IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ધોની-રોહિત-વિરાટની કેપ્ટન્સી જોવા નહીં મળે, એક યુગનો આવ્યો અંત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 22 માર્ચથી શરૂઆત થવા જઇ રહી છે. એમએસ ધોનીએ ચેન્નાઇ સુપર કિગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. રૂતુરાજ ગાયકવાડ IPL 2024માં CSKની કેપ્ટન્સી કરતો જોવા મળશે. IPLના ઇતિહાસમાં પ્રથમ વખત એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી કેપ્ટન્સી કરતા જોવા નહીં મળે.
ધોનીએ છોડી CSKની કેપ્ટન્સી
IPLની જ્યારથી શરૂઆત થઇ ત્યારથી મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટન હતો. 2008થી 2023 સુધી એમએસ ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરી છે. આ દરમિયાન ધોનીએ CSKને પોતાની કેપ્ટન્સીમાં પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે.
ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વખત IPLને ચેમ્પિયન બનાવ્યું છે. તે એકમાત્ર કેપ્ટન છે જે 10 IPL ફાઇનલ રમ્યો છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇ 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેમ્પિયન બન્યું છે.બીજી તરફ 2008, 2012, 2013, 2015 અને 2019માં તેને ટીમને ફાઇનલ સુધી પહોચાડ્યું છે.
- ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇએ 226 મેચ રમી છે.
- ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇએ 133 મેચ જીતી છે અને 91 મેચમાં હાર મળી છે
- ધોનીની કેપ્ટન્સીમાં જીત ટકાવારી 59.38 ટકા રહી છે.
- ધોનીએ કેપ્ટન તરીકે 4660 રન બનાવ્યા છે.
- કેપ્ટન તરીકે ધોનીના બેટથી 22 અડધી સદી લાગી છે.
રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સે કેપ્ટન બનાવ્યો
રોહિત શર્માની જગ્યાએ આ વખતે હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સે કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઇ ઇન્ડિયન્સ પણ પાંચ વખત આઇપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ વખતે રોહિત શર્મા માત્ર ખેલાડી તરીકે જ રમતો જોવા મળશે.
રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં મુંબઇ ઇન્ડિયન્સને 5 વખત (2013, 2015, 2017, 2019 અને 2020)માં ખિતાબ જીતાડ્યો છે.2013થી 2023 સુધી રોહિત શર્માએ મુંબઇ ઇન્ડિયન્સ માટે 158 મેચમાં કેપ્ટન્સી કરી છે.
વિરાટ કોહલી પણ નથી RCBનો કેપ્ટન
2013થી 2021 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની કેપ્ટન્સી કરી ચુકેલા વિરાટ કોહલીએ IPL 2021 બાદ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી જે બાદ ફાફ ડુ પ્લેસીસને ટીમની કમાન સોપવામાં આવી હતી. વિરાટ કોહલીએ 140 મેચમાં ટીમની કેપ્ટન્સી કરી હતી જેમાંથી 64 મેચમાં ટીમે જીત મેળવી હતી અને 69 મેચમાં હાર મળી હતી.

