અફઘાનિસ્તાન- ન્યુઝીલેન્ડ મેચનો ત્રીજો દિવસ પણ વરસાદમાં ધોવાયો, શું નોઈડાના સ્ટેડિયમ પર લાગશે પ્રતિબંધ?

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પણ ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે. ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્થિત સ્ટેડિયમમાં ભીના આઉટફિલ્ડને કારણે એક પણ બોલ ફેંક્યા વિના પ્રથમ બે દિવસની રમત બંધ રહી હતી. આવી સ્થિતિમાં સ્ટેડિયમની તૈયારીઓને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હવામાનની સ્થિતિ જોતાં મેચ અધિકારીઓએ બુધવારે પણ કોઈપણ પ્રકારની રમતની સંભાવનાને નકારી કાઢી છે. ભારતમાં અત્યાર સુધીમાં આવું ત્રણ વખત બન્યું છે જ્યારે મેચના પ્રથમ ત્રણ દિવસમાં એક પણ બોલ ફેંકાયો ન હોય. દિલ્હી (1986), ચેન્નાઈ (2005) અને ગ્રેટર નોઈડા (2024) ટેસ્ટમાં આવું બન્યું છે.
જો કે, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ ન શકતા ગ્રેટર નોઈડામાં શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્ટેડિયમના ભાવિનો નિર્ણય મોટાભાગે મેચ રેફરી જવાગલ શ્રીનાથના રિપોર્ટ પર નિર્ભર રહેશે. સ્ટેડિયમમાં આવી ક્ષતિઓ માટે વારંવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે, પરંતુ આ વખતે ગેરરીતિની સંપૂર્ણ જવાબદારી યજમાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની છે.
આ ટેસ્ટ મેચમાં BCCIની કોઈ ભૂમિકા નથી. આ સ્થળ સંપૂર્ણપણે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની પસંદગી હતું અને જો સૂત્રોનું માનવામાં આવે તો BCCIએ 2019 બાદ અહીંયા કોઈ પણ સ્થાનિય મેચનું આયોજન કર્યું નથી.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્થળ માટે માનક પ્રોટોકોલનું પાલન કરશે. જેમાં મેચ રેફરીનો રિપોર્ટ આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરશે. અત્યાર સુધી આ ટેસ્ટ મેચમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો નથી. રેફરી શ્રીનાથે મેદાનના ભીના આઉટફિલ્ડનું મૂલ્યાંકન કરવું પડશે, ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટેડિયમમાં આઉટફિલ્ડને વરસાદથી બચાવવા માટે પૂરતા કવરની સાથે મેદાનમાંથી પાણી શોષવા માટે સુપર-સોકરનો પણ અભાવ છે. યોગ્ય રીતે પ્રશિક્ષિત ગ્રાઉન્ડ સ્ટાફના અભાવે મેદાન પરની સમસ્યાઓમાં વધારો થયો હતો.
નવેમ્બર 2023માં અમલમાં આવેલી ICC 'પિચ એન્ડ આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રોસિજર' અનુસાર, 'દરેક મેચ પછી, મેચ રેફરી પિચ અને આઉટફિલ્ડ રિપોર્ટ ફોર્મ ICC સિનિયર ક્રિકેટ ઑપરેટર મેનેજરને મોકલશે. 'પિચ એન્ડ આઉટફિલ્ડ રિપોર્ટ ફોર્મ'માં બંને ટીમોના અમ્પાયરો અને કેપ્ટનની સાથે મેચ રેફરીની ટિપ્પણીઓ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથી કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

