Vastu Tips: ટ્રેન્ડના ચક્કરમાં ઘરમાં ન લાવતા આ 6 વસ્તુઓ, સુખ-શાંતિ છીનવાઈ જશે!

વાસ્તુ શાસ્ત્ર માત્ર ઘરની બનાવટ કે દિશાઓ પૂરતું સીમિત નથી, પરંતુ તે આપણે રોજબરોજ ઉપયોગમાં લેતા અથવા સજાવટ માટે રાખતા નાની-નાની વસ્તુઓ પર પણ ખાસ ધ્યાન આપે છે. આજકાલ ટ્રેન્ડ અને મોર્ડન ડેકોરેશનના નામે ઘરમાં એવી ઘણી વસ્તુઓ લાવવામાં આવે છે, જે વાસ્તુ અનુસાર નકારાત્મક ઉર્જા (નેગેટિવ એનર્જી)ને આમંત્રણ આપે છે. વાસ્તુ અનુસાર, આ વસ્તુઓને કારણે ઘરમાં દુર્ભાગ્ય, આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને સંબંધોમાં તણાવ આવી શકે છે. જો તમે સુખી અને શાંતિપૂર્ણ જીવન ઈચ્છતા હોવ, તો આ 6 વસ્તુઓને ઘરમાં લાવવાથી અથવા રાખવાથી બચવું જોઈએ:
તસવીર અથવા મૂર્તિઓ
ઘણા લોકો ઘરની દીવાલો પર પ્રાણીઓની ચામડી, યુદ્ધના દ્રશ્યો, બરબાદી કે વિનાશ દર્શાવતા ફોટો અને મૂર્તિઓ લગાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં આને અત્યંત અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ માનસિક તણાવ, ઝઘડા અને આર્થિક નુકસાન વધારે છે. દીવાલો પર હંમેશા શાંત, સુંદર અને સકારાત્મક તસવીર જ લગાવો.
જૂના કેલેન્ડર અને બંધ ઘડિયાળો
જૂના કેલેન્ડર કે બંધ થઈ ગયેલી ઘડિયાળો રાખવી વાસ્તુ અને ફેંગશુઈ બંને મુજબ અશુભ છે. આ વસ્તુઓ સમય અટકી ગયો હોવાનું પ્રતીક છે, જેનાથી ઘરના સભ્યોની પ્રગતિ રુંધાઈ જાય છે. બંધ ઘડિયાળ આર્થિક તંગી લાવી શકે છે. તેથી સમયસર કેલેન્ડર બદલો અને બંધ ઘડિયાળોને તરત જ રિપેર કરાવો અથવા હટાવી દો.
તૂટેલો કાચ
તૂટેલો કાચ નકારાત્મકતાનું મોટું પ્રતીક છે. વાસ્તુ અનુસાર, તેનાથી ઘરની ઉર્જા વેરવિખેર થઈ જાય છે અને પરિવારમાં ઝઘડા વધે છે. આજકાલ કેટલાક લોકો મોર્ડન લુક માટે 'બ્રોકન મિરર' આર્ટનો ઉપયોગ કરે છે, પરંતુ આ ભૂલ ભારે પડી શકે છે. તૂટેલો કાચ તરત જ ઘરની બહાર કાઢી નાખવો જોઈએ.
કાંટાવાળા છોડ
કેક્ટસ (થોર) અને અન્ય કાંટાવાળા છોડ આજકાલ ઇન્ડોર પ્લાન્ટ્સ તરીકે ટ્રેન્ડમાં છે, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેમને ઘરની અંદર રાખવા અશુભ મનાય છે. આ છોડ સંબંધોમાં તણાવ અને નકારાત્મકતા વધારે છે. જો ઘરમાં છોડ રાખવા જ હોય તો કાંટા વગરના લીલાછમ છોડ પસંદ કરો, જેમ કે મની પ્લાન્ટ અથવા એલોવેરા.
સાપની મૂર્તિઓ કે તસવીર
પૌરાણિક મહત્વ હોવા છતાં સાપની મૂર્તિઓ કે કલાકૃતિઓ ઘરમાં રાખવી વાસ્તુ મુજબ યોગ્ય નથી. તેને ભય, છળ અને છૂપા જોખમનું પ્રતીક માનવામાં આવે છે. આવી વસ્તુઓ ઘરમાં અસ્થિરતા લાવે છે, તેથી તેને તરત જ હટાવી દો.
નટરાજની મૂર્તિ
નટરાજની મૂર્તિ ભગવાન શિવના તાંડવ નૃત્યનું પ્રતીક છે, જે ઉગ્ર ઉર્જા અને વિનાશ સાથે જોડાયેલું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નટરાજની મૂર્તિ રાખવાથી ઘરની શાંતિ ભંગ થાય છે. આ મૂર્તિને ઓફિસ કે વ્યાપારી જગ્યાએ રાખવી વધુ યોગ્ય છે, ઘરની અંદર નહીં.
વાસ્તુ દોષથી બચવાના સરળ ઉપાયો
સફાઈ: ઘરમાં હંમેશા સાફ-સફાઈ રાખો. તૂટેલી-ફૂટેલી વસ્તુઓને તરત જ ઘરની બહાર કાઢો.
ઉત્તર-પૂર્વ દિશા: વાસ્તુમાં ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) દિશાને અત્યંત શુભ માનવામાં આવે છે, તેથી આ દિશાને હંમેશા પવિત્ર અને સાફ રાખો.
રંગોની પસંદગી: ઘરમાં હંમેશા હળવા, શાંત અને સકારાત્મક રંગોનો ઉપયોગ કરો.
ટ્રેન્ડના ચક્કરમાં ભૂલ ન કરો
આપણે ટ્રેન્ડ અને દેખાડાના ચક્કરમાં આવી ભૂલો કરવાથી બચવું જોઈએ. ઉપર જણાવેલી વસ્તુઓને ઘરમાંથી હટાવીને તમે સકારાત્મક ઉર્જા મજબૂત કરી શકો છો, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

