Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The glory of chanting the name of God

Dharmlok: ભગવાનનાં નામનો જપ કરવાનો મહિમા 

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: ભગવાનનાં નામનો જપ કરવાનો મહિમા 
સોર્સ : GSTV

જપનો પાયો ભક્તિ છે. તેનો આધાર શ્રદ્ધા ઉપર છે. અને તેનું પરિણામ ભગવાનની કૃપાથી જ આવે છે. જપ માટે ખરી તૈયારી ને ખરી લાયકાત નમ્રતાથી અને આદરથી તથા પૂજ્યભાવથી છે હાથમાં માળા છે. મણકા આંગળીઓ વચ્ચેથી સરતા જાય છે. હોઠ ઉપર ભગવાનનું નામ છે. શ્વાસ ધીરેથી, ભક્તિથી, લયથી લેવાય છે અને પ્રાણ સાથે પ્રાર્થના પણ વણાઈ જાય છે. નામની ઉપાસના છે. એ જ જપ કરવાની સાધના છે. (ફાધર વાલેસ)

App Store

આ ભગવાનના નામ-જપની સરળ પ્રક્રિયા છે. અભણ માજી કે દાદા, નાનો છોકરો પણ કરી શકે છે. એને ઉંડો મર્મ છે અને ભારે પુણ્ય છે. જો શ્રદ્ધાથી ને ખંતથી કરવામાં આવે તો એ 'જપયજ્ઞ' માણસને આધ્યાત્મિક પંથે આગળ લાવવામાં ભારે સામર્થ્ય ધરાવે છે.

જપમાં ભગવાનનું નામ છે, અને ભગવાનનાં નામમાં ઘણી શક્તિ છે. એ મંત્ર છે, વેદ છે ઓમકાર છે માણસનું નામ જાણીએ એટલે તેને બોલાવી શકીએ, પ્રિયત્તમાનું નામ જાણીએ એ એટલે એનું રટણ કરી ધન્ય થઈએ છીએ. કોઈને બોલાવવા, પાસે લાવવા, મદદ મેળવવા ને પ્રેમ કરવા પહેલું સાધન તો નામ જ હોય છે. માટે ભક્તિ અને યોગ, ધ્યાન અને શુદ્ધિનું અગત્યનું પગલું 'જપ' છે. ભગવાનને યાદ કરવા, ભગવાનને બોલાવવા, આપણી જાતને તેની પાસે લઈ જવા નામ સ્મરણ ને નામનું ઉચ્ચારણ અમોઘ સાધન છે. એ ખાલી બાહ્ય વિધિ નથી કે હોઠનો બડબડાટ નથી. નામ દિલમાં છે એટલે હૃદયમાં વધારે ઉંડે ઉતરી જાય છે. બહારની ક્રિયા એ અંદરનો ભાવનો આવિર્ભાવ છે અને અંતરનો ભાવ બહારની ક્રિયાથી સુદૃઢ બને છે. નામ બોલવામાં ધન્યતા છે કારણ કે નામ નો માલિક હૃદયનું સર્વસ્વ છે. જપમાં મન અને દેહનો સુમેળ છે એટલે જ એનું મહત્વ છે. વિચાર છે ને ક્રિયા છે. લાગણી છે ને મુદ્રા છે, શ્રદ્ધા છે ને શબ્દ છે, ભક્તિનો ઉભરો છે. જપમાં આંગળીઓ બોલે છે, હાથ બોલે છે, હોઠ બોલે છે ને શ્વાસ બોલે છે. આખો દેહ બોલે છે ને આખો આત્મા બોલે છે. એ પ્રાર્થના છે. આખા માનવની સાધના છે. હૃદયની ને દેહની. એમાં માનવીની બધી શક્તિઓ જોડાય છે. બધા અંગો ભાગ લે છે અને માળાના જુદા જુદા મણકાઓ ધ્યાનથી દોરીથી બંધાય છે, સાથે રહે છે એ પ્રાર્થનારૂપ ભક્તિ છે.

શ્રદ્ધાળુ ભક્તિ:

એક શ્રદ્ધાળુ ભક્ત માળા પૂરી કરીને કામ ઉપર ઓફિસે જતા ત્યારે માળાને ૐના આકારમાં ગોઠવીને જતા. ભાવના એવી હતી કે મારું મન હવે બીજા કામમાં પરોવાયેલું હશે અને મારો હાથ માળા નહિ પણ પેન લઈને કંઈક લખવા પ્રવૃત્ત હશે. તે દરમિયાન મારી આ માળા ઘેર રહીને, ભગવાનની મૂર્તિ આગળ રહીને, ૐ આકારમાં રહીને મારો એ જપયજ્ઞ ચાલુ રાખશે. મેં એના મણકે મણકામાં રોજની ઉપાસનાથી જે ભક્તિ ભરી છે એ બોલી ઉઠશે, બોલતી રહેશે. એ કેવી સુંદર ભાવના હતી. ને સાર્થક શ્રદ્ધા હતી અને માળા કંઠીરૂપે ગળે પહેરીને ફરવામાં પણ એ જ ભાવના છે ને ! આંગળીએ નહિ તો ગળે શબ્દોના ઉચ્ચારણ સાથે નહિ તો મૌનમાં, પણ એ નામ, એ સ્મરણ, એ રટણ, સતત જોઈએ. અને એનું પ્રતિક ગળે લટકાવેલી એ માળા છે. સ્વયંવરની માળા છે. દિગ્વિજયની માળા છે. શરણાગતિની માળા છે.

