડે મેચની શ્રેણી 2-1 થી જીતી લીધી છે. 338 રનના મોટા ટાર્ગેટ સામે ભારતીય બેટર્સ રમી ના શક્યા. ભારતની ઈનિંગ 46 ઓવરમાં 296 રન પર સમેટાઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડે ભારતને 41 રનથી હરાવ્યું, પહેલી વાર ભારતમાં ODI શ્રેણી જીતી
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 41 રનથી હરાવ્યું. આ સાથે, કિવીઓએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. આ પહેલી વાર છે જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતમાં ODI શ્રેણી જીતી છે. વિરાટ કોહલીએ ભારત માટે 108 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા, પરંતુ તે ટીમને વિજય તરફ દોરી શક્યો નહીં.
6 વિકેટે 178 રનથી, હર્ષિત રાણા અને વિરાટ કોહલીએ સ્કોર 277 સુધી પહોંચાડ્યો, પરંતુ રાણા આઉટ થયો અને મેચ ભારતના હાથમાંથી સરકી ગઈ. હર્ષિત રાણાએ 43 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 8 વિકેટે 337 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમ 46 ઓવરમાં 296 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ અને ફિલિપ્સની સદી
ન્યૂઝીલેન્ડની બેટિંગમાં ડેરીલ મિશેલે સૌથી વધુ 131 બોલમાં 15 ફોર અને 3 સિક્સ સાથે 137 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 88 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી આક્રમક 106 રન નોંધાવ્યા હતા. વિલ યંગે 41 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 30 રન, માઈકલ બ્રેસવેલે 18 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 28 રન તથા ક્રિસ્ટિયન ક્લાર્કે 5 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 11 રન બનાવ્યા હતા. આ સિવાય ઝેક ફૌલ્કેસે 8 બોલમાં 1 ફોર સાથે 10 રન, ડેવોન કોનવેએ 4 બોલમાં 1 ફોર સાથે 5 રન અને મિચેલ હેએ 6 બોલમાં 2 રન કર્યા હતા, જ્યારે હેનરી નિકોલ્સ અને કાયલ જેમિસન શૂન્ય રને આઉટ થયા હતા.
ભારત તરફથી અર્શદીપ અને રાણાની 3-3 વિકેટ
ભારતીય બોલિંગમાં અર્શદીપ સિંહે 10 ઓવરમાં 63 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી અને હર્ષિત રાણાએ પણ 10 ઓવરમાં 84 રન ખર્ચ્યા હોવા છતાં 3 મહત્વની વિકેટો લીધી હતી. મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ અને કુલદીપ યાદવે 6 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ મેળવી હતી. જ્યારે ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (8 ઓવરમાં 53 રન) અને રવિન્દ્ર જાડેજા (6 ઓવરમાં 41 રન) આ મેચમાં એકપણ વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા.
21 જાન્યુઆરીથી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે T20I
ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન T20I શ્રેણી પણ રમાવાની છે. બંને દેશો વચ્ચે પ્રથમ મેચ 21 જાન્યુઆરીના રોજ નાગપુરમાં રમાશે. આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં અને ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત થશે. ત્યારબાદ ચોથી T20I મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

