Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Yesterday the throne of Ayodhya and in the morning 14 years of exile

Ravi Purt: ગઈકાલે અયોધ્યાનું સિંહાસન અને સવારે 14 વર્ષનો વનવાસ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purt: ગઈકાલે અયોધ્યાનું સિંહાસન અને સવારે 14 વર્ષનો વનવાસ

- જાણ્યું છતાં અજાણ્યું

App Store

- સ્વાધ્યાય એ જીવનનું નંદનવન છે. સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ કરીએ, ત્યારે એમાં ગ્રંથ કે શાસ્ત્રરૂપી વૃક્ષોની શીતળ છાયા મળશે

અઘ્યાત્મની સાધના કરનારને માટે સ્વાઘ્યાય અતિ મહત્ત્વની બાબત છે. એ સ્વાઘ્યાય દ્વારા શાસ્ત્રોનું અઘ્યયન કરે છે, એના અર્થોનું ચિંતન કરે છે અને એ દ્વારા મળેલું નવનીત પોતાના વિચારમાં અને આચરણમાં ઉતારે છે. એ દૃષ્ટિએ સ્વાઘ્યાય એક એવી પ્રક્રિયા છે કે જ્યાં સાધકની સામે કોઈ શાસ્ત્રગ્રંથ હોય છે અથવા તો પોતાની જાત હોય છે અને એનો સ્વાઘ્યાય ચાલ્યા કરે છે. 

આ સ્વાઘ્યાય ધર્મગ્રંથોનાં રહસ્યોને ઉદ્ધાટિત કરી આપે છે. આ સ્વાઘ્યાય સાધકની ચેતનાને સ્પર્શીને એના આંતર જગતને અજવાળે છે. આ સ્વાઘ્યાય એને માટે અઘ્યાત્મયાત્રામાં દીવાદાંડીરૂપ બને છે. વળી આ સ્વાઘ્યાયનો એક અર્થ છે પોતાની જાતનું અઘ્યયન. આ સંદર્ભમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજે સરળ અને પ્રવાહી વાણીમાં માર્મિક વિચારો પ્રગટ કર્યા છે, તે જોઈએ.

'સ્વ' ના અઘ્યયન માટે શાસ્ત્ર કે ગ્રંથોનો અથવા તો પૃચ્છા, શ્રવણ અને પઠનનો આધાર લઈ શકાય. પરિણામે શ્રેષ્ઠ ગ્રંથો અને શાસ્ત્રોના અઘ્યયનની સાથોસાથ સાધક આત્મ-અઘ્યયન કરે એ જ સ્વાઘ્યાય છે. શ્રેષ્ઠ ગ્રંથ કે શાસ્ત્રને વાંચતા સાધક એના જ્ઞાનના પ્રકાશમાં વિચારશે કે આમાં જેને સારી અને નરસી બાબતો કહેવામાં આવી છે તે મારા જીવનમાં ક્યાં ક્યાં છે? મારું આચરણ પશુસમાન છે કે સત્ પુરુષને છાજે તેવું છે? આ રીતે કરવામાં આવેલો સ્વાઘ્યાય આત્માને પ્રકાશિત કરનારો દીપક છે. આ સંદર્ભમાં આત્મા પોતાનો વિચાર કરે નહીં અથવા તો પોતાની સારી કે નરસી બાબતો પર લક્ષ આપે નહીં તો એનો સ્વાઘ્યાય અધૂરો છે. 

આ પ્રકારના ગ્રંથ કે શાસ્ત્રના સ્વાઘ્યાયથી તમારા માનસપટ પર રામ અને રાવણ, યુધિષ્ઠિર અને દુર્યોધન, કૃષ્ણ અને કંસ એ બધાનું જીવન અંકિત થશે. એ પછી સાધકે પોતે જ પોતાના ભીતરમાં ડૂબકી લગાવીને એ જોવાનું છે કે મારામાં રામનો અંશ કેટલો છે અને રાવણનો અંશ કેટલો છે? આમાંથી હિતકર હશે તેને અપનાવશે અને અહિતકર હશે એનો ત્યાગ કરશે. 

સ્વાઘ્યાય કરતાં કરતાં 'જીવન ક્ષણભંગુર છે' અને 'અમે અજર- અમર છીએ' એમ બંને પ્રકારના પ્રસંગો તમને મળશે. આનાથી ગભરાવાની જરૂર નથી અથવા તો કોઈ એકને સ્વીકારીને આંધળીદોટ લગાવવાની જરૂર નથી. હકીકતમાં બંને વચ્ચે સેતુ સાધવો જોઈએ, એનો સમન્વય સાધવો જોઈએ. વીજળીના બે તાર મળે તો જ પ્રકાશ આપે છે, એ જ રીતે જીવનની ભંગુરતા અને નિત્યતા બંનેનો સમન્વય આપણા જીવનમાં પ્રકાશ અને ગતિનું પ્રદાન કરે છે. 

