વીરપુર/ પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા, એકેસો એક દીકરીઓએ કર્યા સામૈયા

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધનની પ્રાપ્તિ થતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહિત સમગ્ર વિરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો, પૂજ્ય જલારામ બાપાના વારસદાર પૂજ્ય ગાદીપતિ રધુરામ બાપાના લઘુબંધુ ભરતને ત્યાં ગત 17 ઓક્ટોબરે પુત્રનો જન્મ થયો જેમનું નામ "દૈવત" રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ધનનો દાતા શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો
પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતના પુત્ર "દૈવત" પ્રથમ વખત પૂજ્ય જલાબાપાના નિવાસસ્થાને આવતા હોવાથી સમગ્ર વિરપુર ગ્રામજનોએ પૂજ્ય જલારામ બાપાના વારસદારને વધાવવા પૂજ્ય બાપાની સમાધી તેમજ મંદિરનો મુખ્ય દરવાજો અવનવા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતાં. બાપાની સમાધી સ્થળેથી લઈને વીરપુરના મુખ્ય માર્ગો તેમજ જલારામ બાપાના મંદિર સુધી વીરપુરમાં જાણે ફરી દિવાળી આવી હોય તેમ શણગારવામાં આવ્યા હતા.
પૂજ્ય જલારામના પરિવાના પુત્ર "દૈવત"ને વધાવવા એકસો એક દીકરીઓ દ્વારા સામૈયા કરાયા તેમજ સમગ્ર વિરપુર ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધિ ખાતે શ્રી રામ રક્ષાસ્તોત્રના પાઠ કરવામાં આવ્યાં હતાં. તેમજ સમાધિ સ્થળેથી લઈને મંદિર સુધી પુષ્પવર્ષા કરવામાં આવી અને બેન્ડવાજા તેમજ રાસગરબા સાથે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતના પુત્રના સ્વાગત માટે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા ,પૂજ્ય રસિકરામ બાપા તેમજ પરિવારજનોએ સૌપ્રથમ તો પૂજ્ય જલારામ બાપાની સમાધિ સ્થળે દર્શન કરી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરાવ્યા હતા તેમજ ગ્રામ જનોએ જય શ્રી રામ..જય જલારામના નારા લગાવ્યા હતા અને વાતાવરણને જલારામમય કરી દીધું હતું.

