Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The unique moves and stereotyped characters of villains in the world of TV serials

Chitralok: ટીવી સિરીયલોના સંસારમાં ખલનાયિકાઓની નોખી-અનોખી ચાલ અને સ્ટીરિયોટાઇપ કેરેક્ટર!

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: ટીવી સિરીયલોના સંસારમાં ખલનાયિકાઓની નોખી-અનોખી ચાલ અને સ્ટીરિયોટાઇપ કેરેક્ટર!
સોર્સ : GSTV

આપણે બીબાંઢાળ ટીવી સિરિયલોને ચાહીએ છીએ, તિરસ્કારીએ છીએ અને તેની અવગણના કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. સામાન્યપણે 'ટીવી વેમ્પ' ઘર ભંગાવાનું કામ કરે છે. એની માયાજાળનો ભોગ બનનારા અઢળક આંસુ વહેવડાવે છે. જ્યારે જેમ જેમ સિરિયલમાં વાર્તા જમાવટ કરે ત્યારે ટીવી વેમ્પ પોતાની આંગળીઓ વડે નવાં નવાં કાવતરાં કરવામાં વ્યસ્ત બને છે. વસ્ત્ર પરિધાન, શારીરિક હલનચલન અને ચેષ્ટાઓ સારાં અને ખરાબ, સારાં તત્વો અને અનિષ્ઠ તત્ત્વો વચ્ચે ભેદ પાડે છે. સારા અને અનિષ્ઠ તત્વોનું પ્રતિનિધિત્વ કરતા સફેદ અને કાળા રંગોના દિવસો ક્યારનાય પૂરા થઇ ગયા. હવે તેના સ્થાને પ્રતીકો આવ્યાં છે જેમાં વેમ્પ ખલનાયિકા પોતાનો ખુલ્લો વાંસો બતાવતી ચોળી ઊડીને આંખે વળગે એવા રંગની લિપસ્ટિક વાપરે છે. ખુલ્લા અને લાંબી લટોવાળા વાળ રાખે છે અને જાતજાતની ચેષ્ટાઓ કરે છે.

App Store

કસૌટી જિંદગી કી સિરિયલની કોમોલિકા તથા કહાની ઘર-ઘર કીની પલ્લવી હાસ્યાસ્પદ વસ્ત્રો ધારણ કરનારા પાત્રો બની રહ્યા છે. કોમોલિકાનો 'વી' આકારનું માંગ મેં સિંદુર સજાવટ તથા વેશભૂષા તેને સંપૂર્ણપણે ફિલ્મી ખલનાયિકા બનાવી દે છે. 

દેશભરની મહિલાઓ રમોલા સિકંદની બિંદીઓ પાછળ ઘેલી બની છે. એ વાત સૌ જાણે છે કે શીતલ સિંઘાનિયાને એ રીતે દર્શાવાઇ રહી છે જાણે કે તેનું મિશન દર્શકોને પોતાની સિરિયલ લિપસ્ટિક હોવાનું યાદ અપાવવાનું હોય. પિયા કા ઘરમાં સુહાસિની મૂળે દ્વારા ભજવાતા સાસુના પાત્રમાં એક સારું પરિવર્તન છે. તેને કાખઘોડી આપવાને બદલે વ્હીલચેર અપાય છે. અસ્તિત્વ એક કહાની સિરિયલમાં કાવાદાવા કરનારી કિરણનાં વસ્ત્ર પરિવર્તનમાં ખ્યાલ રખાયો છે.

સાંસમાં કંવલજિતની પ્રેમિકાની ભૂમિકા ભજવતી કવિતા કપૂર સહિતનાં કિટી પાર્ટીના તમામ પાત્રો હજી મહદંશે સજીવ લાગે છે. અસ્તિત્વના દિગ્દર્શક અજય સિંહા કહે છે કે આ કલ્પનાનો મુદ્દો છે. મોટા ભાગના સર્જકો અખતરો કરાયેલી ફોર્મ્યુલામાંથી બહાર નીકળતા ખચકાટ અનુભવે છે અને એટલે જ ખલનાયિકાની બાબતમાં પણ તેઓ તેમની પરંપરાગત છબિ ઉપસાવવા માગે છે.

ખલનાયિકાઓના શારીરિક હલનચલન તથા ચેષ્ટાઓની બાબતોમાં પણ ઊડીને આંખે વળગે એવું પાસું જોવા મળે છે. તમામ ટીવી વેમ્પ માત્ર થોડા ફેરફાર સાથે લગભગ એક સરખો જ અભિનય કરે છે. કુમકુમની રેણુકા જ્યારે પણ કોઇ કાવતરું કરે ત્યારે પોતાના ખુલ્લા વાળ ઝાટકીને પાછળ ધકેલે છે. આ વખતે તમને તમારા માથાના વાળ ખેંચવાની તીવ્ર ઇચ્છા થઇ આવતી હશે. કોમલિકા અને મંદિરા પડદા પર આવે ત્યારે એક ચોક્કસ પ્રકારનું સંગીત વગાડવામાં આવે છે. અને તેઓ પોતાના ચહેરાઓ પર થોડી કરડાકી લાવવાનો પ્રયાસ કરે છે. દેશ મેં નિકલા હોગા ચાંદની અનુ તેના ડોળા એ રીતે ફેરવે છે જાણે તેને ગાંડાની હોસ્પિટલ માટે તરત જ ટિકિટ મળી જશે. વાક્યે-વાક્યે પરિવાર કા સુખ અને ખાનદાન કી બરબાદી જેવા સંવાદોનો ઉપયોગ કર્યા વિના સામાન્ય હલનચલન કરતાં પાત્રો જોવા મળે ખરાં?

