Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gautam Gambhir's poor Performance in Tests as head coach

ગંભીરની હેડ કોચ તરીકે ટેસ્ટમાં કંગાળ શરૂઆત, ભારત 15માંથી માત્ર પાંચ ટેસ્ટ જીત્યું; આઠ મેચ ગુમાવી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ગંભીરની હેડ કોચ તરીકે ટેસ્ટમાં કંગાળ શરૂઆત, ભારત 15માંથી માત્ર પાંચ ટેસ્ટ જીત્યું; આઠ મેચ ગુમાવી
સોર્સ : GSTV

ભારતીય ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનો રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં કંગાળ રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં રોમાંચક જીત સાથે શ્રેણી2-2થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. ભારતની દિલધડક જીતથી દેશભરના ચાહકોમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. જોકે, ભારતીય ટીમના હેડ કોચ ગંભીરની વ્યુહરચના સામે તેમના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાની જીત અને હારના આંકડા પ્રશ્નાર્થ સર્જે તેવા જોવા મળ્યા છે.

App Store

2024માં હેડ કોચ બન્યો હતો ગંભીર

ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી 2024માં જુલાઇના અંતભાગમાં સંભાળી હતી અને ત્યારથી અત્યાર સુધી લગભગ એક વર્ષમાં ભારત 15માંથી માત્ર પાંચ જ ટેસ્ટ જીતી શક્યું છે, જ્યારે આઠ ટેસ્ટમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બે ટેસ્ટ ડ્રો થઇ હતી. નોંધપાત્ર બાબત એ છે કે, હેડ કોચ તરીકે દ્રવિડના લગભગ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત 24 ટેસ્ટ રમ્યું હતું અને તેમાંથી માત્ર સાત જ મેચ હાર્યું હતું અને ત્રણ ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. આમ, દ્રવિડના આખા કાર્યકાળમાં ભારત જેટલી ટેસ્ટ હાર્યું હતું તેના કરતાં વધુ ટેસ્ટ ગંભીરના કાર્યકાળના એક જ વર્ષમાં ટીમ ઇન્ડિયાએ ગુમાવી દીધી છે.

દ્રવિડ જ નહીં, તે અગાઉ ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂકેલા રવિ શાસ્ત્રી કે અનિલ કુમ્બલેના માર્ગદર્શનમાં પણ ભારતીય ટેસ્ટ ક્રિકેટને આ પ્રકારની નાલેશીભરી સ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તેવું જોવા મળ્યું નથી. ગંભીરના હેડ કોચ હેઠળના કાર્યકાળમાં ભારત સૌ પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ પણ મેળવી શક્યું નહતું, જે પણ ચિંતાજનક કહી શકાય.

એક વર્ષમાં એકમાત્ર ટેસ્ટ શ્રેણી વિજય

ભારતીય ટીમના હેડ કોચ તરીકે ગંભીરે જવાબદારી સંભાળી તે પછી ભારત અત્યાર સુધી ચાર ટેસ્ટ શ્રેણી રમ્યું હતું જેમાંથી એકમાત્રમાં ટીમ ઇન્ડિયાને વિજય મળ્યો હતો, જે બાંગ્લાદેશ જેવી લો-રેન્ક ટીમ સામેનો હતો. ભારતે આ સફળતા સપ્ટેમ્બર-2024માં ઘરઆંગણે મેળવી હતી. જોકે, તે પછી ભારતને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 0-3થી નાલેશીભરી હાર મળી હતી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત પાંચ ટેસ્ટની શ્રેણી 1-3થી હાર્યું હતું અને ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શક્યું નહતું. આ તબક્કે હેડ કોચ ગંભીરની વ્યુહરચના સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો.

ઇંગ્લેન્ડ સામેની શ્રેણી ડ્રો, પણ પ્રશ્નો યથાવત

ભારતીય ટીમે પાંચ ટેસ્ટની શ્રેણી આખરી ટેસ્ટ જીતવા સાથે 2-2થી ડ્રો કરી હતી. જોકે આખી શ્રેણી દરમિયાન ભારતીય ટીમ મેનેજમેન્ટના અને ખાસ કરીને હેડ કોચ ગંભીરની વ્યુહરચના અને નિર્ણયોથી ક્રિકેટ જગતમાં વિવાદનો વંટોળ તો સર્જાતા રહ્યા છે. ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુરને તક આપવા છતાં તેની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો નહતો. ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે કોઇ એક બેટ્સમેન પર ભરોસો ટકાવી રાખવાને બદલે કરવામાં આવેલી ફેરબદલ પણ બેટ્સમેનોનો આત્મવિશ્વાસ ડગાવી દે તેવી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ણાને બદલે અંશુલ કમ્બોજને તક આપવાનો અને કુલદીપ યાદવને ઇંગ્લેન્ડમાં માત્ર સહેલગાહ માટે લઇ જવા જેવા મુદ્દે હજુ ચર્ચા ચાલી રહી છે.

ભારતની હવે પછીની ટેસ્ટ શ્રેણી પર નજર

ભારતને હવે પછી ઓક્ટોબરમાં ઘરઆંગમે વિન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતની સ્પિન ફ્રેન્ડલી પીચ પર વિન્ડિઝ જેવી નબળી ટીમ સામે ટીમ ઇન્ડિયા જીતવા માટે હોટફેવરિટ તરીકે ઉતરશે. આ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાનું છે. જે પણ ઘરઆંગણાની શ્રેણી હોવાથી ભારત જીતવા માટે મજબુત દાવેદાર તરીકે ઉતરશે. આ પછી ભારતને છેક ઓગસ્ટ, 2026માં શ્રીલંકા પ્રવાસમાં બે ટેસ્ટની શ્રેણી રમવાની થશે.

ગંભીરના કાર્યકાળમાં ભારતનો ટેસ્ટ શ્રેણીનો રેકોર્ડ

વિજેતા      પરિણામ    યજમાન       વર્ષ
ભારત   બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની શ્રેણી 2-0થી જીત્યા     ભારત  2024
ન્યુઝીલેન્ડ     ન્યુઝીલેન્ડ સામેની 3 ટેસ્ટની શ્રેણી 0-3થી ગુમાવી  ભારત  2024
ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટની શ્રેણી 1-3થી ગુમાવી      ઓસ્ટ્રેલિયા 2024-25
श्रेણી ડ્રો  ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી 2-2થી ડ્રો      ઇંગ્લેન્ડ 2025