Religion: પૂજાની ઘંટડી માત્ર આરતી માટે જ નથી; તે વાસ્તુ દોષોને પણ કરી શકે છે દૂર, જાણો ખાસ ઉપાયો

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન વગાડવામાં આવતી ઘંટડીનું વિશેષ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘંટડીનો અવાજ માત્ર મનને શાંત નથી કરતો, પરંતુ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી સુખ-સમૃદ્ધિના દ્વાર પણ ખોલે છે. જો ઘંટડીનો ઉપયોગ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે, તો તે જીવનમાં સફળતા અને આર્થિક ઉન્નતિ લાવી શકે છે.
ઘંટડી સાથે જોડાયેલા ખાસ વાસ્તુ ઉપાયો:
૧. શનિવારનો વિશેષ ઉપાય (નકારાત્મકતા દૂર કરવા):
ધાર્મિક માન્યતા અનુસાર, શનિવારે સાંજે કપૂરની આરતી સાથે આખા ઘરમાં ઘંટડી વગાડવી જોઈએ. કપૂરનો ધૂપ ઘરના દરેક ખૂણામાં, બાલ્કનીમાં અને મુખ્ય દરવાજા સુધી લઈ જાઓ અને સાથે સતત ઘંટડી વગાડતા રહો. આ પ્રયોગથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધે છે, જેનાથી માનસિક શાંતિ મળે છે.
૨. સોમવારનો ઉપાય (આર્થિક સમૃદ્ધિ માટે):
સોમવારે નિયમિત પૂજા-આરતી કર્યા પછી, ઘંટડીને ઘરની તિજોરી કે પૈસા રાખવાના સ્થાન પાસે લઈ જઈને વગાડો. આ સમયે મનોમન માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું ધ્યાન ધરો. માનવામાં આવે છે કે આ વિધિથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે, દેવામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં આર્થિક સુખાકારી જળવાઈ રહે છે.
૩. સાંજનો ઉપાય (ઘર કંકાસ નિવારવા):
દરરોજ સાંજની આરતી પછી મુખ્ય પ્રવેશદ્વાર (મેઈન ગેટ) પાસે ઉભા રહીને ૧-૨ મિનિટ ઘંટડી વગાડવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘર પર લાગેલી ખરાબ નજર દૂર થાય છે, પરિવારના સભ્યો વચ્ચે થતા ઝઘડા ઓછા થાય છે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બને છે.
ઘંટડી રાખવાના અને વગાડવાના ખાસ નિયમો:
દિશાનું મહત્ત્વ: પૂજાની ઘંટડી હંમેશા મંદિર કે પૂજા ઘરના ઉત્તર-પૂર્વ (ઈશાન) ખૂણામાં રાખવી જોઈએ. તેને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવી.
વગાડવાની રીત: ઘંટડી હંમેશા જમણા હાથે વગાડવી શુભ ગણાય છે.
ગરુડ ઘંટડી: જે ઘંટડી પર ભગવાન ગરુડની આકૃતિ હોય તેને સૌથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે.
જમીન પર ન રાખવી: પૂજાની અન્ય વસ્તુઓની જેમ ઘંટડીને પણ ક્યારેય સીધી જમીન પર ન મૂકવી જોઈએ, તેને હંમેશા કોઈ સ્ટેન્ડ અથવા પવિત્ર કપડા પર રાખવી.
ધાતુની પસંદગી: પૂજા માટે કાંસા (તાંબુ અને ટીનનું મિશ્રણ) અથવા પિત્તળની ઘંટડી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાંસાની ઘંટડીનો રણકાર વાતાવરણને શુદ્ધ કરવામાં વધુ મદદરૂપ થાય છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

