Religion: ગંગા સપ્તમી પર ભાગ્ય ચમકાવવા માટે ઘરે લાવો આ 4 પવિત્ર વસ્તુઓ, મળશે મહાદેવના આશીર્વાદ

હિન્દુ ધર્મમાં વૈશાખ સુદ સાતમને ગંગા સપ્તમી અથવા ગંગા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, આ દિવસે માતા ગંગાએ જહ્નૂ ઋષિના કાનમાંથી પુનઃજન્મ લીધો હતો, તેથી આ દિવસ ગંગાજીના પ્રાગટ્ય માટે અત્યંત શુભ ગણાય છે. આ દિવસે પવિત્ર સ્નાન અને દાન કરવાથી સાત જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે.
માત્ર સ્નાન જ નહીં, પરંતુ આ શુભ દિવસે કેટલીક પવિત્ર વસ્તુઓ ઘરે લાવવાથી સુષુપ્ત ભાગ્ય જાગૃત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
1. ચાંદી કે તાંબાના વાસણમાં ગંગાજળ
ગંગા સપ્તમી પર પવિત્ર ગંગાજળ ઘરે લાવવું સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જો તમે નદીએ ન જઈ શકો, તો ઘરે રહેલા ગંગાજળને નવા તાંબા કે ચાંદીના પાત્રમાં ભરો. આ પાત્રને ઘરના ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ) રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
2. દક્ષિણવર્તી શંખ
શંખને દેવી લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે. ગંગા સપ્તમી પર દક્ષિણવર્તી શંખ ખરીદીને તેને પૂજા સ્થાનમાં સ્થાપિત કરવો ખૂબ જ શુભ છે. જે ઘરમાં શંખની પૂજા થાય છે અને શંખનાદ થાય છે, ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશતી નથી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે.
3. ચાંદીનું કમળ અથવા હાથીની પ્રતિમા
માતા ગંગાને કમળનું પુષ્પ અત્યંત પ્રિય છે અને હાથી એ ઐશ્વર્યનું પ્રતિક છે. આ દિવસે ચાંદીનું નાનું કમળનું ફૂલ અથવા હાથીની પ્રતિમા લાવી પૂજા રૂમમાં રાખવાથી વ્યવસાય અને કરિયરમાં પ્રગતિના માર્ગ ખુલે છે. જો ચાંદી શક્ય ન હોય, તો અન્ય કોઈ શુભ ધાતુની મૂર્તિ પણ લાવી શકાય છે.
4. રુદ્રાક્ષ
ગંગાજી ભગવાન શિવની જટામાં નિવાસ કરે છે, તેથી આ દિવસે રુદ્રાક્ષ ઘરે લાવવો વિશેષ ફળદાયી છે. વિધિવત પૂજા કરીને રુદ્રાક્ષ ધારણ કરવાથી અથવા પૂજામાં રાખવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.
ગંગા સપ્તમી પૂજા મંત્ર
પૂજા સમયે નીચેના મંત્રોનો જાપ કરવો ફળદાયી રહેશે:
ॐ ગંગે નમઃ॥
ગંગે ચ યમુને ચૈવ ગોદાવારી સરસ્વતી | નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ ||
નમો ગંગાયૈ વિશ્વરૂપિણ્યૈ નારાયણ્યૈ નમો નમઃ॥
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

