Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : 'What is a heart filled with devotion to God like?'

Dharmlok: 'પ્રભુભક્તિથી ભાવુક હૃદય કેવું હોય ?

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: 'પ્રભુભક્તિથી ભાવુક હૃદય કેવું હોય ?
સોર્સ : GSTV

ચૈતન્ય મહાપ્રભુ. બંગાળના મહાન સંત.શ્રીકૃષ્ણના પરમ ભક્ત. એકવાર તેઓ યાત્રાએ નીકળ્યા હતા, ત્યારની અદ્વુત ઘટના છે. માર્ગમાં એક વૃધ્ધ પુરુષ આસન લગાવીને બેઠા છે. સામે શ્રીકૃષ્ણની મનોરમ્ય મૂર્તિ છે. મનોમન ભગવદ્ ગીતાનો તેઓ પાઠ કરી રહ્યા છે. પુસ્તકમાં જોઈને કોઈને ખલેલ ન પહોંચે, તેથી મનમાં પાઠ કરતા હતા. પણ આશ્ચર્ય ત્યાં હતું કે પાઠ કરતા કરતા તેઓની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી. તેઓનું ભક્તિસભર રુદન જોઈને મહાપ્રભુ ત્યાં જ તેઓની સમીપ બેસી ગયા.

App Store

જેવો ભગવદ્ ગીતાનો પાઠ પુરો થયો, એટલે તે વૃદ્ધ રડતી આંખે ભગવાનની મૂર્તિને પગે લાગ્યા. સહજ મહાપ્રભુએ તેમને પૂછયું,' મહારાજ ! તમે તો ગીતાનું ખૂબ જ ઊંડું રહસ્ય જાણતા હો એવું લાગે છે, મને પણ થોડું સમજાવશો ?' વૃધ્ધે નિખાલસતાથી કહ્યું,' હું તો કશું જ જાણતો નથી. અરે, મને સંસ્કૃતનો 'સ' પણ આવડતો નથી. આ સાંભળતા ચૈતન્ય મહાપ્રભુ વિસ્મય ચકિત થઈ ગયા. પૂછયું, ગીતાના પાઠ વખતે આપની ભાવધારા એવી જોરદાર હતી કે જાણે એવું જ લાગે કે આપ તો ગીતાના રહસ્યને ઊંડાણથી જાણતા હશો.'

હવે નમ્રભાવે વૃદ્ધ બોલ્યા, મને તો કંઈ જ આવડતું નથી. બસ હું જ્યારે જ્યારે ગીતાનો પાઠ કરું છું, ત્યારે મને એવું જ લાગે છે કે અર્જુન ખૂબ જ મૂંઝવણમાં છે. તેને અન્ય માર્ગ નહીં મળતો હોવાથી તે પ્રભુનાં શરણે આવ્યો છે. પોતાના ઉદ્ધારની વિનંતી કરે છે, અને ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉપર ઉપકાર કરીને પરમ કરુણાથી તેને ઉપદેશ આપે છે. અર્જુન ભાવુકતાથી તે સાંભળે છે.

સ્હેજ અટકીને વૃદ્ધ બોલ્યા,' ભગવાન શું બોલે છે ? શેનો ઉપદેશ આપે છે ? તે મને ખબર નથી, પણ બસ પ્રભુ મને તારવા માટે જ ઉપદેશ આપી રહ્યા છે. એમ વિચારીને હું ગદ્ગદિત થઇ જાઉં છું. પ્રભુની કરુણાથી જ હું તરી શકીશ, એ મને વિશ્વાસ છે.' આ સાંભળીને ચૈતન્ય મહાપ્રભુ બોલ્યા,' એકવાર નહીં પણ સેંકડોવાર નથી સમજી શક્યા, તે સાચું રહસ્ય આપ સમજી ચૂક્યા છો.'     

- રાજ સંઘવી