ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

રિંકુ સિંહ વર્લ્ડ કપના મધ્યમાં અચાનક ઘરે પરત
રિંકુ વર્લ્ડ કપમાં વધુ મેચ રમશે કે નહીં તે અંગે કોઈ અપડેટ નથી
લિવર કેન્સર સામે હારી ગયા જંગ
રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહ છેલ્લા કેટલાક સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને કિડની રિપ્લેસમેન્ટ થેરાપી પણ ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.
વર્લ્ડ કપ અને પિતાની માંદગી વચ્ચેની લડાઈ
રિંકુ સિંહ માટે આ સમય માનસિક રીતે ખૂબ જ પડકારજનક રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ જ્યારે ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી ત્યારે પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ તાત્કાલિક ટીમ છોડીને પિતા પાસે પહોંચ્યો હતો. જોકે, ઝિમ્બાબ્વે સામેના મહત્વના મેચ પહેલા તે ફરી ટીમ સાથે જોડાયો હતો, પરંતુ તેને પ્લેઈંગ-11 માં સ્થાન મળ્યું નહોતું. 26 ફેબ્રુઆરીએ ભારતે આ મેચ જીતી લીધો હતો, પરંતુ રિંકુ માટે આ જીતનો આનંદ પિતાના અવસાનના દુઃખમાં ફેરવાઈ ગયો છે.