અરે સંવાદોમાં પણ ભલીવાર નથી હોતી. કદાચ તેથી જ અભિનેત્રીઓ દર્શકો પોતાની નોંધ લે તે માટે વિચિત્ર વેશ કાઢે છે અને અકારણ ચેનચાળા પણ કરે છે. વધુ વિચિત્ર બાબત એ છે કે સઘળી ખલનાયિકાઓએ પ્રેરણા માટે એક જ પુસ્તક વાંચ્યું હોવાનું જણાય છે. અભિનેત્રી સુધા ચંદ્રન હકારાત્મક અને નકારાત્મક બંને પાસાં તપાસવાં આતુર છે.

તે કહે છે કે મેં રમોલાનું પાત્ર ભજવવાની શરૂઆત કરી ત્યારે મેં આગવી શૈલી વિચારી હતી, પરંતુ હવે હું જોઉં છું કે સઘળી ખલનાયિકાઓએ એ જ શૈલી અપનાવી છે અને ક્યારેક તો તેઓ બિનજરૂરી ચાળા કરે છે. દર્શકોને પણ તે સ્વીકાર્ય છે એ આશ્ચર્યની બાબત છે. દર્શકો સ્વીકારે ત્યાર સુધી પાત્ર નભતું રહે છે. મારા દેખાવ માટેનો યશ નીમ સૂદ અને એકતા કપૂરને ઘટે છે. ૧૦ વર્ષ અગાઉ ટીવી ખલનાયિકાઓનાં દેખાવ આવા રહેતા નહોતા.

નિર્માતાઓને દર્શકોની બુદ્ધિક્ષમતા વિશે કોઇ શંકા છે? અમુક પાત્રો અને કલાકારો બીબાંઢાળ અભિનયને પલટાવવા માગે છે, પરંતુ પરિસ્થિતિ ખાસ આનંદદાયક નથી. પહેરવેશના ડિઝાઇનરો શું વિચારે છે? હકારાત્મક પાત્રોને વસ્ત્રોથી લાદી દઇને અને ખલનાયિકાઓને ઓછાં વસ્ત્રો પહેરાવે છે. એક ગૃહિણી કહે છે, હું સંયુક્ત કુટુંબમાં રહી ચૂકી છું. સમસ્યાઓ સર્જાય ત્યારે અમે મોઢામોઢ વાતો કરી લઇએ છીએ. ઘરમાં અને લગ્નસમારંભોને લાયક વસ્ત્રો નથી જ પહેરતાં. તેઓ અવાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.

આ સિરિયલોમાં નકારાત્મક પુરૂષ પાત્રો નથી. ખલનાયિકાઓ યોજનાઓ અને કાવતરાં ઘડે છે અને પુરુષ પાત્રો મૂક પ્રેક્ષક બનીને ઓધડ જેવા બનીને ઊભા રહે છે. જોકે દેશ મેં... સિરિયલમાં આકાશ અને ક્યોંકિ સાસમાં કરણનાં પાત્રો નકારાત્મક હતાં. બાકીના પુરુષ પાત્રો કુટુંબના સભ્યોને સાચો માર્ગ દેખાડી શકતા નથી તેવું ચિત્ર ખડું કરાય છે. આવું વલણ પ્રગતિકારક ન કહી શકાય. એક પટકથા લેખક ઓળખ ન આપવાની શરતે કહે છે, અમે તેમાં કશું ન કરી શકીએ. મહિલા દર્શકોને લક્ષ્યમાં રાખીને લેખન કાર્ય કરવાનું હોય છે. મહિલાઓ પોતાના કુટુંબના દુશ્મનોને ઓળખી શકે તે આ કહાનીઓનો હેતુ છે. તેથી ખલનાયિકાઓ પણ કહાનીમાં કેન્દ્ર સ્થાને રહે છે.

સવાલ એ છે કે નિર્માતાઓ શા માટે એક સરખી બાબતો રજૂ કરતા રહે છે? તેઓ દર્શકોને જે જોઇએ છે તે રજૂ કરવાનો દાવો કરતા કહે છે, તેનાથી અમે સામાજિક પરંપરા બદલી રહ્યા છીએ. જોકે આ દાવા તળે તેઓ જૂની કથાવસ્તુઓને જ રજૂ કરે છે અને પાત્રો પણ બીબાંઢાળ બની જાય છે. જો ઉઘાડા વાંસા અને હાસ્યાસ્પદ ચેનચાળા ખલનાયિકાની વ્યાખ્યા બની રહેશે તો આગામી દિવસોમાં લોકો ટીવીથી વિમુખ બને તો નવાઇ નહીં રહે.