રાવણ અગાઉના જન્મમાં કોણ હતા? જાણો ભગવાન વિષ્ણુના દ્વારપાલથી લંકાપતિ બનવા પાછળની પૌરાણિક કથા

દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાવણ અને તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ વિશે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. ખાસ કરીને રાવણના પૂર્વજન્મ વિશે જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે.
બહુ ઓછા લોકો જાણે છે કે રાવણ અગાઉના જન્મમાં રાક્ષસ નહોતો, પરંતુ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુનો પરમ સેવક હતો. શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠના બે મુખ્ય દ્વારપાલ હતા—જય અને વિજય. તેઓ બંને ભગવાનના અનન્ય ભક્ત અને સેવક હતા. એક વખત બ્રહ્માજીના માનસપુત્ર સનકાદિ ઋષિઓ (સનક, સનંદન, સનાતન અને સનતકુમાર) ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વૈકુંઠ પધાર્યા. જોકે, જય અને વિજયે તેમને પ્રવેશદ્વાર પર જ અટકાવી દીધા. ઋષિઓએ તેમના આ વર્તનને અહંકાર અને અપમાનજનક ગણીને બંને દ્વારપાલોને શાપ આપ્યો કે તેઓ પોતાનું દેવત્વ ગુમાવીને પૃથ્વી પર રાક્ષસ કુળમાં જન્મ લેશે.
શ્રાપ અને મુક્તિનો માર્ગ
શ્રાપ સાંભળીને બંને દ્વારપાલો ક્ષમાયાચના કરવા લાગ્યા. ઋષિઓએ જણાવ્યું કે આપેલ શાપ સંપૂર્ણપણે રદ થઈ શકતો નથી, પરંતુ તેમણે એક વિકલ્પ આપ્યો: તેઓ ત્રણ જન્મ સુધી રાક્ષસ તરીકે જન્મ લેશે અને દરેક જન્મમાં સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતારના હાથે જ તેમનો વધ થશે, ત્યારબાદ જ તેઓ આ શ્રાપમાંથી મુક્ત થઈને ફરી વૈકુંઠ પાછા ફરી શકશે. આ શાપને કારણે જય અને વિજયે ત્રણ અલગ-અલગ યુગમાં રાક્ષસ રૂપે જન્મ લીધો હતો:
પ્રથમ જન્મ (હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ):
સતયુગમાં જય અને વિજય બંને દિતિના પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના અત્યાચારી દૈત્યો તરીકે જન્મ્યા. હિરણ્યાક્ષનો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને કર્યો, જ્યારે તેના ભાઈ હિરણ્યકશિપુનો વધ કરવા ભગવાને નરસિંહ અવતાર ધારણ કરવો પડ્યો.
બીજો જન્મ (રાવણ અને કુંભકર્ણ):
ત્રેતાયુગમાં આ બંને દ્વારપાલો રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ્યા. બંને ભાઈઓનો વધ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના હાથે થયો.
ત્રીજો જન્મ અને શાપમાંથી મુક્તિ (શિશુપાલ અને દંતવક્ર):
દ્વાપરયુગમાં જય અને વિજયનો અંતિમ રાક્ષસ જન્મ શિશુપાલ અને દંતવક્ર તરીકે થયો. આ બંનેનો વધ ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર ભગવાન શ્રીકૃષ્ણના હાથે થયો અને આ રીતે ત્રણ જન્મ પૂર્ણ થતાં તેઓ શાપમુક્ત થઈને ફરી વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુના સેવક બન્યા.








