ઘરની દીવાલ કે છત પર ઊગી નીકળ્યો છે પીપળો? જાણો વાસ્તુદોષ અને તેને હટાવવાની શાસ્ત્રોક્ત સાચી રીત

ઘણીવાર ઘરની દીવાલો, છત કે ખૂણાઓની તિરાડોમાં પીપળાનો નાનો છોડ ઊગી નીકળતો જોવા મળે છે. સામાન્ય નજરે આ માત્ર એક કુદરતી ઘટના લાગે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ અને સંકેત દર્શાવવામાં આવ્યા છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, રહેણાંક મકાનની દીવાલો કે છત પર પીપળો ઊગવો એ ગંભીર વાસ્તુદોષનો સંકેત આપે છે. શાસ્ત્રોમાં પીપળાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, પરંતુ ઘરમાં તેનું ઊગવું શુભ ગણાતું નથી. જાણો તેનાથી કયા દોષ નિર્માણ થાય છે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેને કેવી રીતે દૂર કરવો જોઈએ.
વાસ્તુદોષ અને નકારાત્મક સંકેતો
પિતૃદોષ અને નકારાત્મક ઊર્જા: ઘરમાં પીપળો ઊગવો એ ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર અને પિતૃદોષની હાજરીનો સંકેત માનવામાં આવે છે.
આર્થિક તંગી: વાસ્તુ માન્યતા મુજબ, જે મકાનમાં પીપળો પોતાની મેળે ઊગે છે, ત્યાં ધીમે ધીમે આર્થિક મુશ્કેલીઓ વધવા લાગે છે અને ધનહાનિના યોગ બને છે.
ગૃહકલેશ: પરિવારના સભ્યો વચ્ચે અંદરોઅંદર મતભેદ અને અશાંતિનું વાતાવરણ સર્જાય છે.
પીપળાને ઘરમાંથી હટાવવાની સાચી પદ્ધતિ
હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને કાપવાની સખત મનાઈ છે, કારણ કે તેમાં ભગવાન વિષ્ણુ અને પિતૃઓનો વાસ મનાય છે. પરંતુ જો તે ઘરમાં ઊગી નીકળે તો તેને વિધિવત્ દૂર કરવો અનિવાર્ય બને છે:
યોગ્ય દિવસની પસંદગી: પીપળાને ગમે તે દિવસે હટાવી શકાતો નથી. આ કાર્ય માટે રવિવાર સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, કારણ કે શાસ્ત્રો અનુસાર રવિવારે પીપળાની પૂજા થતી નથી. ભૂલથી પણ શનિવાર, ગુરુવાર કે અમાસના દિવસે પીપળો કાપવો કે હટાવવો જોઈએ નહીં.
ક્ષમા-યાચના અને વિધિ: પીપળાને હટાવતા પહેલાં ભગવાન વિષ્ણુ અને પિતૃદેવોનું સ્મરણ કરી તેમની માફી માગવી જોઈએ. ત્યાર બાદ પીપળાના છોડને કાપવાને બદલે ખૂબ જ સાવચેતીપૂર્વક મૂળ સહિત ઉખેડી લેવો અને તેને કોઈ મંદિર પરિસરમાં, નદી કિનારે કે ખુલ્લા બગીચામાં યોગ્ય રીતે રોપી દેવો.
શુદ્ધિકરણ અને કાયમી ઉકેલ: જે જગ્યા પરથી પીપળો હટાવ્યો હોય ત્યાં તરત જ ગંગાજળ અથવા કાચું દૂધ છાંટીને જગ્યાનું શુદ્ધિકરણ કરવું. ત્યારબાદ દીવાલ કે છતની તિરાડને સિમેન્ટથી સરખી રીતે પૂરી દેવી, જેથી ભેજ ન રહે અને પીપળો ફરીથી ત્યાં ઊગી ન શકે.