સ્વાઘ્યાયને લીધે જીવનની અપરંપાર ઘટનાઓ જાણવા અને સમજવા મળશે. વિશ્વનાં ઘટના-ચક્રોનો સ્વાઘ્યાય પણ અનેક અનુભવ આપશે. આ બધા અનુભવોનો મેળાપ સાધો. મહાપુરુષોના જીવનના જે અનુભવો સામાન્ય કે સપાટી પરના લાગે,તેને છોડી દો,અને વિશિષ્ટ પુરુષોના અનુભવોને જ ઉદાહ૨ણીય માનીને ચાલવું જોઈએ. આ જ જીવનના સ્વાઘ્યાયનો લાભ છે. 

મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ અયોઘ્યા છોડીને વનની વાટે સંચરતા હતા, ત્યારે અયોઘ્યાવાસીઓ તેમની પાછળ પાછળ આવતા હતા. રામે એમને અયોઘ્યા પાછા ફરવા જણાવ્યું, પરંતુ અયોઘ્યાવાસીઓ તો રામની સાથે જ જવા આતુર હતા. રામે વારંવાર એમને અયોઘ્યા પાછા જવા કહ્યું, ત્યારે અયોઘ્યાવાસીઓએ શ્રીરામને વિનંતી કરી : 

''આપ તો અયોઘ્યા ત્યજીને વનવાસ જઈ રહ્યા છો. અમને કોઈ એવો સંદેશો આપો કે જે અમારા જીવનમાં લાભદાયી બને.''

રામે કહ્યું, ''આ હમણાં જ તમારી સામે જે ઘટના બની છે, તેનાથી વિશેષ બીજો કયો સંદેશો હોઈ શકે? જે સુવર્ણ સિંહાસન માટે આટલી બધી તૈયારીઓ કરવામાં આવી હતી, અયોઘ્યાનગરીને સ્વર્ગની નગરી જેવી બનાવવામાં આવી હતી, એ બધી જ વાતો જાણે હવામાં ઓગળી ગઈ. એ બધાની કોઈ ને કશી જાણ પણ નથી. આજે સોનાનું સિંહાસન છે ખરું, અયોઘ્યા પણ એની એ જ છે, છતાં સઘળું સૂમસામ છે. જે વિચાર્યું હતું તે બધું જ સ્વપ્નવત્ બની ગયું. જેની સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી, એ કઠોર વાસ્તવિકતા બનીને સામે ઊભી છે. સવારે જે અયોઘ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થઈને ચક્રવર્તી થવાનો હતો તે આજે વનવાસી તપસ્વી બનીને જઈ રહ્યો છે. શું આ ઘટનાથી તમારા જીવનને અપૂર્વ સંદેશ સાંપડતો નથી?''

શ્રીરામનો આ સંદેશ લઈને પ્રજાજનોએ વસમી વિદાય લીધી. જો આપણે આપણા અંતરનો સ્વાઘ્યાય કરવા માગતા હોઈએ, તો શાસ્ત્રોનાં પૃષ્ઠો પ૨ શબ્દબદ્ધ થયેલી ઘટનાઓ અને જગતના ઘટનાક્રમને આપણા માનસમાં પ્રતિબિંબિત કરવો જોઈએ. એ દ્વારા સ્વજીવનનું અઘ્યયન કરવું જોઈએ. આને જ શાસ્ત્રોમાં અનુપ્રેક્ષા સ્વાઘ્યાય કહેવામાં આવે છે.

એક દ્રષ્ટિએ વિચારીએ તો સ્વાધ્યાય એ જીવનનું નંદનવન છે. સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ કરીએ, ત્યારે એમાં ગ્રંથ કે શાસ્ત્રરૂપી વૃક્ષોની શીતળ છાયા મળશે, આ શાસ્ત્ર-વૃક્ષ પાસેથી અમૃત સમું મીઠું આચારફળ મળશે, તેમ જ એક એકથી ચડિયાતા વિચારોનાં પુષ્પો મળશે. ક્યાંક કાંટા હશે તો ક્યાંક આત્માને શુદ્ધ અને પવિત્ર કરનાર સુંદર સરોવર પણ હશે. દુષ્કર્મ ફલરૂપી કંટકોથી આપણે બચવું પડશે અને તપરૂપી સુંદર સરોવરમાં પસ્તાવાના વિપુલ જલથી સ્નાન કરીને આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવવો પડશે. નંદનવનમાં ચોતરફ મનોહ૨ દ્રશ્યો દેખાય એ જ રીતે સ્વાઘ્યાયરૂપી નંદનવનમાં પણ મહાપુરુષોનાં જીવનનાં મનોહ૨ દશ્યો નજરે પડશે. એમના ચિંતનની સુવાસ મઘમઘતી હશે. આમ સ્વાઘ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ કરીને આપણે આપણા આત્મા, મન, બુદ્ધિ અને હૃદયને તાજગી અર્પીએ છીએ. આપણા જીવનમાં એ સુવિચારો,શુદ્ધ આચારો, તપ આદિને અપનાવી શકીએ છીએ. 

