ઘરમાં પક્ષીઓનો માળો શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

ઘણીવાર આપણા ઘરની છત, બારી કે બાલ્કનીમાં પક્ષીઓ માળો બનાવી લેતાં હોય છે. આ એક સામાન્ય ઘટના છે, પરંતુ લોકોના મનમાં ઘણીવાર પ્રશ્ન થાય છે કે ઘરમાં પક્ષીનો માળો હોવો શુભ માનવામાં આવે છે કે અશુભ? શું તેને ઘરમાં રહેવા દેવો જોઈએ કે હટાવી દેવો જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, માળો શુભ છે કે અશુભ તેનો આધાર ઘરમાં કયા પક્ષીએ માળો બનાવ્યો છે તેના પર રહેલો છે. આવો જાણીએ જુદા-જુદા પક્ષીઓના માળા વિશે વાસ્તુના નિયમો:
ઘરમાં કબૂતરનો માળો શુભ કે અશુભ?
ઘરોની આસપાસ કબૂતરો સામાન્ય રીતે જોવા મળે છે. કેટલાક લોકો કબૂતરને શાંતિનું પ્રતીક માને છે અને એવી લોકમાન્યતા છે કે તેનો માળો ઘરમાં સકારાત્મક ઊર્જા અને આર્થિક સમૃદ્ધિ લાવે છે.
પરંતુ, વાસ્તુશાસ્ત્રના મોટાભાગના નિયમો અને આરોગ્યની દૃષ્ટિએ ઘરમાં કબૂતરનો માળો સારો ગણાતો નથી. કબૂતરની ચરકથી ગંદકી ફેલાય છે અને ફેફસાં સંબંધિત બીમારીઓ થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત, વાસ્તુ અનુસાર કબૂતરનો માળો ઘરમાં અસ્થિરતા લાવી શકે છે. તેથી મોટાભાગના લોકો કબૂતરોને ઘરમાં માળો બાંધવા દેતા નથી.
વાસ્તુમાં ચકલીના માળાનું મહત્ત્વ
આજના સમયમાં શહેરોમાં ચકલીઓ ભાગ્યે જ જોવા મળે છે. જો કોઈ ચકલી તમારા ઘરની બારી, છત કે બાલ્કનીમાં માળો બનાવે છે, તો તે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ, ચકલીનું આગમન ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. ખાસ કરીને જો ચકલી ઘરની પૂર્વ દિશામાં માળો બનાવે, તો તે પરિવારના સભ્યો માટે સફળતાના નવા દ્વાર ખોલે છે. ચકલીનો માળો પરિવારમાં સકારાત્મક વાતાવરણ અને પ્રેમ વધારે છે.
મૈના (કાબર) સુખ અને સમૃદ્ધિનું પ્રતીક
જો મૈના તમારા ઘરમાં કે આંગણામાં માળો બનાવે, તો વાસ્તુશાસ્ત્ર મુજબ તે ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે મૈનાનો માળો પરિવારમાં સુખ-શાંતિ લાવે છે અને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના સંકેત આપે છે. તેનાથી પારિવારિક સંબંધો વધુ મજબૂત બને છે.
જ્યારે પણ કોઈ પક્ષી તમારા ઘરમાં માળો બનાવે અને તેમાં ઈંડાં કે બચ્ચાં હોય, ત્યારે તેને ક્યારેય તોડવો કે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. જીવદયા એ સૌથી મોટો ધર્મ છે. જો સ્વચ્છતા કે અન્ય કોઈ કારણોસર માળો હટાવવો અત્યંત જરૂરી હોય, તો બચ્ચાં મોટાં થઈને ઊડી જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

