વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી 2026: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મહત્વ અને ચંદ્રોદયનો ચોક્કસ સમય

હિન્દુ ધાર્મિક પરંપરામાં સંકષ્ટી ચતુર્થી ભગવાન ગણેશની આરાધના માટે અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વિઘ્નહર્તા ગણેશજીની વિધિવત્ પૂજા અને ઉપવાસ કરવાથી જીવનના તમામ સંકટો, મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થાય છે.
અશ્વિન મહિનાના વદ પક્ષની (કૃષ્ણ પક્ષ) ચતુર્થી ‘વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઓળખાય છે. 'વિઘ્નરાજ' એ ભગવાન ગણેશનું જ એક વિશેષ સ્વરૂપ છે, જે તમામ અવરોધોનું નિવારણ કરનાર મનાય છે. આ જ કારણથી આ દિવસે વ્રત અને પ્રાર્થના કરવાનું અનન્ય મહત્વ રહેલું છે.
તિથિ અને વ્રતની તારીખ
પંચાંગ અનુસાર, અશ્વિન કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 5:09 વાગ્યે શરૂ થશે અને 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 2:55 વાગ્યે પૂર્ણ થશે. સંકષ્ટી ચતુર્થીમાં રાત્રિના ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ હોવાથી, આ વ્રત 29 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાખવામાં આવશે.
ચંદ્રોદયનો સમય અને મહત્વ
સંકષ્ટી ચતુર્થીના વ્રતમાં ચંદ્ર દર્શન અને અર્ઘ્ય અર્પણ કરવું અનિવાર્ય માનવામાં આવે છે:
ચંદ્રોદયનો સમય: 29 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે આશરે 7:39 વાગ્યે ચંદ્રોદય થશે.
પરંપરા અનુસાર, ચંદ્ર દર્શન કર્યા બાદ અર્ઘ્ય આપી, ભગવાન ગણેશની આરતી કરીને જ વ્રતના પારણાં કરવામાં આવે છે.
વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ
સંકલ્પ: સવારે વહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને ગણેશજી સમક્ષ દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો.
પૂજન સામગ્રી: બાજોઠ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરી ગણેશજીની સ્થાપના કરવી. તેમને સિંદૂર, લાલ પુષ્પ, દૂર્વા (ધરો) અને અક્ષત અર્પણ કરવા.
ભોગ: બાપ્પાને પ્રિય એવા મોદક, લાડુ અથવા ઋતુફળનો ભોગ ધરાવવો. પૂજા દરમિયાન ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરવો અથવા ગણેશ ચાલીસા અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો.
સાંજની પૂજા અને અર્ઘ્ય: સાંજે ચંદ્રોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ, કાચું દૂધ, ચોખા અને પુષ્પ ઉમેરી ચંદ્રદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ ગણેશજીની કપૂર આરતી કરી પ્રસાદ ગ્રહણ કરીને ઉપવાસ પૂર્ણ કરવો.
સંકષ્ટી ચતુર્થીનું ધાર્મિક મહત્વ
શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા ગણાવ્યા છે. કોઈપણ શુભ કાર્ય કે મંગળ પ્રસંગની શરૂઆત ગણેશ પૂજા વિના શક્ય નથી. વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીના દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