આટલી વિવેચના પછી સ્વાઘ્યાયના મહત્ત્વનો તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વાઘ્યાયનું આનાથી વિશેષ મહાત્મ્ય પણ છે. કોઈ લોખંડની ચીજો તમે ઉપયોગ કરો નહિ, તો તેના પર કાટ લાગે છે અને થોડા જ સમયમાં સડીને ખતમ થઈ જશે. એનો કશો ઉપયોગ નહિ કરી શકો. આવી જ રીતે આત્મા કે જીવનનું પણ જો આપણે વારંવાર જાગૃતિપૂર્વક સંમાર્જન ન કરીએ અને એના તરફ ઉપેક્ષા દાખવીએ, તો તેના પર પણ કષાયાદિનો કાટ લાગશે અને પરિણામે આત્માને વિનાશ તરફ લઈ જશે. આવો આત્મા સત્ત્વહીન અને બળહીન થતાં કોઈ મહાન ધર્મકાર્ય કરી શકશે નહિ. 

સ્વાધ્યાય દ્વારા જ આત્માને વારંવાર જાગૃત રાખી શકાય છે, જેથી એના પર કષાયાદિનો કાટ લાગે નહિ. વારંવાર સ્વાઘ્યાય કરવાથી આત્મા પોતાનો મૂળ સ્વભાવ,પોતાના અસલ ગુણો અને પોતાની શક્તિઓને જાણી શકે છે, જેથી ક્રોધ જેવા કષાય સામે સતત સાવધાન રહે છે. સ્વાધ્યાયથી આત્મા બળવાન બને છે અને તે દ્વારા વ્યક્તિ મહાન ભગીરથ ધર્મકાર્ય કરી શકે છે. આથી સ્વાઘ્યાય આત્માને શુદ્ધ અને બળવાન બનાવીને એને મહાત્મા બનાવે છે. આવા મહાત્માને પરમાત્મા સાથે જોડનારી કડી એટલે સ્વાઘ્યાય. 

શાસ્ત્રોમાં અનેક સ્થળોએ સ્વાઘ્યાયના મહાત્મ્યનું વર્ણન મળે છે. જૈનદર્શન કહે છે, ''કોઈ સાધક સતત એક, બે કે ત્રણ મહિના સુધી ઉપવાસ કરે અથવા તો એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પરંતુ જો એ દિવસોમાં એ સ્વાઘ્યાય અને ઘ્યાનથી રહિત રહેશે તો એને એક ઉપવાસનું ફળ પણ પ્રાપ્ત નહિ થાય.''

આમ સ્વાઘ્યાયના લાભ સર્વવિદિત છે. સ્વાઘ્યાયનો સૌથી મોટો લાભ છે જ્ઞાનપ્રાપ્તિ. સ્વાઘ્યાય કરતી વખતે હજારો વર્ષ પૂર્વે મહાપુરુષોએ કરેલા ચિંતન અને મનનના વિશ્વમાં આપણું ચિત્ત ૨મમાણ બની જાય છે. એ મહાપુરુષોને આપણે પ્રત્યક્ષ મળ્યા નથી; પરંતુ જીવન અને જગતના ગહન અનુભવોમાંથી તારવેલા એમના વિચારોનો આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. એમના ચિંતન-મનનનો અભ્યાસ કરતાં આપણે એમ અનુભવીએ છીએ કે જાણે એ મહાપુરુષો સાથે વાત ન કરતા હોઈએ! અને તેઓ આપણા જીવનના ગૂંચવાયેલા કોયડાને ઉકેલી રહ્યા ન હોય! 

સ્વાઘ્યાય હજારો વર્ષના જીવનમંથનમાંથી નીકળેલું નવનીત આપે છે. સાથોસાથ આપણા જીવનપટ પર છવાયેલા અજ્ઞાનના ગાઢ અંધકારને અળગો કરીને જ્ઞાનનો પ્રકાશ આપે છે.

- મુનીન્દ્ર