Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why did politics heat up over the Prime Minister's national interest suggestions?

Shatdal : આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય! વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સૂચનો પર કેમ રાજકારણ ગરમાયું?

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય! વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સૂચનો પર કેમ રાજકારણ ગરમાયું?
સોર્સ : gstv

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

App Store

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઇસ્ટમાં છેલ્લા થોડા સમયથી પ્રવર્તી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને કેટલાંક મહત્ત્વનાં સૂચનો કર્યાં. વિપક્ષે તરત આ સૂચનોનું વિકૃત અર્થઘટન કર્યું. વાસ્તવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં સાત સૂચનમાંનાં કેટલાંક ખરેખર વિચારવા જેવાં છે. થોડી માંડીને વાત કરીએ. સહેજ ધ્યાન આપજો. વાતનો આરંભ ગુજરાતથી કરીએ.

-અમદાવાદમાં છેક સુરેન્દ્રનગર, વડોદરા અને ગાંધીનગર જેવાં સ્થળોએથી રોજ સેંકડો યુવાનો કામધંધા અર્થે આવે છે.  એ જ રીતે સૂરત, વડોદરા કે રાજકોટમાં આજુબાજુના પચીસ ત્રીસ ગામડાંના લોકો કામધંધા માટે અવરજવર કરે છે. દેશના આર્થિક પાટનગર સમા મુંબઇમા તો આ બાજુ છેક સૂરતથી અને પેલી બાજુ પૂણે અને નાસિકથી રોજ હજારો યુવાનો નોકરી ધંધા અર્થે આવે છે. આવી જ સ્થિતિ કોલકાતા, દિલ્હી અને ચેન્નાઇની છે. પોતાના રહેઠાણ વિસ્તારમાં કામ ન મળતાં લાખો યુવકો આ રીતે રોજ લાંબા અંતરની મુસાફરી કરે છે. વડા પ્રધાને કહ્યું કે વર્ક ફ્રોમ હોમનો સિદ્ધાંત અપનાવો. 

આ સૂચન લાંબે ગાળે અબજો રૂપિયાની બચત કરાવી શકે એમ છે. વિચારી જુઓ. ધારો કે દરેક યુવક રોજ કામધંધા કે નોકરીના સ્થળે પહોંચવા અને સાંજે પોતાને ઘેર પહોંચવા સરેરાશ ચારથી પાંચ કલાક વેડફે છે. દેશમાં સમજો કે પચીસ કરોડ યુવાનો આ રીતે અવરજવર કરે છે. આ બધાં યુવાનો ઘેર બેસીને કામ કરે તો એક તરફ કરોડો કલાકોની બચત થાય. બીજી બાજુ સડકો પરનો ટ્રાફિક ઘટી જાય છે. કરોડો લિટર પેટ્રોલ અને ડિઝલની બચત થાય છે. માણસ ઘરમાં બેસીને કામ કરે તો સતત પરિવારના સંપર્કમાં રહે છે.

વડા પ્રધાને આ સૂચન કર્યું એની ટીકા કરવા પહેલાં પ્રગટ થયેલા સમાચાર મુજબ દુનિયાના  સિત્તેરથી વધુ, વાંચો ફરીથી, સિત્તેરથી વધુ દેશોમાં વર્ક ફ્રોમ હોમની નીતિ અમલમાં છે. છેક કોરોના રોગચાળાના સમયથી આ નીતિ અમલમાં છે. આવા દેશોમાં કેનેડા, જર્મની, અમેરિકા, યૂરોપના દેશો, ઇંગ્લેંડ, નેધરલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. જરા કલ્પના તો કરી જુઓ. કેટલી બધી બચત થાય છે.

એવું જ સૂચન વડા પ્રધાને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાનું કરેલું. આ સૂચન નવું નથી. આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં કેટલાક પર્યાવરણવાદી વિદ્વાનોએ આવું સૂચન મહાનગર મુંબઇ માટે કરેલું. એમનું સૂચન એવું હતું કે મોટરકાર ધરાવતા સુખી લોકોએ પોતાની કારમાં બે ત્રણ સહકર્મચારીને અથવા મિત્રોને સાથે લેવા. સડકો પર વાહનો ઘટી જાય એટલે આપોઆપ ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય. એથી પણ વધુ મહત્ત્વની વાત એ કે પાર્કિંગની સમસ્યા લગભગ નાબૂદ થઇ જાય. પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. આ સૂચન ખરેખર મહત્ત્વનું હતું પરંતુ પોતાને શ્રીમંત માનનારા અને કારને સ્ટેટસ સિમ્બોલ માનનારા લોકોએ આ સૂચનને ગણકાર્યું નહીં.

વડા પ્રધાને કહ્યું કે એક વર્ષ માટે સોનું ખરીદવાનું માંડી વાળો. એમાં તો હો હા થઇ ગઇ. અત્રે એ યાદ કરવા જેવું છે કે ૧૯૬૭માં નવા નવા વડા પ્રધાન બનેલા ઇંદિરા ગાંધીએ પણ આવું સૂચન કરેલું કે એક વર્ષ માટે સોનું ખરીદતા નહીં. ૧૯૬૭માં આજના જેવી ગંભીર સમસ્યા પણ નહોતી . જો કે ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પછીનો એ સમયગાળો હતો. ઉપરાંત તાશ્કંદમાં રહસ્યમય સંજોગોમાં વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીજીનું અવસાન થયેલું. આજે વડીલ વયના કોંગ્રેસીઓને પૂછો કે ઇંદિરાજીએ ૧૯૬૭માં સોનું નહીં ખરીદવાની સલાહ શા માટે આપેલી, વારુ ?

અહીં એ પણ વિચારવાનું છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ વકરે અને પેટ્રોલ-ડિઝલ કે ગેસની જબ્બર તંગી થાય તો સોનાચાંદીથી વાહનો ચાલવાના નથી. વાહનો ચલાવવા માટે તો પેટ્રોલ કે ડિઝલની જ જરૂર પડવાની છે.

વાસ્તવમાં વડા પ્રધાને કરેલાં સૂચનો ભવિષ્યમાં કોઇ અણધારી પરિસ્થિતિ સર્જાય તો એને પહોંચી વળવાની અગમચેતી રૂપે કરેલાં સૂચનો છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાનું પરવડી શકે નહીં. 

રાહુલ ગાંધી કે અખિલેશ યાદવ કાં તો આ વાત સમજતા નથી અથવા કરવા ખાતર વડા પ્રધાનનાં સૂચનોની ટીકા કરે છે. એમની પાસે તો આ એક જ હથિયાર છે. વડા પ્રધાન જે કંઇ કહે એનો અવિચારીપણે વિરોધ કરવો. આ અવિચારી ટીકાના કારણે જ કોંગ્રેસ અત્યારે વિનાશના આરે છે. એક સમયે દેશનાં તમામ રાજ્યોમાં કોંગ્રેસી શાસન હતું. આજે રોકડા ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે. એનું કારણ કોંગ્રેસના નેતાઓ (સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી) જેવા નેતાઓની માયોપિક (ટૂંકી) દ્રષ્ટિ છે. હજુય સમય છે. વિપક્ષો થોડી સમજદારી દાખવે તો વડા પ્રધાનના સાત સૂચનોમાંનાં પાંચેક સૂચનોનો અમલ યુદ્ધ ધોરણે કરાવી શકાય એમ છે.