પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી આ પાંડવ પુત્રએ મેળવી હતી દુર્લભ શક્તિ, પરંતું કૃષ્ણના શ્રાપને કારણે યુદ્ધમાં બન્યા લાચાર

સમય સમય પર મહાભારતના યુદ્ધમાંથી એવી ઘણી ઘટનાઓ સામે આવે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી મૂકે છે. મહાભારતનું દરેક પાત્ર, ઘટના અને વિચાર આજે પણ લોકો માટે કુતૂહલનો વિષય છે.
મહાભારત સાથે જોડાયેલી એક અત્યંત રસપ્રદ કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ સિવાય પાંડવોમાં સૌથી નાના ભાઈ સહદેવ પણ ભવિષ્યનું અસાધારણ જ્ઞાન ધરાવતા હતા. તેઓ એવી ઘટનાઓની પણ આગાહી કરી શકતા હતા જે અન્ય લોકો માટે જોવી અશક્ય હતી, તેથી જ તેમને 'ત્રિકાળદર્શી' કહેવામાં આવતા. તેઓ એવા સત્યો જાણતા હતા જે આખું ચિત્ર બદલી શકે તેમ હતું, છતાં તેઓ હંમેશા મૌન રહ્યા. પરંતુ શા માટે? આ સવાલનો જવાબ મહાભારતની સૌથી રહસ્યમય વાર્તાઓમાં છુપાયેલો છે. ચાલો જાણીએ કે પોતાના જ પરિવારના અભિમન્યુ અને ઘટોત્કચ જેવા મહાન યોદ્ધાઓને વીરગતિ પામતા જોયા છતાં સહદેવ કેમ ચૂપ રહ્યા.
શાંત અને એકાગ્ર વ્યક્તિત્વ
જ્યારે પણ મહાભારતની ચર્ચા થાય છે, ત્યારે સહદેવનું નામ અવારનવાર સૌથી છેલ્લે લેવામાં આવતું હોય છે. સહદેવ એ મહારાજા પાંડુની બીજી પત્ની માદ્રીના પુત્ર હતા. દ્રૌપદી ઉપરાંત, સહદેવના લગ્ન વિજયા સાથે પણ થયા હતા. દ્રૌપદીથી તેમને 'શ્રુતસેન' અને વિજયાથી 'સુહોત્ર' નામના પુત્રની પ્રાપ્તિ થઈ હતી. સહદેવ હંમેશા અન્ય મહાન યોદ્ધાઓના પ્રભાવ વચ્ચે રહ્યા હોવા છતાં, ઘણી કથાઓમાં તેમને પાંડવોમાં સૌથી વધુ બુદ્ધિશાળી દર્શાવવામાં આવ્યા છે. અન્યોની જેમ પરાક્રમ કે નેતૃત્વનો દેખાડો કરવાને બદલે સહદેવ હંમેશા શાંત અને એકાગ્ર રહેવાનું પસંદ કરતા.
બધું બદલી નાખનારું અનોખું જ્ઞાન
એક લોકપ્રિય માન્યતા અનુસાર, સહદેવને તેમના પિતા પાંડુ સાથે જોડાયેલી એક દૈવી ઘટના દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું અસાધારણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પિતા પાંડુની અંતિમ ઈચ્છા એવી હતી કે તેમના પુત્રો તેમના મગજનો હિસ્સો ખાય, જેથી તેઓ પિતાનું બધું જ જ્ઞાન મેળવી શકે. કહેવાય છે કે માત્ર સહદેવે જ પિતાની આ ઈચ્છા પૂરી કરી અને તેમના મગજના ત્રણ હિસ્સા ખાધા, જેનાથી તેમને ત્રણેય લોકનું અને ત્રણેય કાળનું જ્ઞાન મળી ગયું. સહદેવ બરાબર જાણતા હતા કે મહાભારતના ભયાનક યુદ્ધનું પરિણામ શું આવવાનું છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે તેમને આ રહસ્ય કોઈની પણ સામે જાહેર ન કરવાની તાકીદ કરી હતી.
મૌન પાછળનો શ્રાપ અને શરત
પૌરાણિક કથાઓ અનુસાર, સહદેવ એક કઠોર શરત અથવા શ્રાપથી બંધાયેલા હતા, જે તેમને પોતાનું જ્ઞાન ખુલ્લેઆમ પ્રગટ કરતા અટકાવતું હતું. એવું માનવામાં આવે છે કે ત્રિકાળજ્ઞાની સહદેવને ભગવાન શ્રીકૃષ્ણે શ્રાપ આપ્યો હતો કે, જો તેઓ પોતાની મેળે ભવિષ્યની કોઈ ઘટના વિશે કોઈને પણ જણાવશે, તો તેમનું ત્વરિત મૃત્યુ થશે. હા, એક શરત એવી ચોક્કસ હતી કે જો કોઈ વ્યક્તિ સામેથી આવીને તેમને સીધો પ્રશ્ન પૂછે, તો તેઓ સાચો જવાબ આપી શકતા હતા. પરંતુ, તેઓ પોતે આગળ વધીને ભવિષ્યની વાતો કહીને વિધાતાના લેખ (ભાગ્ય)માં દખલગીરી કરી શકતા નહોતા.
તો પછી યુદ્ધ કેમ ન અટકાવી શકાયું?
અહીં સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે, જો સહદેવ ભવિષ્ય જાણતા જ હતા, તો તેમણે મહાભારતનું યુદ્ધ કેમ ન અટકાવ્યું? આ સવાલનો જવાબ મહાકાવ્યના મૂળ મર્મમાં છુપાયેલો છે. મહાભારત વારંવાર એ વાત સાબિત કરે છે કે અમુક ઘટનાઓ સામૂહિક નિર્ણયો, કર્મ અને નિયતિ (ભાગ્ય)ને આધીન હોય છે. દુર્યોધનનો લોભ, શકુનીનું કપટ અને શાંતિ પ્રસ્તાવનો વારંવાર થયેલો અસ્વીકાર જ યુદ્ધ તરફ દોરી જતો હતો. સહદેવ પરિણામ જાણતા હતા, પરંતુ આ યુદ્ધની સફરમાંથી પસાર થવું દરેક માટે અનિવાર્ય હતું. ભવિષ્યની ખબર હોવાનો અર્થ એ નથી કે તમે તેને બદલવાની શક્તિ પણ ધરાવો છો.
વળી, સહદેવની આ દિવ્ય દ્રષ્ટિ અમુક મર્યાદાઓ અને પરિસ્થિતિઓથી બંધાયેલી હતી. તેઓ એવા સર્વજ્ઞ નહોતા કે જેમને દરેક સમયે દરેક ઘટનાની આપમેળે ખબર પડી જાય. તેમની આ શક્તિ ત્યારે જ સક્રિય થતી જ્યારે તેમના મનમાં કોઈ ચોક્કસ વિષયને લઈને તીવ્ર જિજ્ઞાસા જાગતી. બીજા શબ્દોમાં કહીએ તો, સહદેવ માત્ર એ જ વિષયનું ભવિષ્ય કે રહસ્ય જોઈ શકતા, જેના તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થતું. આ જ કારણે, કદાચ તેમણે ક્યારેય કર્ણની સાચી ઓળખ કે માતા કુંતીના ભૂતકાળ વિશે જાણવાની ઉત્સુકતા નહોતી બતાવી. જો તેમના મનમાં આ સવાલો જ ન જાગ્યા હોય, તો તેમની દિવ્ય દ્રષ્ટિએ આ રહસ્યો ક્યારેય તેમની સામે પ્રગટ કર્યા જ નહોતા.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