જપનો લાભ: 

જપનો વિશેષ લાભ એ હોય છે કે થોડાક અભ્યાસથી અને પ્રયત્નથીએ લગભગ આખો દિવસ ચાલુ રાખી શકાય. સંતો અને સાધકો એમ કરે છે તે એની સાક્ષી છે. ચાલતા હોઈએ ત્યારે પગની ગતિ સાથે નામનું રટણ ચાલે. બસમાં બેઠા હોઈએ ત્યારે એન્જિનના ઘોંઘાટ સાથે મંત્રોચ્ચાર જોડાય. કામ કરતા હોઈએ ત્યારે ત્યારે વચ્ચે ને વચ્ચે, અને તે વખતે સાથે સાથે પણ હોઠ ઉપર નામ આવી જાય. બોલતું જાય. પૂજાતુ જાય. હાથ બીજું કામ કરતા હોય અને હોઠ ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા હોય, હોઠનો અભ્યાસ, શ્વાસનો સહકાર ને હૃદયની જાગૃતિ હોય પછી યજ્ઞા શરૂ થાય જ.

જપમાં લય છે અને જીવનમાં પણ લય છે. તે એકબીજાની સાથે તાલ બેસાડીને ચાલે ત્યારે જીવનના છંદમાં ભક્તિનું સંગીત આવી જાય. શ્વાસ ચાલે છે. નાડ બોલે છે. પગ ચાલે છે. ઘંટ વાગે છે. એ શ્વાસ સાથે, એ હૃદયના ધબકારા સાથે પગના પગરવ સાથે ને ઘંટના ટકોરા સાથે લયપૂર્વક શ્રદ્ધાપૂર્વક એ સ્મરણ એ ઉચ્ચાર, એ પવિત્ર નામ જોડાય છે. પ્રાણની પ્રક્રિયા સાથે. પ્રાણની ઉપાસના ભળે છે. દેહને ટકાવવા માટે લીધેલા શ્વાસમાં ભગવાનનું નામ મઢાઈને આવે છે. પ્રાણ અને પ્રાણનો માલિક, હૃદય અને હૃદયના સ્વામીનું એ મંગળ મિલન છે.

ભગવાનનો જપ કરતા રહેવાથી તે વિષયક સ્મૃતિ જાગૃત થયા કરે છે. ભગવાનના નામોચ્ચારના કિર્તન તથા શ્રવણ અને મનન કરવાથી કાન, જીભ તથા મન ભક્તિ પરાયણ રહે છે. આ ધ્યાનનો અભ્યાસ અત્યંત સુગમ અને તે પરમેશ્વરની પ્રાપ્તિમાં સહાય કરે છે. નિરંતર ભગવાનના જપથી તેના ચિંતન કરતા રહેવાથી દેવ સમાન દૈહિક અવસ્થા પ્રાપ્ત કરીશું.

હું ભાવનગર કોલેજમાં ભણતો ત્યારે ૧૯૬૮માં એક ઉંમરવાળા દાદાની ચશ્માની દુકાને ગયો. ચશ્મા લેવા માટે તેની વોરા બજારમાં દુકાન હતી. તે દરેક વસ્તુના ઉચ્ચારણ પહેલા 'રામ' શબ્દ બોલતા. મને જોઈને કહે આવો રામ, શું જોઈએ છે રામ. ને ચશ્માની ફ્રેમો બતાવીને કિંમત બોલતા 'રામ'. આના ૧૧૦છે. આના મારા રામ ! આના ૧૨૦ રૂપિયા છે. મારા રામ. બીજી સસ્તી ફ્રેમો પણ છે... આ દાદાની દુકાન ૧૯૭૫ પછી શોધી પણ તે હતી નહીં. હજુ તે 'રામ' નામના રટણવાળા દાદા મારી આંખ સામે આવે છે અને તેની ભક્તિ તથા 'રામ' નામનો જપ તેના વ્યવસાય સાથે એવો ગુંથાઈ ગયો હતો. જે ખરેખર વંદનીય છે.

બીજી જીવનની ક્રિયાઓ સાથે જપનો કાર્યક્રમ ચાલી શકે એમાં એનું મહત્વ છે. અને એનું જોખમ પણ છે. મહત્વ, કારણ કે બીજી ક્રિયાઓની સાથે ચાલી શકે એટલે આખો દિવસ ને આખા જીવનમાં ચાલી શકે. અને જોખમ, કારણ કે એ ક્રિયાઓ શુભ ન હોય, યોગ્ય ન હોય, અરે તે નીતિમાન ન હોય ત્યારે પણ એ જપ ચાલી શકે છે અને વિપરીત રીતે તેનો ઉપયોગ થઈ શકે છે. હોઠ ઉપર ભગવાનનું નામ હોય અને આંખોમાં કુદ્રષ્ટિ હોય કે મનમાં વેરભાવ હોય એ શક્ય છે અને તે વિકૃત જ છે. એ અનર્થ ટાળવા ભગવાનનું નામ લેવાય ત્યારે ધ્યાનથી, ભાનથી અને પૂજ્યભાવથી લેવું જોઈએ. જેથી તે પુણ્યનામના ઉચ્ચારણ સાથે વિચારો ને ભાવો. કાર્યને સંકલ્પ પણ મંગળને પવિત્ર રહે.

