Religion: સવારે ઉઠતાની સાથે જ કેમ જોવી જોઈએ હથેળી? જાણો તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

દરેક વ્યક્તિ સવારની શરૂઆત પોઝિટિવ એનર્જી સાથે કરવા માંગે છે. વાસ્તુશાસ્ત્રમાં સવારે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય ઘણી બાબતો સૂચવવામાં આવી છે, પરંતુ તે બધામાં સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી પ્રથા છે - સવારે ઉઠતાની સાથે જ પોતાની હથેળીઓ જોવી. શાસ્ત્રો અનુસાર, સવારે પથારીમાંથી જાગ્યા પછી તરત જ વ્યક્તિએ સૌથી પહેલા પોતાની બંને હથેળીના દર્શન કરવા જોઈએ.
વાસ્તુશાસ્ત્ર મુજબ, મનુષ્યની હથેળીઓમાં તમામ ગ્રહો અને દેવી-દેવતાઓનો વાસ હોય છે. વળી, આ હાથો દ્વારા જ આપણે આખો દિવસ કર્મ કરીએ છીએ, તેથી સવારે હથેળીઓ જોવી અત્યંત શુભ માનવામાં આવે છે. આવો જાણીએ સવારે ઉઠ્યા પછી તરત જ કરદર્શન કરવાના ફાયદા અને તેનું મહત્વ.
ત્રિમૂર્તિ અને દેવીઓનો નિવાસ
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, હથેળીના અલગ-અલગ ભાગોમાં પ્રમુખ દેવ-દેવીઓનો વાસ છે. હથેળીના આગળના ભાગમાં (ટેરવા પર) ધનની દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં (નીચે) સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુનો નિવાસ છે.
આ ઉપરાંત, કાંડાની મણિબંધ રેખાઓમાં બ્રહ્મ તીર્થ સ્થિત છે, જેને ભગવાન બ્રહ્માનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને અંગૂઠાના ભાગમાં પિતૃઓનો વાસ હોય છે. આ રીતે, સવારે માત્ર હથેળી જોવાથી તમામ દેવી-દેવતાઓ અને પિતૃઓના એકસાથે દર્શન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અને માનસિક શાંતિ
જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારી હથેળી જુઓ છો, તો નવ ગ્રહોના પણ દર્શન થાય છે, કારણ કે હથેળીના વિવિધ પર્વતો પર અલગ-અલગ ગ્રહોનું સ્થાન છે. આ પ્રથાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો (Positive Energy) પ્રવાહ વધે છે, જેનાથી મન અને મગજ બંને શાંત રહે છે. પરિણામે, વ્યક્તિ કાર્યસ્થળ પર વધુ સારી એકાગ્રતા સાથે કામ કરી શકે છે.
સત્કર્મ કરવાની પ્રેરણા
દરેક વ્યક્તિને તેના કર્મોનું જ ફળ મળે છે. સવારે વહેલા ઉઠીને પોતાની હથેળીઓ જોવાથી મનને સત્કર્મ એટલે કે સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે. આ પ્રથા વ્યક્તિમાં રહેલા આળસને દૂર કરે છે અને તેને આખો દિવસ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ન્યાયના દેવ શનિદેવ પણ હંમેશા એવા લોકોને જ સાથ આપે છે જેઓ પરિશ્રમ અને ઈમાનદારીથી પોતાના કાર્યો કરે છે.
હથેળી જોતી વખતે આ મંત્રનો જાપ કરો
સવારે જ્યારે તમે પથારીમાંથી ઉઠો ત્યારે શાંત ચિત્તે બંને હથેળીઓને જોડીને આ મંત્રનો પાઠ કરવો જોઈએ:
'कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वतीઃ, करमूले तु गोविंदः प्रभाते करदर्शनम्'
અર્થ: હથેળીના આગળના ભાગમાં લક્ષ્મીજી, મધ્યમાં સરસ્વતીજી અને મૂળમાં ગોવિંદ (ભગવાન વિષ્ણુ) વસે છે; તેથી સવારે કરદર્શન કરવું જોઈએ.
આ મંત્રના જાપ સાથે દિવસની શરૂઆત કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે, નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી રહેતી નથી. તેથી, વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર દરરોજ સવારે કરદર્શનની આ નાનકડી આદત તમારા આખા દિવસને સફળ અને મંગલમય બનાવી શકે છે.

