Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Know about Shrimad Devi Bhagwat

Dharmlok / 'એકાદશી અગિયારસ કાત્યા યનિકા મા; કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા'

Timeછેલ્લું અપડેટ : 01 May 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok / 'એકાદશી અગિયારસ કાત્યા યનિકા મા; કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા'

પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

App Store

આપણા અઢાર પુરાણો જેની રચના સ્વયં ભગવાન વેદવ્યાસજીએ કરી છે. જેમાં ભાગવત પણ બે છે. એક ભગવાનનું ભાગવત અને બીજું ભગવતીનું ભાગવત. જેવી રીતે શ્રીમદ્ ભાગવતજીનો દશમ સ્કંધ એ ભગવાનનું હૃદય છે તેવી જ રીતે શ્રીમદ્ દેવી ભાગવતજીનો તૃતિય સ્કંધ અને પંચમ સ્કંધ એ જગદંબાનું હૃદય છે. જેમાં માતાજીના ગુણાનુવાદ ગાવામાં આવ્યા છે.

માતા જગદંબા ચૌદ ભુવનના ઈશ્વરી છે

શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં ભગવાન વેદવ્યાસજીએ મણિદ્વિપ ધામનું વર્ણન કર્યું છે. મણિદ્વિપ ધામમાં ચિંતામણિ ભૂવન છે. માતા જગદંબા એમાં બિરાજમાન છે. આજ માતાજીએ લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યાં છે. માતાજીનું તેજ કરોડો વિજળીઓ સમાન છે. એ માતા જગંદબાએ બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજીને પોતાના જમણા પગના અંગુઠાના નખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માતા જગદંબા ચૌદ ભુવનના ઈશ્વરી છે. માટે જ માતાજીનું નામ ભુવનેશ્વરી છે.

તૃતિય સ્કંધમાં બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજીએ માતા જગદંબાની સ્તુતિ કરી છે. માતાજી ત્રણેય દેવોના ગુરુ બન્યા. માતા જગદંબાએ પોતાના મુખારવિંદમાંથી નવારણ મંત્ર પ્રગટ કર્યો. એ નવારણ મંત્રના ત્રણ બીજ છે. 'ઐમ, હ્રીમ અને ક્લીમ.' એક-એક બીજનો મહિમા છે. જે તૃતિય સ્કંધમાં વર્ણવ્યો છે.

દરેક સ્વરૂપે માતા જ બિરાજમાન છે

'ઐમ' નો મહિમા - એના માટે સત્યવ્રતનું આખ્યાન છે. 'ક્લીમ' અને 'હ્રીમ' ના મહિમા માટે સુદર્શન અને શશિકલાનું આખ્યાન છે. તૃતિય સ્કંધમાં ભગવાન વેદવ્યાસજી જન્મેજયને યજ્ઞાનું નિરુપણ કરે છે. ત્રણ વસ્તુ જ્યારે શુદ્ધ હોય ત્યારે જ યજ્ઞા સફળ થાય છે. મંત્ર શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. બ્રહ્માંડમાં સૌ પ્રથમ યજ્ઞા ભગવાન નારાયણે કર્યો. માતા જગદંબાએ તેમને વરદાન આપ્યું કે, 'ધર્મની સ્થાપના માટે તમારે અવતાર લેવા પડશે. દરેક અવતારમાં મારી શક્તિ સાથે રહેશે.' આ પ્રસંગને શિવાનંદ સ્વામીએ પણ પોતાની આરતિમાં વર્ણવ્યો છે કે, 'એકાદશી અગિયારસ કાત્યા યનિકા મા; કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા.'  ભગવાન રામ થયા તો માતાજી સિતાજી થયા. ભગવાન શ્યામ બન્યા તો મા રાધાજી બનીને આવ્યા. ભક્ત કવિ વલ્લભ તો આનંદના ગરબામાં વર્ણવે છે કે, 'મત્સ, કત્સ્ય, વરાહ, નરસિંહ વામન થઈ મા; અવતારો તારાય તુજ વિણ મહાત્મઈ મા.' તો દરેક સ્વરૂપે માતા જ બિરાજમાન છે.

તૃતિય સ્કંધમાં નવરાત્રિ વ્રતનું વર્ણન છે. જેમાં કુમારિકા પૂજનનો વિશેષ મહિમા છે. બે વર્ષથી લઈ દસ વર્ષની દીકરીઓ એ કુમારિકાઓનું સ્વરૂપ છે. બે વર્ષની દીકરી એ કુમારી છે. ત્રણ વર્ષની દીકરી એ ત્રિમૂર્તિ છે. ચાર વર્ષની દીકરી એ કલ્યાણી છે. પાંચ વર્ષની દીકરી એ રોહિણી છે. છ વર્ષની દીકરી એ ચંડિકા છે. સાત વર્ષની દીકરી એ કાલિકા છે. આઠ વર્ષની દીકરી એ શાંભવી છે. નવ વર્ષની દીકરી એ ગૌરી છે અને દસ વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. આ કુમારિકાઓનું પૂજન નવરાત્રિના પાવન પ્રસંગે વિશેષ કરવું જોઈએ.

આપણા જેટલા અવતારો થયા તે દરેક અવતારોએ શક્તિની ઉપાસના કરી છે. તૃતિય સ્કંધમાં ભગવાન શ્રીરામજીની કથા છે. ભગવાન શ્રીરામજીએ પણ નવરાત્રિ વ્રત કર્યું. માતાજીના આશિર્વાદ લઈ દૈવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજ્ય મેળવ્યો. 

'મા' આ એક અક્ષરમાં સમગ્ર વિશ્વ છે

આમ, શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં માતાજીના ગુણાનુવાદ છે. એટલે તૃતિય સ્કંધ એ જગદંબાનું હૃદય ગણી શકાય એવો મારો ભાવ છે. 'મા' આ એક અક્ષરમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય છે. ભગવાનના બે નેત્રો છે. સૂર્ય અને ચંદ્ર. જેમાં સૂર્ય રૂપી નેત્ર એ પિતાનું નેત્ર છે અને ચંદ્ર રૂપી નેત્ર એ માતાનું નેત્ર છે. 

અંબા એ સંસ્કૃત શબ્દ છે. આપણે આપણા માતૃશ્રીને પણ અંબા કહી શકીએ. આ તો આખા જગતની માતા છે. 'જગતસ્ય અંબા જગદંબા.' એ મા જગદંબાની લીલાનું સંપૂર્ણ દર્શન તૃતિય સ્કંધમાં છે. કદાચ સંપૂર્ણ દેવી ભાગવત ન વાંચી શકાય તો તૃતિય સ્કંધ અને પંચમ સ્કંધ જે દેવી ભાગવતમાં માતાજીનું હૃદય છે એનું પારાયણ કરવું. માતા જગદંબાની કૃપા આપ સૌ ઉપર રહે એ જ અભ્યર્થના...!