'જપ' સાધનાનું જોખમ અને સરળતા:

જપની સાધના સરળ છે પણ એમાં એનું મહત્વ પણ છે. આમ એનું જોખમ પણ છે. મહત્વ કારણ કે તે સરળ હોવાથી કોઈપણ માણસ, કોઈપણ અવસ્થામાં અને કોઈપણ સ્થાને આદરી શકે. સિદ્ધ કરી શકે અને એ સુલભ ઉપાયથી ભારે પુણ્ય પણ મેળવી શકે છે. પરંતુ એક જોખમ પણ કારણ કે આધ્યાત્મિક પ્રગતિનું એ જબરૃં સાધન આટલું સરળ હોવાથી માનવીને લાગી પણ શકે છે કે બસ સસ્તામાં મોંઘો સોદો પતાવવાની યુક્તિ હાથ આવી ગઈ ! હવે સિદ્ધ થવું આપણા હાથની વાત છે, માળા લઈને બેસીશું, રોજ આટલી માળા, આટલા જપ, હું સમય નક્કી કરું એટલી જ વાર. પછી હું આંગળીઓ ચલાવું એટલે માળા ફરશે. હોઠ ચલાવું એટલે નામોચ્ચારણ થશે ને પછી આપોઆપ તેની પાછળ ધ્યાન આવશે અને પુણ્ય આવશે. સિદ્ધિ આવશે. બસ મારું કામ અને મારો પ્રયત્ન, મારો નિર્ણય ને મારી સફળતા. જપનો આટલો મહિમા છે ને આટલી સરળતા છે તો પછી એનો લાભ લઈને હું મારા બળથી જ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી લઈશ એવા વલણમાં ભારે ભૂલ છે. અને જપનો પ્રયોગ નિષ્ફળ જવાનો ભય પણ છે.

પછી જપનાં અવગુણ ગાય કે ઘણાં જપ કર્યા પણ કંઈ પરિણામ ન આવ્યું. અસંખ્ય વખત ભગવાનનું નામ લીધું પણ ભગવાન ન આવ્યા. પછી જપનું ફળ કેવું ને મહિમા કેવો ? આટલી માળાઓ કરી, આટલા વર્ષો સુધી પ્રયત્ન ચાલુ રાખ્યા. પણ જીવન સુધર્યું નથી. મનમાં સ્થિરતા આવી નથી. પછી એ માળાનો અર્થ શો અને અસર શી ?? હા, આટલું તપ તો કર્યું પણ મનનો હેતુ જરા વાંકો હતો. વિકૃત હતો એટલે ધાર્યું પરિણામ ન આવ્યું... અહં પોષીને સફળતા પ્રાપ્ત કેમ થાય ? આમાં બધા પ્રયોગ નિષ્ફળ જ જાય.

માટે કેટલી માળાઓ કરી, એની ગણતરી જરૂરી નથી. કેટલા જપ કર્યા એનો હિસાબ પણ આવશ્યક નથી. એ ગણિત ધર્મમાં ન શોભે. એ વેવાર અધ્યાત્મમાં ન ચાલે. આ કોઈ હરિફાઈ નથી કે તેનો વિક્રમ નોંધાય. કોઈ પરીક્ષા નથી કે માર્કનો આંકડો જાહેર થાય. આ પ્રેમ અને શ્રદ્ધાનો વિષય છે. ભગવાનની કૃપાનો વિષય છે. અધિકારનો સવાલ નથી, ભક્તિના વિષય છે, ભાવનો વિષય છે. ભગવાનનું નામ બોલીએ છીએ કારણ કે ભગવાનને માટે આપણો પ્રેમ છે અને એ પ્રેમ તીવ્ર છે. ઊંડો છે. અને સતત છે એટલે પૂજ્ય નામ સતત બોલવાની પ્રયત્ન કરીએ છીએ. જપનો પાયો ભક્તિ છે. તેનો આધાર શ્રદ્ધા ઉપર છે. અને તેનું પરિણામ ભગવાનની કૃપાથી જ આવે છે. જપ માટે ખરી તૈયારી ને ખરી લાયકાત નમ્રતાથી અને આદરથી તથા પૂજ્યભાવથી છે. અને ભગવાનનું ખરા હૃદયથી નામ જપીએ તો એની કૃપાથી જ એના મંગળ ફળ અનુભવતા રહેશું.

શુભ કર્મ કરનાર કોઈપણ કદી દુર્ગતિ પામતો નથી.

- ડો. ઉમાકાંત જે. જોષી